• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

#RepublicDay2018: વીરતા પુરસ્કાર મેળવનાર 18 બહાદુર બાળકોની વાર્તા

By Shachi
|

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશના 18 બહાદુર બાળકોને રાષ્ટ્રીય વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશના 18 બહાદુર બાળકોને રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર આપ્યો હતો. આ 18 બાળકોમાં 11 છોકરાઓ અને 7 છોકરીઓ છે. ત્રણ બાળકોને મરણોપરાંત આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. પીએમ મોદીએ બાળકોની બહાદુરીના ખૂબ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, આ બાળકોની બહાદુરીથી અન્ય બાળકોમાં સાહસ અને આત્મવિશ્વાસની ભાવના જાગશે. આ તમામ બાળકો 26 જાન્યુઆરીના રોજ રાજપથ પર થનાર પરેડનો પણ ભાગ બનશે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે પણ રાષ્ટ્રપતિ ભવન ખાતે આ બાળકો સાથે મુલાકાત કરી હતી.
રાષ્ટ્રીય વીરતા પુરસ્કારો પાંચ શ્રેણીમાં આપવામાં આવે છે.
1. ભારત પુરસ્કાર
2. ગીતા ચોપડા પુરસ્કાર
3. સંજય ચોપડા પુરસ્કાર
4. બાપુ ગૈધાની પુરસ્કાર
5. સામાન્ય રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર

નાઝિયા: જુગારનો કર્યો વિરોધ

નાઝિયા: જુગારનો કર્યો વિરોધ

ઉત્તર પ્રદેશના આગ્રાની રહેવાસી 16 વર્ષની નાઝિયાને રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર સાથે સન્માનિત કરવામાં આવી. નાઝિયાએ જુગાર અને સટ્ટા ગેરકાયદેસર વ્યવસાય સામે અવાજ ઉઠાવ્યો હતો, જેને માટે તેને આ સન્માન મળ્યું છે. નાઝિયા આગ્રાના મંટોલામાં રહે છે અને તેણે પોતના પાડોશમાં કેટલાય દશકોથી ચાલતા જુગાર અને સટ્ટાના ગેરકાયદેસર વ્યવસાય સામે અવાજ મજબૂત કર્યો. આ માટે તેને ધમકીઓ પણ મળી, આમ છતાં તેણે ડર્યા વિના પુરાવા એકઠા કર્યા અને 13 જુલાઇ, 2016ના રોજ પોલીસ સામે આખો મામલો ખુલ્લો કર્યો. નાઝિયાની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરતા 4 લોકોની ધરપકડ થઇ અને સટ્ટાનો ગેરકાયદેસર વ્યવસાય બંધ થયો. જો કે, આ ઘટનાક્રમ બાદ નાઝિયાનું ઘરેથી નીકળવું અઘરું થઇ પડ્યું, તેણે આની જાણકારી અધિકારીઓને આપી. આમ છતાં હેરાનગતિ ચાલુ રહી ત્યારે તેણે મુખ્યમંત્રીની મદદ માંગી. જે પછી એ બદમાશો વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઇ અને નાઝિયાની સુરક્ષા પણ સુનિશ્ચિત થઇ. નાઝિયાએ અદ્વિતિય પરાક્રમ બતાવતા બીજા માટે અવાજ ઉઠાવ્યો અને નિર્ભય થઇ સામે આવતી પરિસ્થિતિનો સામનો કર્યો.

કરનબીર સિંહ: નાળામાં સ્કૂલ બસ પડતા 15 બાળકોને બચાવ્યા

કરનબીર સિંહ: નાળામાં સ્કૂલ બસ પડતા 15 બાળકોને બચાવ્યા

પંજાબના કરનપીર સિંહે સ્કૂલ બસ નાળામાં પડ્યા બાદ પોતાનો જીવ જોખમમાં મુકી લગભગ 15 બાળકોને ઉગાર્યા હતા, જે માટે તેમને સંજય ચોપરા પુસ્કારની નવાજવામાં આવ્યા. કરનબીર સિંહની ઉંમર 16 વર્ષ હતી જ્યારે તેણે આ બહાદુરીભર્યું કામ કરી બતાવ્યું હતું. 20 સપ્ટેમ્બર, 2016ના રોજ કેટલાક બાળકો શાળાની બસમાં પરત ફરી રહ્યા હતા. અટારી ગામ પાસે એક પુલ પરથી પસાર થતી વખતે બસ દિવાલ સાથે અથડાઇને નાળામાં પડી ગઇ. બસમાં પાણી ભરાઇ ગયું અને બાળકોને ગુંગળામણ થવા માંડી. આ જ સમયે કરનબીર સિંહે બહાદુરીપૂર્વક બસનો દરવાજો તોડી બાળકોને બહાર કાઢવાનું શરૂ કર્યું. તેણે 15 બાળકોનો જીવ બચાવ્યો. જો કે, આ ઘટનામાં 7 બાળકોને બચાવી ન શકાયા. કરનબીર પોતે પણ ઘાયલ થયો હતો, પરંતુ તેણે પોતાના અદમ્ય સાહસથી 15 નાના બાળકોનો જીવ બચાવ્યો.

બેટ્શ્વાજૉન પેનલાંગ: ઘરમાં આગ, 3 વર્ષના ભાઇને બચાવ્યો

બેટ્શ્વાજૉન પેનલાંગ: ઘરમાં આગ, 3 વર્ષના ભાઇને બચાવ્યો

મેઘાલયના 12 વર્ષ, 11 મહિનાના બેટ્શ્વાજૉન પેનલાંગને તેની બહાદુરી માટે બાપુ ગૈધાની એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. 23 ઓક્ટોબર, 2016ના રોજ બેટ્શ્વજૉન અને તેની ત્રણ વર્ષનો ભાઇ આરબિયસ ઘરમાં એકલા હતા ત્યારે તેમની ઝૂંપડીમાં આગ લાગી ગઇ. આગ લાગી તે સમયે બેટ્શ્વાજૉન ઘરની બહાર ઊભો હતો, જેવું તેણે જોયું કે ઝૂંપડીમાં આગ લાગી છે કે તે તરત પોતાના ભાઇને બચાવવા આગની જ્વાળાઓ વચ્ચે થઇને ઘરમાં પહોંચ્યો. જોખમ અને તેની પીડા સહન કરીને તે પોતાના 3 વર્ષના ભાઇને સુરક્ષિત ઘરની બહાર લઇ આવ્યો. આ સાહત કરતાં તે જમણા હાથે અને ચહેરા પર દાઝી ગયો હતો અને તેના હાથની આગંગળીઓ વિકૃત થઇ ગઇ હતી.

મમતા દલાઈ: 7 વર્ષની બાળકીને મગરથી બચાવી

મમતા દલાઈ: 7 વર્ષની બાળકીને મગરથી બચાવી

ઓરિસ્સાની 6 વર્ષ, 8 માસની મમતા દલાઈને પણ તેની બહાદુરી માટે બાપુ ગૈધાની અવોર્ડ આપવામાં આવ્યો હતો. ઓરિસ્સાના કેન્દ્રાપાડા જિલ્લાની 6 એપ્રિલ, 2017ની આ ઘટના છે. મમતા દલાઈ અને આસન્તી દલાઈ(7 વર્ષ) નજીકના તળાવમાં નહાવા ગયા હતા, એ તળાવમાં પાસેની નદીમાંથી એક મગર આવ્યો હતો, જેણે અચાનક આસન્તી પર હુમલો કર્યો. પાંચ ફૂટ લાંબા મગરે નાનકડી આસન્તીનો હાથ પોતા મોઢામાં પકડી લીધો હતો અને તેને તળાવમાં અંદર ખેંચતો હતો. આ દરમિયાન મમતાએ ડર્યા વિના આસન્તીનો હાથ મગરની પકડમાંથી છોડાવવાના પ્રયત્નો આદર્યા. ખૂબ જહેમત બાદ મમતાને સફળતા મળી અને તેણે આસન્તીને સલામત તળાવની બહાર કાઢી.

સેબાસટિયન વિનસેંટ: મિત્રને રેલગાડી નીચે આવતા બચાવ્યો

સેબાસટિયન વિનસેંટ: મિત્રને રેલગાડી નીચે આવતા બચાવ્યો

કેરળના 12 વર્ષ, 3 માસના સેબાસટિન વિનસેંટે પોતાની બહાદુરીનો પરચો આપતા મિત્રની જિંદગી બચાવી હતી, જે માટે તેને બાપુ ગૈધાની એવોર્ડ આપવામાં આવ્યો. 19 જુલાઇ, 2016ની સવારે સેબાસટિયન પોતાના મિત્ર સાથે સાયકલ પર શાળાએ જઇ રહ્યો હતો. તેઓ રેલવે ક્રોસિંગ પરથી પસાર થતા હતા ત્યારે તેના મિત્ર અભિજીતનું જૂતું રેલવે ટ્રેકમાં ફસાઇ ગયું, જેના કારણે તે સાયકલ અને સ્કૂલ બેગ સહિત રેલવે ટ્રેક પર જ પડી ગયો. આ દરમિયાન એક રેલગાડી ખૂબ ઝડપથી તેમની સામે આવતી હતી. સેબાસટિયન તુરંત પોતાના મિત્રને બચાવવા રેલવે ટ્રેક પર આવ્યો અને પૂરી તાકાતથી અભિજીતને ટ્રેક પરથી નીચે ધકેલ્યો અને રેલગાડી આવતા પહેલાં જ જાતે પણ ટ્રેક પરથી કૂદકો માર્યો. આ ઘટનામાં સેબાસટિયનના જમણા હાથનું એક હાડકું તૂટી ગયું, જો કે તે પોતાના મિત્રને બચાવવામાં સફળ થયો.

લક્ષ્મી દેવી: 3 અપરાધીઓને પકડવામાં કરી મદદ

લક્ષ્મી દેવી: 3 અપરાધીઓને પકડવામાં કરી મદદ

આ મામલો 2 ઓગસ્ટ, 2016ની રાતનો છે. રાયપુરની 15 વર્ષ, 11 માસની લક્ષ્મી યાદવ રાત્રે 8 વાગે તેના મિત્ર ગણેશ સાથે રસ્તા પર ઊભી-ઊભી વાતો કરી રહી હતી. એ જ સમયે એક અપરાધી પોતાના બે સાથીઓ સાથે ત્યાં પહોંચ્યો. અપરાધીઓએ લક્ષ્મી અને ગણેશ સામે ગાળા-ગાળી અને મારપીટ કરી અને ગણેશની બાઇકની ચાવી છીનવી લીધી. એક અપરાધીએ લક્ષ્મીને ખેંચીને બાઇક પર બેસાડી અને ત્રણેય તેનું અપહરણ કરી એક સુમસામ જગ્યાએ લઇ ગયા. લક્ષ્મીએ પોતાનું સંતુલન જાળવી રાખ્યું અને બાઇકની ચાવી કાઢી સંતાડી દીધી. બદમાશોએ તેને પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે તેમને ધક્કો મારી નાસી છૂટી. તે સીધી પોલીસ મથક પહોંચી અને મામલાની જાણકારી આપી. પોલીસે ત્રણેય બદમાશોની ધરપકડ કરી અને લક્ષ્મીને તેના સાહસ માટે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર મળ્યો.

સમૃદ્ધિ સુશીલ શર્મા: બદમાશથી બચાવ્યો જીવ

સમૃદ્ધિ સુશીલ શર્મા: બદમાશથી બચાવ્યો જીવ

ગુજરાતની સમૃદ્ધિ સુશીલ શર્માને 16 વર્ષ, 3 માસની ઉંમરે બહાદુરી પુસ્કાર મળ્યો છે. 1 જુલાઇ, 2016ની બપોરે સમૃદ્ધિ ઘરે એકલી હતી ત્યારે દરવાજાની ઘંટડી રણકરી. સમૃદ્ધિએ દરવાજો ખોલ્યો તો સામે એક બુકાનીધારી વ્યક્તિ ઊભો હતો અને તે નોકરાણી અંગે પૂછપરછ કરવા માંડ્યો. સમૃદ્ધિએ તેને જણાવ્યું કે, તે કામ કરીને જતી રહી છે. ત્યાર પછી બુકાનીધારીએ પાણી માંગ્યું અને સમૃદ્ધિએ એ માટે ના પાડી તો તેણે ચપ્પુ કાઢીને સમૃદ્ધિના ગળા પર મુકી દીધું. સમૃદ્ધિએ હિંમત કરી ચપ્પુ છીનવી બાહર ફેંકી દીધું અને એ વ્યક્તિને પણ ઘરની બહાર ધકેલી દીધો. અવાજો આવતા આરોપી બદમાશ નાસી છૂટ્યો, પરંતુ સમૃદ્ધિને આ ઝપાઝપીમાં ઇજા પહોંચી. તેણે બે વાર ઓપરેશન કરાવવું પડ્યું હતું.

અન્ય વિજેતાઓ અને તેમના પરાક્રમો

અન્ય વિજેતાઓ અને તેમના પરાક્રમો

મિઝોરમના 15 વર્ષ, 10 માસનો જોનુનતુઆંગાએ નીડરતા અને બહાદુરીપૂર્વક એક જંગલી રીંછથી પોતાના પિતાનો જીવ બચાવ્યો હતો, જે માટે તેને સન્માનિત કરવામાં આવ્યો. નાગાલેન્ડના 17 વર્ષીય ચિંગાઈએ પોતાની પાડોશમાં રહેતા વૃદ્ધને આગ લાગેલ ઘરમાંથી સલામત બહાર કાઢ્યા હતા અને ઘરની પાછળ બંધાયેલા પશુઓનો પણ જીવ બચાવ્યો હતો, જે માટે તેને પુરસ્કાર આપવામાં આવ્યો. મહારાષ્ટ્રના 16 વર્ષીય નદાફ ઇજાજ અબ્દુલ રૉફે જળાશયમાં ડૂબી રહેલ 4 યુવતીઓમાંથી 2નો જીવ બચાવ્યો હતો. ઉત્તરાખંડના 15 વર્ષીય પંકજ સેમવાલે ઘરમાં ઘુસી આવેલ જંગલી પ્રાણીથી પોતાની માતાની રક્ષા કરી હતી. ઓરિસ્સાના 13 વર્ષીય પંકજ કુમાર માહંતે નિર્ભયતાપૂર્વક નદીમાં 20 ફૂટ ઊંડા પાણીમાં ડૂબતી ત્રણ મહિલાઓ વૈજન્તિ(25 વર્ષ), પુષ્પલતા(22 વર્ષ) અને સુચિતા(34 વર્ષ)નો જીવ બચાવ્યો હતો. તે એક-એક કરી આ મહિલાઓને નદીના કાંઠે લઇ આવ્યો હતો. મેરીબની(3 વર્ષ) અને ચુમ્બેન(6 વર્ષ)ની માતાના મૃત્યુ બાદ મનશા તેમની દેખભાળ કરતી હતી. તેણે શોંગપૉન અને યોકનેઈની મદદથી બાળકોના પિતાથી જ બંને બાળકોનો જીવ બચાવ્યો હતો.

બીજાને બચાવવા જતા ગુમાવ્યો જીવ

બીજાને બચાવવા જતા ગુમાવ્યો જીવ

ત્રણ બાળકોને મરણોપરાંત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. મિઝોરમમાં રહેતા 17 વર્ષીય એફ.લલછંદામા પોતાના નિઃસહાય મિત્રને બચાવવા નદીના પાણીમાં કૂદ્યો પરંતુ બંનેએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. કર્ણાટકની 14 વર્ષીય નેત્રાવતી ચૌહાણે તળાવમાં ડૂબતા 10 વર્ષીયને જીવ બચાવવાના પ્રયત્નમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. મણિપુરના લોકરાકપામ રાજેશ્વરી ચનુએ પુલ પરથી નદીમાં પડેલ એક બાળકી અને તેની માતાનો જીવ બચાવ્યો, પરંતુ આ પ્રયત્નમાં તે પોતાનો જીવ ગુમાવી બેઠી.

English summary
Republic Day 2018 : Story of 18 bravehearts bestowed with National Bravery Awards 2017, 3 of them posthumously.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X