Rail Budget 2025 : બજેટમાં રેલ્વેને શું મળ્યુ? વિગતે જાણો મહત્વની જાહેરાતો
Rail Budget 2025 : નાણામંત્રી નિર્મલ સીતારમણે દેશનું વર્ષ 205-26 માટેનું બજેટ દેશની સંસદમાં રજુ કર્યુ. આ બજેટમાં રેલવેને 2.55 લાખ કરોડ રૂપિયા ફળવાયા છે.
આ વર્ષે રેલવેના બજેટમાં ગયા વર્ષની સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે સરકારે અન્ય ઘણી જાહેરાતો રેલવે માટે કરી છે.

આ વર્ષે રેલવેમાં વંદે ભારત સ્લીપર, વંદે મેટ્રો અને બુલેટ ટ્રેન જેવી ટ્રેનોનો સમાવેશ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સરકારે 21,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ ઉપરાંત લાંબા અંતરના મુસાફરો માટે વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે.
સરકારે રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ માટે મોટું બજેટ ફાળવ્યુ છે. સમગ્ર દેશમાં ટ્રેક વિસ્તરણ, નવા પુલ, પ્લેટફોર્મ અને નવી ટેકનોલોજીના ઉપયોગ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં હાલમાં બનેલા રેલ્વે લિંકનો પણ આ બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનાથી ઉત્તર ભારતના લોકોને ઘણી સુવિધા મળશે.
આ વખતે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર (MAHSR) માટે વધારાનું ભંડોળ આપવામાં આવ્યું છે, જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તરીકે જાણીતો છે. સરકાર ઈચ્છે છે કે આ પ્રોજેક્ટ શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ થાયસ જેથી ભારતમાં હાઈ-સ્પીડ ટ્રેનોનું સ્વપ્ન સાકાર થઈ શકે.
છેલ્લા 10 વર્ષોમાં ભારતીય રેલ્વેએ 41,655 કિલોમીટરના ટ્રેકનું વીજળીકરણ કર્યું છે. આનાથી ટ્રેનોની ગતિ અને સલામતી બંનેમાં સુધારો થશે. ભારતીય રેલ્વેએ આ વર્ષે 1,588 મિલિયન ટન માલનું પરિવહન કર્યું, જે એક રેકોર્ડ છે.
રેલ અકસ્માતોને રોકવા કવચ નામની ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સિસ્ટમ આપમેળે ટ્રેનને રોકવામાં મદદ કરશે, જેનાથી અકસ્માતોમાં ઘટાડો થશે. સરકારે આ પ્રોજેક્ટ માટે 1,112.57 કરોડ ફાળવ્યા છે.
સરકારને 2025-26માં રેલવેથી 3.02 લાખ કરોડ રૂપિયાની કમાણી થવાની અપેક્ષા છે. જેમાં માલ પરિવહનથી 1.88 લાખ કરોડ રૂપિયા અને પેસેન્જર ભાડામાંથી 92,800 કરોડ રૂપિયાની આવક થશે. વંદે ભારત ટ્રેનોની સંખ્યામાં વધારો થવાની સાથે મુસાફરોની સંખ્યામાં પણ વધારો થવાની સંભાવના છે.
બજેટ 2025માં ભારતીય રેલ્વેને ટેકનિકલ સુધારાઓ, નવી ટ્રેનો અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જંગી ભંડોળ મળ્યું છે. જો કે, આ વખતે રેલવેના મૂડી ખર્ચમાં થોડો ઘટાડો થયો છે, જેના કારણે રેલવે કંપનીઓના શેર તૂટ્યા છે. પરંતુ સરકારનું ધ્યાન રેલ્વેના આધુનિકીકરણ અને સલામતી પર છે, જે મુસાફરોને વધુ સારી સુવિધા પૂરી પાડશે.












Click it and Unblock the Notifications
