Modi Government 3.o: આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળની પહેલી કેબીનેટ બેઠક, લેવાઇ શકે છે આ નિર્ણયો
Modi Government 3.o: નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે ત્રીજી વખત પદ અને ગુપ્તતાના શપથ લીધા છે. તેમની સાથે 71 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. વડાપ્રધાન મોદી શપથ લેતાની સાથે જ એક્શનમાં જોવા મળે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર 3.0 ની પ્રથમ કેબિનેટ બેઠક આજે યોજાવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં ગરીબો માટે મોટા નિર્ણયોની જાહેરાત થવાની શક્યતા છે. આજે વડાપ્રધાન મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં ગરીબો માટે 2 કરોડ નવા મકાનોને મંજૂરી મળી શકે છે.
મોદી કેબિનેટની આજે પ્રથમ બેઠક - રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં રવિવારે શપથ લેનાર નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટની પ્રથમ બેઠક સોમવારે સાંજે લોક કલ્યાણ માર્ગ પરના વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાવાની છે. સાંજે 5 વાગ્યે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને નવનિયુક્ત મંત્રીઓની બેઠક યોજાશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રમુખ જે. પી. નડ્ડાએ મોદી સરકારના ત્રીજા કાર્યકાળના મંત્રી પરિષદમાં સામેલ મંત્રીઓ માટે ડિનરનું પણ આયોજન કર્યું હતું.

વડાપ્રધાન મોદી અને 71 મંત્રીઓએ શપથ લીધા - નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા અને તેની સાથે મોદી 3.0માં 71 મંત્રીઓએ પણ શપથ લીધા હતા, પરંતુ મોદી 2.0 ના 34 મંત્રીઓ એવા હતા, જેમને મોદી સરકારની નવી કેબિનેટમાં સ્થાન નહોતું મળી શક્યું.
આમાં કેટલાક ચહેરા એવા પણ હતા, જેઓ આ લોકસભા ચૂંટણીમાં પોતાની સીટ બચાવવામાં સફળ રહ્યા ન હતા. નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળમાં મંત્રી રહી ચૂકેલા સાધ્વી નિરંજન જ્યોતિ, સ્મૃતિ ઈરાની, અજય મિશ્રા ટેની, મહેન્દ્ર નાથ પાંડે, સંજીવ બાલ્યાન જેવા ઘણા નેતાઓ લોકસભા ચૂંટણી હારી ગયા છે.
શપથ સમારોહમાં ઘણા દેશોના ટોચના નેતાઓએ હાજરી આપી - શપથ ગ્રહણ સમારોહમાં દેશ-વિદેશના અનેક ટોચના નેતાઓએ પણ ભાગ લીધો હતો. કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પણ આ પ્રસંગે હાજર હતા, જોકે ઘણા વિપક્ષી નેતાઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી ન હતી. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ અને જેડી(યુ)ના વડા નીતિશ કુમાર પણ હાજર હતા.
શપથ ગ્રહણ સમારોહમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સહિત ભારતના પડોશી અને હિંદ મહાસાગર ક્ષેત્રના ઘણા ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, તેમના ભૂટાનના સમકક્ષ શેરિંગ તોબગે, બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ શેખ હસીના અને સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહમદ અફીફ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા.
મુઈઝુની મુલાકાત વિદેશી નેતાઓમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે થઈ છે.












Click it and Unblock the Notifications
