For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેપાળ-ભારત સરહદ : બેઉ દેશો વચ્ચે સરહદી બંધોના સમારકામનો વિવાદ કેમ થયો છે?

નેપાળ-ભારત સરહદ : બેઉ દેશો વચ્ચે સરહદી બંધોના સમારકામનો વિવાદ કેમ થયો છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

22 જૂને જ્યારે બિહારના જળસંસાધનમંત્રી સંજયકુમાર ઝાએ પોતાના ટ્વિટર હૅન્ડલ પર આ જાણકારી આપી કે નેપાળ ગંડક, લલબેકિયા, કમલા નદીના તટબંધો પર સમારકામ કરવા દેતું નથી ત્યારે તેને નેપાળ અને ભારતના સંબંધોમાં તણાવની સાથેસાથે બિહારમાં પૂરના ખતરાના સંદર્ભમાં પણ જોવામાં આવ્યું.

સંજય ઝાએ ટ્વીટ કર્યું હતું, "ગંડક, લલબેકિયા, કમલા વગેરે નદીના અપસ્ટ્રીમ નેપાળ ભાગમાં વર્ષોથી પૂરની સુરક્ષા માટે સુરક્ષાત્મક કાર્ય કરવામાં આવે છે. પણ આ વર્ષે નેપાળ દ્વારા વિરોધને કારણે સુરક્ષાત્મક કાર્યની ગતિમાં અવરોધ પેદા થયો છે. તેને લઈને વિદેશમંત્રી એસ. જયશંકર અને જળશક્તિમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતને પત્ર લખ્યો છે."

આ ટ્વીટ એવા સમયે આવ્યું છે જ્યારે 12 જૂને બિહારના સીતામઢી જિલ્લાના સોનબરસા ક્ષેત્રમાં ભારત-નેપાળ સીમા પર સ્થાનિક મુદ્દાને લઈને ગોળી ચલી હતી, જેમાં એક સ્થાનિક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.


નેપાળે બિહાર સરકારનો દાવો ફગાવ્યો

જોકે બિહાર સરકાર તરફથી અપાઈ રહેલી આ જાણકારીઓને નેપાળે ફગાવી દીધી છે.

નેપાળના જળસંસાધન અને સિંચાઈ વિભાગના મહાનિદેશક મધુકર પ્રસાદ રાજભંડારીએ નેપાળના સ્વતંત્ર સ્થાનિક પત્રકાર સુરેન્દ્ર ફુયાલ સાથેની વાતચીતમાં બિહાર સરકારનો દાવો ફગાવતાં કહ્યું કે બિહારે જ ગંડક બરાજ પર કામ કરનારા લોકોની સૂચિ મોડેથી મોકલી હતી.

પત્રકાર સુરેન્દ્ર ફુયાલે બીબીસી હિન્દીને જણાવ્યું, "ડીજી મધુકર પ્રસાદે જણાવ્યું છે કે નેપાળી અધિકારી, ભારતીય અધિકારીઓના સંપર્કમાં છે અને કોરોનાના આ મુશ્કેલ સમયમાં ઈંડો-નેપાળ બૉર્ડર પર અમે મૂવમેન્ટને સુચારુ કરવામાં લાગ્યા છીએ. ગંડક બરાજ પર બિહાર સરકારે પોતાના વર્કરો અને સાધનોની સૂચિ મોકલવામાં મોડું કર્યું, હવે તેઓએ અમને સૂચિ મોકલી આપી છે, તો કામ સારી રીતે થઈ શકશે."

બીબીસીએ જ્યારે આ બાબતે સંજય ઝા સાથે વાત કરી તો તેઓએ કહ્યું, "બિહાર સરકારે તટબંધની સ્થિતિ અંગે જાણકારી આપી હતી અને પોતાના નાગરિક અંગે ચિંતા વ્યક્ત કરી હતી, અમારો હેતુ કોઈ પણ વિવાદ પેદા કરવાનો નહોતો."

તેઓ આગળ કહ્યું, "વિવાદની તો વાત હું કરતો નથી. ગંડક બરાજની દેખરેખ બંને તરફના લોકો રાખે છે. હવે ત્યાં અવરજવરમાં મુશ્કેલી થશે તો કામ કેવી રીતે થશે. અમે ત્યાં નવો બંધ બાંધવા નહોતા ગયા, એ જ કરવા ગયા હતા જે વર્ષોથી કરતાં આવ્યા છીએ. અમને ત્યાં કામ કરવામાં સમસ્યા થતી હતી એટલે અમે તેને જાહેર કરી."

તો નેપાળના સિંચાઈ વિભાગના ડીજી મધુકર પ્રસાદે સુરેન્દ્ર ફુયાલ સાથેની વાતચીતમાં કહ્યું, "અમારા તરફથી કોઈ પરેશાની નથી. ગંડક બાદ નેપાળ હવે લલબેકિયા, કમલા અને અન્ય નદીઓ, જ્યાં પૂર સાથે સંકળાયેલી સમસ્યા બંને દેશ વેઠી રહ્યા છે, ત્યાં પણ નેપાળી અધિકારી, ભારતીય અધિકારીઓ સાથે સમન્વય સાધી રહ્યા છે."


ગંડક પર કામ શરૂ

જોકે બાદમાં નેપાળે 23 જૂને જ ગંડક બરાજ પર નેપાળ તરફથી કામ કરવાની સહમતી આપી દીધી છે.

સંજયકુમાર ઝાએ જણાવ્યું, "ગંડક પર કામ શરૂ થઈ ગયું છે. લલબેકિયા અને કમલા નદી પર અમે ફ્લડ ફાઇટિંગનો સામાન જમા કરી લીધો છે. ત્યાં અમારા એન્જિનિયરોનું માનવું છે કે ભારતીય ભાગ તરફ તટબંધોની મજબૂતીને કારણે પૂરનો ખતરો ઓછો છે. જોકે પૂરનો એ બાબત પર આધાર છે કે નેપાળના કૈટમેન્ટ એરિયામાં કેટલો વરસાદ થાય છે."

તેઓએ એમ પણ કહ્યું, "પરંતુ અમે ઇચ્છીએ છીએ કે નેપાળ સાથે બધા વિવાદનો ઉકેલ આવે, જેથી ભવિષ્યમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે."

બગડા એસડીએસ વિશાલ રાજે બીબીસી હિન્દીને જણાવ્યું, "નેપાળે માત્ર એ શરત રાખી છે કે જે પણ ભારતીય નેપાળી વિસ્તારમાં જાય, તેમની કોરોના તપાસ પહેલાં કરાય."


ગંડકનો તટબંધ

ગંડક બરાજના 18 ગેટ બિહારમાં અને 18 ગેટ નેપાળમાં છે. વાલ્મીકિનગર ફાટક (પશ્ચિમ ચંપારણ)માં કામ રોકવામાં આવ્યું હતું.

સ્થાનિક પત્રકાર મૃદુલ મયંક જણાવે છે, "નેપાળના ભાગમાં રાઇટ ઑફ્લૉક્સ (જમણો તટબંધ) પર કામ થવાનું હતું. લૉકડાઉન બાદ કામ રોકાયું હતું, જે હવે ચાલુ થઈ ગયું છે. આ સ્થળની જો દેખરેખ નહીં રાખવામાં આવે તો વધુ અસર નેપાળને જ થશે."

એ જ રીતે પૂર્વ ચંપારણમાં લલબેકિયા નદીના બલુઆ ગુઆબાડી તટબંધ પર 3600 મીટર કામ થવાનું હતું.

સ્થાનિક પત્રકાર રાજેશ કુમાર જણાવે છે, "તટબંધ પર 3100 કિલોમીટરનું કામ થઈ ગયું છે. 500 મીટરનું કામ થઈ શક્યું નથી. નેપાળે 25 મેના રોજ વિરોધ નોંધાવ્યો હતો કે નો મૈન્સ લૅન્ડ પર જિયો બેગ (રેતી ભરેલી થેલી) ના રાખવામાં આવે. બાદમાં તેને લઈને જિલાધિકારી શીર્ષત કપિલે જીએસઆઈ (જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા)ને પત્ર લખીને માપણીની માગ કરી છે. આ તટબંધ પર જો પાણીનું સ્તર વધવાથી દબાણ વધે તો જિલ્લાના ઢાકા, પતાહી, ચિરૈયા બ્લૉક સૌથી વધુ પ્રભાવિત થશે."

ત્રીજો તટબંધ, જેને લઈને વિરોધ છે એ કમલા નદીનો છે.

https://www.youtube.com/watch?v=9HkNCTySyEc

જયનગર (મધુબની)ના સ્થાનિક પત્રકાર દુર્ગેશે જણાવ્યું, "1960માં કમલા રિંગ બંધ બન્યો હતો. ગત વર્ષે પૂર આવ્યું ત્યારે પૂર્વી રિંગ બંધ, પશ્ચિમી રિંગ બંધ તૂટી ગયો હતો. આ વખતે જળસંસાધન વિભાગે ચાર જગ્યાએ પૂર્વી રિંગ બંધ તૂટ્યો હતો, તેના સમારકામની પ્રક્રિયા હાથ ધરી તો નેપાળે કોઈ વિરોધ કર્યો નથી. પણ પશ્ચિમી રિંગ બંધમાં ઇનરવા બજાર પાસે અકોનહા ગામમાં જ્યાં બંધ પૂરો થાય છે, ત્યાં નેપાળ સરકાર નો મૈન્સ લૅન્ડને છોડીને બંધ બાંધવાનું કહી રહી છે. જો હવે પાણીનું સ્તર વધશે તો ગત વર્ષની તુલનામાં જનજીવનને વધુ નુકસાન થશે."

તેઓએ જણાવ્યું, "ભારત-નેપાળ રેલમૈત્રી યોજના જે 800 કરોડ રૂપિયાના બજેટની છે, તેના રેલવે ટ્રૅકને પણ નુકસાન થશે."

તો જયનગરના એસડીઓ શંકર સરન ઓમીએ કહ્યું, "સર્વે ઑફ ઇન્ડિયા તરફથી માપણી થઈ છે, જે બાદ અમે અમારી જમીન પર કામ કરી રહ્યા છીએ. અહીં સ્થિતિ બિલકુલ સારી છે. બાકી નો મૈન્સ લૅન્ડમાં બાંધકામ થતું નથી."


ભારતે પ્રયત્નો કરવા જોઈએ

બીપી કોઈરાલા સેન્ટર ફૉર નેપાળ સ્ટડીઝના નિદેશક પ્રોફેસર નવલકિશોર ચૌધરી કહે છે, "બંને દેશો વચ્ચે નકશાને લઈને વિવાદ ચાલી રહ્યો છે, તેને રાજદ્વારી રીતે ઉકેલવો જોઈએ. બાકી તટબંધનું કામ તો બંને દેશના નાગરિકોનાં જીવન અને મૃત્યુનો સવાલ છે. તેને કોઈ પણ દેશમાં રોકવું ન જોઈએ. ભારતે પહેલ કરીને નેપાળને વિશ્વાસમાં લઈને વાતચીત કરવી જોઈએ, કેમ કે આપણા સંબંધો માત્ર સરકાર-સરકાર વચ્ચેના નથી, પણ આપણા સંબંધો તો રોટી-બેટી અને ક્રાંતિના છે."

તો વરિષ્ઠ પત્રકાર મણિકાંત ઠાકુરની ચિંતાઓ પણ નવલકિશોર ચૌધરી જેવી છે.

તેઓ કહે છે, "નેપાળ અને ભારતના સંબંધોમાં કડવાશ આવી છે. નેપાળ પોતાનું હિત અન્યત્ર જોઈ રહ્યું છે. તેને આપણી વિદેશનીતિની ચૂક અને ભારતની ઉદાસીનતા કહી શકાય કે આપણે આપણા એક સારા મિત્રને અમિત્ર થવાનો મોકો આપ્યો. ભારત-નેપાળ વચ્ચે જે રોટી-બેટીનો સંબંધ હતો તેમાં ખટાશ આવવાથી સ્થાનિક લોકોનાં જીવન પર અસર પડશે. આ પણ આપણા સંબંધોમાં નાનો ઘાવ છે. આપણે તેને જલદી ઠીક કરવો જોઈએ, નહીં તો ભવિષ્યમાં વધુ તકલીકદાયક હશે."


પૂર લાવે છે નેપાળની નદીઓ

https://www.youtube.com/watch?v=gx2VByP-Vk0&t=8s

આખા ઉત્તર બિહારમાં અરરિયા, ગોપાલગંજ, કટિહાર, પૂર્ણિયા, સહરસા, સીતામઢી સમેત 21 જિલ્લા આવે છે, જેનું ક્ષેત્રફળ 52928 વર્ગ કિલોમીટર છે.

જળસંસાધનની વેબસાઇટ અનુસાર, બિહાર ભારતનું સૌથી વધુ પૂરગ્રસ્ત રાજ્ય છે અને અહીં દેશનો 17.2 ટકા પૂર પ્રભાવિત વિસ્તાર છે.

બિહારના 38માંથી 28 જિલ્લા પૂરગ્રસ્ત છે. ઉત્તર બિહારની મોટા ભાગની નદીઓ, જેમ કે કોસી, ગંડક, બાગમતી, કમલા, બુઢી ગંડક વગેરેનું ઉદગમસ્થાન નેપાળ છે. અને દર વર્ષ આ બિહારમાં પૂરનું કારણ બને છે.

લલબેકિયા, બાગમતી, કમલા અને ખંડો નદીઓ પર નેપાળી ક્ષેત્રમાં તટબંધનો વિસ્તાર ભારત અને નેપાળના વિશેષજ્ઞોની સંયુક્ત ટીમ દ્વારા તૈયાર કરવામાં આવે છે.

કોસીને લઈને 1954 અને 1966માં ભારત-નેપાળ કરાર થયા હતા. તો ગંડકને લઈને 1959 અને 1964માં કરાર થયા હતા. બિહાર અને નેપાળ વચ્ચે 700 કિલોમીટરની સરહદ છે.

બિહારના જળસંસાધનમંત્રી સંજયકુમાર ઝા કહે છે, "પૂરથી લડવાની અમારી પૂરી તૈયારી છે. દર વર્ષે 15 જાન્યુઆરીથી 15 મેની વચ્ચે એન્ટી ઇરોઝનનું કામ થાય છે. આ વખતે લૉકડાઉન, મજૂરો અને મટીરિયલની કમીને કારણે અમારી પાસે સમય ઓછો હતો, પરંતુ અમે લગભગ બધું કામ પૂરું કરી લીધું છે."


નેપાળ-ભારત વિવાદ

છેલ્લા કેટલાક સમયથી ભારત અને નેપાળમાં લિમ્પિયાધુરા, કાલાપાની અને લિપુલેખ મામલે વિવાદ ચાલી રહ્યો છે. ગત દિવસોમાં નેપાળની સંસદે નવો નકશો જાહેર કરીને તેને નેપાળનો હિસ્સા ગણાવ્યાં હતાં. જ્યારે ભારત તેને પોતાના હિસ્સે માને છે.

ભારતનું કહેવું છે કે આ ઐતિહાસિક તથ્યો અને પુરાવાઓ પર આધારિત નથી અને ના તો તેનો કોઈ મતલબ છે.

નેપાળની કૅબિનેટે દાવાને યોગ્ય ઠેરવતા કહ્યું કે મહાકાળી (શારદા) નદીનો સ્રોત હકીકતમાં લિમ્પિયાધુરા જ છે, જે હાલમાં ભારતના ઉત્તરાખંડનો હિસ્સો છે.

ભારત તેનો ઇન્કાર કરી રહ્યું છે. આ પહેલાં ભારત તરફથી લિપુલેખ વિસ્તારમાં સીમાસડકનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

લિપુલેખ થઈને તિબેટ-ચીનના માનસરોવર જવાનો રસ્તો છે. આ રોડ બનાવ્યા બાદ નેપાળે કડક શબ્દોમાં ભારતના પગલાનો વિરોધ કર્યો હતો.

ભારતના પગલાનો વિરોધ કાઠમાંડુમાં નેપાળની સંસદથી લઈને કાઠમાંડુના રસ્તાઓ સુધી જોવા મળ્યો હતો.

હકીકતમાં છ મહિના પહેલાં ભારતે પોતાના નવો રાજનીતિક નકશો જાહેર કર્યો હતો, જેમાં જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશો- જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના રૂપમાં દર્શાવવામાં આવ્યા હતા.

આ મેપમાં લિમ્પિયાધુરા, કાલાપાની અને લિપુલેખને ભારતનો હિસ્સો દર્શાવાયાં હતાં. નેપાળ આ વિસ્તારો પર લાંબા સમયથી પોતાનો દાવો કરી રહ્યું છે.

નેપાળ

આ અગાઉ નેપાળ કહ્યું હતું કે ભારત જે રોડનું નિર્માણ 'તેમની જમીન' પર કર્યું છે, એ જમીન ભારતને લીઝ પર તો આપી શકાય, પરંતુ તેના પર દાવો છોડી શકાતો નથી.

દરમિયાન વધુ એક નિર્ણયમાં નેપાળી સંસદની પ્રતિનિધિ સભાની રાજ્ય વ્યવસ્થા સમિતિએ નાગરિતા કાયદામાં સંશોધનને સત્તારૂઢ કૉમ્યુનિસ્ટી પાર્ટીના પ્રસ્તાવને બહુમતીથી પાસ કરી દીધો છે.

નવા પ્રસ્તાવ પ્રમાણે, નેપાળી પુરુષો સાથે લગ્ન કરનારાં વિદેશી મહિલાઓને લગ્ન બાદ નેપાળની નાગરિકતા મેળવવા માટે સાત વર્ષ સુધી લાંબી રાહ જોવી પડશે.

સમિતિના મોટા ભાગના સભ્યોએ આ પ્રસ્તાવને સહમતી આપી દીધી છે, પરંતુ દેશના મુખ્ય વિપક્ષ નેપાળી કૉંગ્રેસ અને કેટલીક અન્ય પાર્ટીઓએ આ વિવાદિત સંશોધન પ્રસ્તાવનો વિરોધ કર્યો છે.

આ નિર્ણયને ભારત-નેપાળના સંબંધોને સાંકળીને પણ જોવામાં આવે છે.

જોકે આ પ્રસ્તાવ છેલ્લાં બે વર્ષથી વિચારાધીન છે, પણ તેને એકાએક કાયદો બનાવવા પ્રયાસો તેજ થયા છે.

આ પ્રસ્તાવ કાયદો બનશે પછી ભારત સહિત અન્ય દેશોનાં મહિલાઓ પર પણ લાગુ થશે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=HKlkFUWq_yY

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Nepal-India border: Why is there a dispute between the two countries over the repair of border dams?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X