
ગઢચિરોલી એન્કાઉન્ટરમાં નક્સલી કમાન્ડર તેલતુમ્બડે માર્યો ગયો, 50 લાખનું ઈનામ હતું!
ગઢચિરોલી : મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં શનિવારે પોલીસ સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 26 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના હતા. જો કે માર્યા ગયેલા તમામ લોકોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ આ વચ્ચે નક્સલવાદીઓના ટોચના કમાન્ડર મિલિંદ તેલતુમ્બડેના મૃત્યુના સમાચાર છે. તેલતુમ્બડે પર 50 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. મિલિંદ તેલતુમ્બડેની સાથે તેની પત્ની પણ એન્કાઉન્ટરમાં માર્યી ગઈ હોવાના અહેવાલ છે. આ એન્કાઉન્ટરમાં ત્રણ જવાન પણ ઘાયલ થયા છે.
માર્યા ગયેલા 26 નક્સલવાદીઓમાંથી 20 પુરુષ નક્સલવાદી અને 6 મહિલાઓ હોવાનું કહેવાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નક્સલીઓ પાસેથી AK-47, INSAS રાઈફલ અને SLR સહિત 29 હથિયારો મળી આવ્યા છે.
મિલિંદ તેલતુમ્બડે MMC (મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ) નો વડો હતો. તે દીપક તેલતુમ્બડે અથવા જીવા તરીકે પણ જાણીતો હતો. તે સીપીઆઈ (માઓ)ની સેન્ટ્રલ કમિટીનો સભ્ય પણ હતો. તે સશસ્ત્ર અંગરક્ષકો અને માઓવાદીઓની પ્લાટૂન સાથે ફરતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, તેલતુમ્બડેએ તાજેતરમાં 100 નક્સલવાદીઓની ભરતી કરી હતી અને તે તેને બસ્તરથી મધ્યપ્રદેશના બાલાઘાટ લઈ જવાની યોજના બનાવી રહ્યો હતો. રાશનની ટ્રકમાં લગાવેલા જીપીએસ ટ્રેકરની મદદથી તેની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી હતી, જ્યારે તેણે રાશન ખરીદ્યું ત્યારે સુરક્ષા દળોને ખબર પડી.
મિલિંદ તેલતુમ્બડે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણા પ્રદેશોના નક્સલવાદીઓની કોર કમિટીનો સભ્ય હતો અને એલ્ગાર પરિષદ હિંસા કેસમાં પણ આરોપી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના વાની તાલુકાના નાના ગામનો વતની મિલિંદ ભણેલો હતો. તેના પર એલ્ગાર પરિષદ હિંસામાં પડદા પાછળ આયોજન અને સહયોગ કરવાનો આરોપ છે. મિલિંદ તેલતુમ્બડે આનંદ તેલતુમ્બડેનો ભાઈ છે, જે ગોવાની એક કોલેજમાં પ્રોફેસર છે અને એલ્ગાર પરિષદ હિંસા કેસમાં ધરપકડ કરવામાં આવી છે.