Manipur news: 'જો જાતે કપડા ના કાઢ્યા તો જાનથી મારી નાખીશુ', મણિપુરની મહિલાએ સંભળાવી આપવીતી
Manipur news: મણિપુરમાં હિંસાના અહેવાલો દરમિયાન બુધવારે જ્યારે કુકી સમુદાયની બે મહિલાઓની નગ્ન પરેડનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો ત્યારે સમગ્ર દેશનુ માથુ શરમથી ઝૂકી ગયુ.
આ ઘટના 4 મેના રોજ બની હતી અને વીડિયોમાં જોઈ શકાય છે કે સેંકડો લોકોનું ટોળું બે મહિલાઓને નગ્ન કરીને ખેતરોમાં લઈ જઈ રહ્યું હતું. આ મામલો સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને કેન્દ્ર સરકારના મૌન પર સવાલ ઉઠાવવાની સાથે મણિપુરના મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. વિપક્ષના નેતાઓએ પણ આ મામલે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. આ દરમિયાન, જેની સાથે આ નિર્દયતા કરવામાં આવી હતી, તેમાંથી એક મહિલાએ આગળ આવીને પોતાની આપવીતી જણાવી છે.
'Scroll'ના જણાવ્યા મુજબ એક દિવસ પહેલા કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળ્યા બાદ 4 મેના રોજ આ ઘટના મણિપુરના કાંગપોકપી જિલ્લાના બી-ફાનોમ ગામમાં બની હતી.. બે પીડિત મહિલાઓમાંથી એક મહિલાએ કહ્યું, 'જેવી અમને ખબર પડી કે મૈતેઈ સમુદાયનું ટોળું નજીકના ગામમાં ઘરોને આગ લગાવી રહ્યું છે, ત્યારે અમારો પરિવાર અને અન્ય ઘરના કેટલાક લોકો એક ગલીમાંથી છુપાઈને ભાગવા લાગ્યા ત્યારે ટોળાએ અમને જોયા અને પકડી લીધા. ટોળાએ અમારા એક પાડોશી અને મારા પુત્રને પકડી લીધો, તેમને થોડે દૂર લઈ ગયા અને બંનેને મારી નાખ્યા.'
40 વર્ષીય મહિલાએ આગળ કહ્યું, 'તે પછી ટોળાએ મહિલાઓ પર હુમલો કરવાનું શરૂ કર્યું અને અમને બધાને અમારા કપડાં ઉતારવા કહ્યું. જ્યારે અમે વિરોધ કર્યો ત્યારે તે લોકોએ મને કહ્યું - જો તમે તમારા કપડાં જાતે નહીં ઉતારો તો અમે તમને મારી નાખીશું. એ ભીડમાંથી મારો જીવ બચાવવા મેં મારા શરીરના દરેક કપડા ઉતારી નાખ્યા. આ દરમિયાન એ લોકોએ મને થપ્પડ અને મુક્કો માર્યો હતો. બીજી છોકરી, જે મારી પાડોશી છે અને માત્ર 21 વર્ષની છે, તેઓ તેને થોડે દૂર લઈ ગયા અને ત્યાં તેની સાથે શું કર્યું તે ખબર નથી.'
ઘટનાનું વર્ણન કરતાં મહિલાએ કહ્યું, 'તે પછી તેઓ મને રસ્તા પર ખેંચી ગયા અને બાજુના ડાંગરના ખેતરમાં લઈ ગયા અને મને સૂવા કહ્યું. ભીડના ડરને કારણે, મેં તેઓ કહેતા પ્રમાણે કર્યું અને તે પછી ત્રણ લોકો મને ઘેરીને ઉભા રહી ગયા. ત્રણમાંથી એકે બીજાને કહ્યુ કે રેપ કરીએ પરંતુ એ લોકોએ તેમ કર્યું નહીં. હું નસીબદાર હતી કે એ લોકોએ મારા પર બળાત્કાર ના કર્યો, પરંતુ તેમણે મારા પ્રાઈવેટ પાર્ટની છેડતી કરી.'
આ ઘટના બાદ બંને મહિલાઓના સંબંધીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે એક મહિલા પર સામૂહિક બળાત્કાર થયો હતો. ફરિયાદના આધારે, 18 મેના રોજ કાંગપોકપી જિલ્લાના સૈકુલ પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆર નોંધવામાં આવી હતી અને ત્યારબાદ સંબંધિત પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી તેમ પોલીસે જણાવ્યું હતું. બળાત્કાર, હત્યા સહિત અન્ય ગંભીર કલમોમાં 800થી 1000ની સંખ્યામાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. એફઆઈઆરમાં ઘટનાનો સમય 4 મેની બપોરનો જણાવવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
