
જમ્મુ કાશ્મીરમાં મોટો આતંકી હુમલો, 3 જવાન શહીદ અને 11 ઘાયલ!
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં મોટો આતંકી હુમલો થયો છે. શ્રીનગરના જેવાન વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ બસ પર ગોળીબાર કર્યો હોવાના અહેવાલ છે. આતંકીઓના ગોળીબારમાં 3 જવાન શહીદ થયા છે જ્યારે 11 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને વાહનોનું ચેકિંગ સઘન કરી દેવામાં આવી રહ્યું છે.
કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે, શ્રીનગરના પંથા ચોક વિસ્તારમાં જેવાન પાસે આતંકવાદીઓએ પોલીસ વાહન પર ગોળીબાર કર્યો, આ હુમલામાં 14 જવાન ઘાયલ થયા છે. ઘાયલ થયેલા તમામ જવાનોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે ઘાયલ પોલીસકર્મીઓમાં એક ASI અને એક સિલેક્શન ગ્રેડ કોન્સ્ટેબલનું મોત થયું છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા પોલીસ અને સેનાને નિશાન બનાવવાની ઘટનાઓમાં વધારો થયો છે.
એક તરફ આતંકી હુમલો તો બીજી તરફ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાંથી બીજેપીના એક નેતાનો PSO એક સાથી સાથે ગુમ થયો છે. બે હથિયાર પણ ગાયબ છે. કેસ નોંધ્યા બાદ પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી છે. આ અંગે હજુ વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તે આતંકવાદી સંગઠનમાં જોડાયો હશે કે કેમ તે અંગે પણ વાત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, સાકિબ અહેમદ બીજેપી નેતા અબ્દુલ રશીદ ઝરગર સાથે PSO તરીકે તૈનાત છે. તે બોહીપોરાના રહેવાસી તેના ભાગીદાર આરીફ અહેમદ સાથે રાત્રે ગુમ થઈ ગયો હતો. બંને પોલીસકર્મી છે અને PWD બિલ્ડિંગમાં તૈનાત છે. કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ બાદ ભાજપના નેતાઓને સુરક્ષા હેઠળ PWD ભવનમાં રાખવામાં આવ્યા છે. બંને ત્યાં તૈનાત હતા. રાત્રે અચાનક ગાયબ થઈ ગયા.