• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મુનવ્વર ફારુકીને મોડી રાતે સુપ્રીમ કોર્ટના જજના ફોન બાદ છોડવામાં આવ્યા - Top News

By BBC News ગુજરાતી
|

ધાર્મિક ભાવનાઓના અપમાન મામલે ઇન્દોરની જેલમાં બંધ કૉમેડિયન મુનવ્વર ફારુકીને મોડી રાતે સુપ્રીમ કોર્ટના જજના ફોન બાદ જેલમાંથી છોડવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

5 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે મુનવ્વર ફારુકીના વચગાળાના જામીન સુપ્રીમ કોર્ટે મંજૂર કરી દીધા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે, સુપ્રીમ કોર્ટના એક જજે જ્યારે ઇંદૌરના મુખ્ય ન્યાયિક મૅજિસ્ટ્રેટને શનિવારે મોડી રાત્રે ફોન કર્યો અને તેમને સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર મુનવ્વર ફારૂકીના પ્રોડક્શન વૉરંટ પર લગાવાયેલ રોક અને વચગાળાના જામીન સાથે જોડાયેલા આદેશને ચૅક કરવાનું કહ્યું, ત્યારે જઈને કૉમેડિયન મુનવ્વર ફારૂકીને ઇંદૌરની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.

આ પહેલાં દિવસ દરમિયાન ઇંદૌર જેલ પ્રશાસને ફારૂકીને એવું જણાવીને જેલમાંથી મુક્ત કરવાથી ઇનકાર કરી દીધો હતો કે તેમને પ્રયાગરાજના CJM એટલે કે મુખ્ય ન્યાયિક મૅજિસ્ટ્રેટ તરફથી પહેલા જારી કરાયેલા પ્રોડક્શન વૉરંટને રોકવાને લઈને કોઈ આધિકારિક જાણકારી નથી મળી.

અખબરા સાથે વાત કરતાં ઇંદૌરની સેન્ટ્રલ જેલના અધિક્ષક, રાજેશ બાંગડેએ કહ્યું, "અમને પહેલાં આ આદેશ નહોતો મળ્યો, જોકે, સર્વોચ્ચ ન્યાયાલયના એક ન્યાયાધીશે ઇંદૌરના મુખ્ય ન્યાયિક મૅજિસ્ટ્રેટને ફોન કર્યો અને તેમને વેબસાઇટ પર અપલોડ કરાયેલા આદેશોને ચૅક કરવાનું કહ્યું અને કહ્યું કે જો તે પહેલાંથી જ અપલોડ થઈ ગયા છે તો તેનું પાલન કરો. અમે સાઇટ ચૅક કરી અને જોયું કે તે અપલોડ હતા, તેથી રાત્રે 11 વાગ્યે તેમને છોડવામાં આવ્યા."

ઇંદૌરના તુકોગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક મામલામાં મુનવ્વરને વચગાળાના જામીન આપતા જસ્ટિસ આર. એફ. નરીમનની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની એક બેન્ચે ઉત્તર પ્રદેશના જૉર્જ ટાઉન પોલીસ સ્ટેશનમાં કૉમેડિયન વિરુદ્ધ એક અન્ય મામલા સંબંધે જારી પ્રોડક્શન વૉરંટ પર રોક લગાવી દીધી હતી.


ગગનયાનના અંતરિક્ષયાત્રીઓને ગુજરાતના દરિયાકિનારે ઉતરાણ કરે તેવી શક્યતા

અંતરિક્ષમાં સાત દિવસના મિશન બાદ પૃથ્વી પર ફરનાર ગગનયાનના અંતરિક્ષયાત્રીઓને આવકારવાની તક ગુજરાતને મળી શકે છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ઇસરોના અમદાવાદસ્થિત સ્પેસ ઍપ્લિકેશન સેન્ટર (SAC)ના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ શનિવારે સ્પેસ ગીક્સ મુંબઈ અને અન્ય સંસ્થાઓના પ્રેઝન્ટેશન વખતે આ વાત કહી હતી.

તેમણે કહ્યું કે, “હાલ પૂરતું ભારતીય અવકાશયાત્રીઓ અરબ સાગરમાં ગુજરાતના વેરાવળના દરિયાકાંઠે ઉતરાણ કરે તેવી શક્યતા છે, જોકે આકસ્મિક યોજના મુજબ બંગાળની ખાડીમાં પણ એક ઝોનમાં ઉતરાણ થઈ શકે છે. ઉતરાણની આખરી જગ્યા અંગે જલદી જ નિર્ણય લઈ લેવાશે.”

તેમણે આગળ કહ્યું કે, “ઉતરાણના 15થી 20 મિનિટમાં જ ક્રૂને રિકવર કરી લેવાશે. ત્યાર બાદ તેમને ક્વૉરેન્ટિનમાં રાખવાના રહેશે. ક્રૂ મેમ્બર ક્વૉરેન્ટિન પીરિયડ પૂરું કરીને પાછા કામે લાગે પછી જ આપણે મિશન પૂરું થયાની જાહેરાત કરી શકીશું.”


ગુજરાતમાં MSMEને 18,996 કરોડ રૂપિયાની લોન મળી, મહારાષ્ટ્રમાં 30,324 કરોડ રૂપિયા

https://www.youtube.com/watch?v=zp8mvorShL4

ગુજરાત સરકારે 21 જાન્યુઆરી, 2021 સુધી ઇમર્જન્સી ક્રેડિટ લાઇન ગૅરંટી સ્કીમ (ECLGS) અંતર્ગત MSMEને 18,886 કરોડ રૂપિયાની લોન આપી છે. આ અંગેની જાણકારી સંસદના નીચલા ગૃહ લોકસભામાં આપવામાં આવી હતી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર 18,996 કરોડ રૂપિયાની લોન આપવાની સાથે જ ગુજરાત સમગ્ર દેશમાં MSMEને સૌથી વધુ લોન આપનારા રાજ્યોની યાદીમાં ત્રીજા ક્રમે છે. જ્યારે ગુજરાતની આગળ 30,324 કરોડ રૂપિયા અને 20,903 કરોડ રૂપિયાની સાથે મહારાષ્ટ્ર અને તમિલનાડુ અનુક્રમે પ્રથમ અને બીજા ક્રમે છે.

અહેવાલ મુજબ રાજ્યમાં 2.84 લાખ યુનિટોએ ECGLS અંતર્ગત લોન મેળવી છે.

નિષ્ણાતોના મતે ગુજરાત એક મોટું ઉત્પાદક રાજ્ય અને સંખ્યાબંધ MSMEનું કેન્દ્ર છે. પરંતુ હાલના સમયમાં ગુજરાતના ઉદ્યોગો લિક્વિડિટી ક્રાઇસીસનો સામનો કરી રહ્યા હોઈ ઉદ્યોગો દ્વારા વધુ લોન મેળવવામાં આવી છે. પ્રાથમિક લેણદારોમાં ટેક્સટાઇલ, એંજિનયરિંગ માલસામાન અને કેમિકલ સેક્ટરના યુનિટો સામેલ છે.


તેડુંલકર ભારતરત્ન સન્માનને લાયક નહોતા : RJDના ભૂતપૂર્વ સાંસદ

રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના રાષ્ટ્રીય ઉપપ્રમુખ શિવાનંદ તિવારીએ શુક્રવારે 'સચિન તેંડુલકર ભારતરત્ન સન્માનને લાયક નહોતા’ એવું કહીને વિવાદ સર્જ્યો હતો.

નોંધનીય છે કે ઇન્ટરનૅશનલ પોપ સ્ટાર રિહાના અને પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ભારતના ખેડૂત આંદોલનના પક્ષમાં ટ્વીટ કર્યા બાદ સચિન તેંડુલકરે સરકારના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું.

ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે રિપોર્ટરો સાથે વાતચીત કરતી વખતે તિવારીએ કહ્યું કે, “ખેડૂતો ગામડાંમાં રહે છે અને તેમને ટ્વિટર વિશે કે તેના પર શું લખાય છે તે વિશે ખ્યાલ હોતો નથી. બે વિદેશી હસ્તીઓ દ્વારા ખેડૂતોને સમર્થન જાહેર કરવામાં આવ્યું. આ જાહેરાત થતાંની સાથે જ તેંડુલકરે ચર્ચામાં ઝંપલાવી દીધું. તેઓ ઘણી બધી પ્રોડક્ટોના બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેઓ ભારતરત્ન સન્માનને લાયક નહોતા. ધ્યાનચંદ જેવા ઘણા એવા લોકો છે જેમને એ સન્માન મળવું જોઈતું હતું.”

તિવારીની આ ટિપ્પણીની ભાજપ અને JD(U)ના નેતાઓએ ભારે ટીકા કરી હતી. ભાજપના પ્રવક્તા નિખીલ આનંદ કહ્યું કે, “જો સચિન તેંડુલકરને નહીં તો કોને ભારતરત્ન મળવું જોઈતું હતું? શિવાનંદ તિવારી વૃદ્ધ થઈ ગયા છે. તેમને ખબર નથી પડતી કે તેઓ શું બોલી રહ્યા છે. તેમને એક સારા મનોચિકિત્સકની જરૂર છે.”


જે આપે દિલ્હીમાં પાંચ વર્ષમાં કર્યુ તે ગુજરાતમાં ભાજપે 25માં નથી કર્યું : મનીષ સિસોદીયા

આગામી દિવસોમાં ગુજરાતમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે ગુજરાતની ચૂંટણીજંગમાં ઊતરેલ નવા પક્ષ આમ આદમી પાર્ટી (આપ) દ્વારા પણ પ્રચારઅભિયાનની જોરશોરથી શરૂઆત થઈ ચૂકી છે. આ જ કડીમાં હાલ દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદીયા હાલ ગુજરાતમાં આપના ઉમેદવારોના પ્રચારાર્થે ગુજરાત પહોંચેલા છે.

ટાઇમ્સ નાઉ ન્યૂઝ ડૉટ કોમના એક અહેવાલ પ્રમાણે ચૂંટણીપ્રચારના પ્રથમ જ દિવસે દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદીયાએ ગુજરાતમાં 25 વર્ષના ભાજપના શાસનની ટીકા કરી છે. તેમણે દાવો કર્યો કે, “જે આપે પાંચ વર્ષમાં દિલ્હીમાં કરી બતાવ્યું તે ભાજપ 25 વર્ષે પણ ગુજરાતમાં હાંસલ કરી શક્યો નથી.”

તેમણે મીડિયા સાથેની વાતચીતમાં આગળ કહ્યું કે, “દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં દિલ્હી સરકારે માત્ર બે વર્ષમાં જ રાજ્યના સ્વાસ્થ્ય પ્રણાલીની શિકલ બદલી નાખી છે. દિલ્હી સરકારનો 'મોહલ્લા ક્લિનિક’ કાર્યક્રમ એટલો સફળ નીવડ્યો છે કે માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ લોકો તેની સફળતા જોવા માટે આવે છે.”

ગુજરાતમાં ભાજપના શાસનકાળની ટીકા કરતાં તેમણે આગળ કહ્યું હતું કે, “ગુજરાતમાં 25 વર્ષના ભાજપના શાસન છતાં સામાન્ય માણસ માટે રાજ્યમાં સારી સરકારી સ્વાસ્થ્ય સવલતોનો અભાવ છે.”

તેમણે ભાજપના શાસનમાં ગુજરાતની શિક્ષણપ્રણાલી પણ ખાડે ગઈ હોવાની વાત કહી છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં ખાનગી સ્કૂલો કરતાં પણ સારી પ્રાથમિક શિક્ષણ પ્રણાલી સરકારી શાળાઓમાં જોવા મળે છે.https://www.youtube.com/watch?v=QUlqi_RDawQ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Munawwar Farooqi was released late last night following a phone call from a Supreme Court judge
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X