હવે નરેન્દ્ર મોદી પઠાણી કુર્તામાં જોવા મળે તો નવાઇ ના પામતા
અમદાવાદ, 15 ઓક્ટોબર : સામાન્ય રીતે આપે લોકસભા ચૂંટણી 2014 માટે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને તેમની સિગ્નેચર સ્ટાઇલના અડધી બાંયના ખાદીના ઝભ્ભા અને ચૂડીદાર પાયજામામાં જ જોયા હશે. જો કે હવે ટૂંક સમયમાં તેઓ જાહેર કાર્યક્રમોમાં પઠાણી કુર્તામાં નજરે ચઢે તો નવાઇ પામશો નહીં. આગામી લોકસભા ચૂંટણી 2014માં પોતાની હિન્દુ કટ્ટરવાદી નેતાની છબીમાંથી મુક્ત થવા માટે તેઓ પોતાનો લૂક અને પરિધાન બદલવાની તૈયારી કરી રહ્યા છે.
આ અંગે અંગ્રેજી સમાચાર પત્ર ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલમાં અખબારે છેલ્લા 25 વર્ષથી નરેન્દ્ર મોદીના સ્ટાઇલિસ્ટ રહેલા વિપિન ચૌહાણને જણાવ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વોર્ડરોબમાં હવે પઠાણી કુર્તાઓ પણ સામેલ થવા જઇ રહ્યા છે. વિપિનભાઇનું કહેવું છે કે નરેન્દ્ર મોદીએ મને એક પઠાણી કુર્તો બતાવ્યો હતો જે મેં તેમના માટે 1994માં તૈયાર કર્યો હતો. મોદીએ જણાવ્યું છે કે તેમને આવો જ કુર્તો જોઇએ છે. આ માટે અલગ અલગ ફેબ્રિકનો ઉપયોગ કરીને પઠાણી કુર્તા તૈયાર કરવાનું કામ થઇ રહ્યું છે. નરેન્દ્ર મોદી મોટા ભાગે સાંજના કાર્યક્રમોમાં આ કુર્તા પહેરી શકે એમ છે.

અસલ પઠાણી કુર્તા લાંબી બાંય અને કોલરવાળા હોય છે. આ કુર્તા ઉત્તરભારતના મુસ્લિમોમાં ભારે લોકપ્રિય પોષાક છે. વિપિનનું કહેવું છે કે મોદી પોતાના કપડાંના ફિટિંગ પર ખૂબ ધ્યાન આપે છે. એક વાર તેમણે મોદીને કહેતા સાંભળ્યા હતા કે તેઓ પોતાની આંખો, કપડાં અને અવાજ સાથે ક્યારેય સમાધાન કરતા નથી.
વિપિનભાઇનું કહેવું છે કે મોદી બંધ ગળાના નહેરૂ જેકેટ જેવા પરિધાનોથી દૂર રહે છે. જો કે આ વખતે દિલ્હીની ઠંડીની અસર તેમના કુર્તાઓ પર જોવા મળે તે પણ શક્ય છે. વિપિનભાઇએ 2010માં મોદી કુર્તાને બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ કરાવ્યા હતા.












Click it and Unblock the Notifications
