સોનિયા અને રાહુલની જવાબદારી પોતાના ખભા પર લેશે પ્રિયંકા!
નવી દિલ્હી, 11 ઑગસ્ટઃ લોકસભા ચૂંટણીનો સમય જેમ-જેમ નજીક આવી રહ્યો છે, તેમ-તેમ રાજકીય દળોમાં પોત-પોતાના વિસ્તારોમાં રાજકીય પાયા મજબૂત કરવાની મથામણ વધી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પુત્રી અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા વાઢેરાએ માતા અને ભાઇની સંસદીય બેઠકોની કમાન પોતાના હાથોમાં લેવાના સંકેત આપ્યા છે, જેથી બન્ને સામાન્ય ચૂંટણી દરમિયાન સ્વતંત્ર થઇને દેશના અન્ય ભાગોનો પ્રવાસ કરી શકે.
સોનિયાની સંસદીય બેઠક રાયબરેલી અને રાહુલની લોકસભાની બેઠક અમેઠીમાં સાંગઠનિક ઢાંચાને દુરસ્ત કરવા માટે પ્રિયંકા વાઢેરાએ આ બન્ને ક્ષેત્રોમાં પોતાની સક્રિયતા વધારી દીધી છે. રાહુલ અને પ્રિયંકા અત્યારસુધી પોતાની માતા સોનિયાની જ બેઠક પર હોમવર્ક કરતી રહી છે, પરંતુ હવે બન્ને સંસદીય બેઠકોની કમાન સીધી જ તેના હાથ પર હશે. પાર્ટીના રણનીતિકારોને પણ લાગી રહ્યું છે કે તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીમાં જે રીતે પાર્ટીને રાયબરેલી અને અમેઠીમાં જે સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ પ્રિયંકાએ આ બન્ને બેઠકોની કમાન પોતાના હાથમાં લઇ લેવાનો વિચાર કરી લીધો છે.
રાયબરેલી અને અમેઠી સાથે જોડાયેલા એક સ્થાનિક વરિષ્ઠ પત્રકાર રમેશ ગૌતમે જણાવ્યું કે, વર્ષ 2009માં થયેલી લોકસભાની ચૂંટણી અને અત્યારની પરિસ્થિતિમાં ઘણો અંતર જોવા મળી રહ્યો છે. ત્યારે રાયબરેલી અને અમેઠીની 10 વિધાનસભા બેઠકોમાંથી 6 કોંગ્રેસ પાસે હતી, પરંતુ આ વખતે ઘટીને બે સુધી પહોંચી ગઇ છે. ગાંધી પરિવાર માટે તે ખતરા સમાન છે. તેમણે કહ્યું કે વિધાનસભા ચૂંટણીની બન્ને બેઠકો પર પાર્ટીને નુક્સાન સહેવું પડ્યું છે. તેનાથી નારાજ થઇને પ્રિયંકાએ બન્ને બેઠકોની કમાન પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું છે.બીજી રસપ્રદ વાત એ છે કે, કોંગ્રેસના ઉત્તર પ્રદેશ મામલાના પ્રભારી મધુસૂદન મિસ્ત્રી અને પ્રદેશ અધ્યક્ષ નિર્મલ ખત્રી પહેલા જ એ ઘોષણા કરી ચુક્યા છે કે કોંગ્રેસ ઇટાવા અને મૈનપુરીમાં પણ પોતાના પ્રત્યાશી ઉતારશે, જ્યારે સપા પ્રમુખે રાયબરેલી અને અમેઠીમાં સપાની ઉમેદવારીને લઇને પત્તા ખોલ્યા નથી. તેથી જો આ બન્ને બેઠકો પર સપાએ પોતાના ઉમેદવારો ઉભા કર્યા, તો બન્ને બેઠકો પર મુકાબલો ઘણો રોચક રહેશે.
રાયબરેલી અને અમેઠીમાં પ્રિયંકાની ભૂમિકા અંગે પૂછવામાં આવતા કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જીશાન હૈદરે જણાવ્યું કે રાયબરેલી અને અમેઠી ગાંધી પરિવારની પરંપરાગત બેઠક રહી છે અને એ નિર્ણય પણ એ જ પરિવારે કરવાનો છે કે ત્યાં કોની કેટલી ભૂમિકા રહેશે. હૈદરે કહ્યું કે, એટલું જરૂરી છે કે પ્રિયંકા ગાંધી અત્યારસુધી સૌથી વધુ સમય રાયબરેલીને આપતા આવ્યા છે, પરંતુ આ વખતે ફોકસ બન્ને બેઠકો પર રહેશે અને તેમના જ માર્ગદર્શન હેઠળ પહેલા ચૂંટણી લડાતી હતી અને હવે પણ લડાશે.