BMC Election exit poll : મુંબઈમાં કોનું શાસન? સામે આવી ગયો એક્ઝિટ પોલ
મુંબઈ સહિત મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓ માટે 15 જાન્યુઆરી 2026ના રોજ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. દેશની સૌથી ધનિક પાલિકા BMCના ભાવિનો નિર્ણય હવે ઈવીએમમાં કેદ થયો છે, જેના સત્તાવાર પરિણામો 16 જાન્યુઆરીએ જાહેર થશે.
ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલ સામે આવ્યા છે, જેમાં ચોંકાવનારા અનુમાન વ્યક્ત કરવામાં આવ્યા છે. ખાસ કરીને AXIS My India ના સર્વેમાં મરાઠી, હિન્દી ભાષી અને મુસ્લિમ મતદારોના વલણ અંગે મોટો ખુલાસો થયો છે.

શિવસેના અને એનસીપીમાં થયેલા ભંગાણ બાદ બીએમસીની આ પ્રથમ મોટી ચૂંટણી છે, જેમાં ગઠબંધનનું ગણિત બદલાયું છે. ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના સાથે મળીને લડી છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેના જૂથે અન્ય સાથી પક્ષો સાથે જોર અજમાવ્યું છે.
AXIS My India ના એક્ઝિટ પોલ મુજબ, ભાજપ-શિંદે ગઠબંધનને 227 માંથી 131 થી 151 બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને તેમના સાથી પક્ષોને 58 થી 68 બેઠકો મળવાની શક્યતા દેખાઈ રહી છે.
બીજી તરફ કોંગ્રેસ માટે આ ચૂંટણીના આંકડા નિરાશાજનક હોઈ શકે છે, કારણ કે તેમને માત્ર 12 થી 16 બેઠકો જ મળી શકે છે. અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોના ખાતામાં 6 થી 12 જેટલી બેઠકો જાય તેવું એક્ઝિટ પોલમાં જણાવાયું છે.
ભાષાકીય મતદારોની વાત કરીએ તો, મરાઠી ભાષી મતદારોમાં હજુ પણ ઉદ્ધવ ઠાકરેનો ક્રેઝ અકબંધ છે અને તેમને 49 ટકા મરાઠી વોટ મળ્યા છે. જોકે, ઉત્તર ભારતીય અને હિન્દી ભાષી 68 ટકા મતદારોએ ભાજપ ગઠબંધન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
મુસ્લિમ મતદારોના વલણમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે, જ્યાં 41 ટકા મુસ્લિમ વોટ કોંગ્રેસના ખાતામાં ગયા હોવાનું મનાય છે. શિવસેના (UBT) ને 28 ટકા અને ભાજપને પણ અંદાજે 12 ટકા જેટલા મુસ્લિમ મતો મળવાની શક્યતા છે.
મહિલા મતદારોમાં પણ ભાજપ ગઠબંધન લોકપ્રિય રહ્યું છે, જ્યાં 44 ટકા મહિલાઓએ મહાયુતિને મત આપ્યા હોવાનો અંદાજ છે. ઉદ્ધવ ઠાકરેના ગઠબંધનને 31 ટકા મહિલાઓ અને 33 ટકા પુરૂષોનું સમર્થન મળ્યું હોવાનું આંકડા કહી રહ્યા છે.
કોંગ્રેસને મહિલા અને પુરૂષ બંને વર્ગમાંથી સમાન 13-13 ટકા મતો મળ્યા હોવાનું એક્ઝિટ પોલના તારણોમાં સામે આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે 16 જાન્યુઆરીએ જ્યારે પેટીઓ ખુલશે ત્યારે આ એક્ઝિટ પોલ કેટલા સાચા સાબિત થાય છે.












Click it and Unblock the Notifications
