સંસદ રત્નથી સન્માનિત કરાશે 10 સાંસદોને

આ અંગે એક બિન સરકારી સંગઠન પ્રાઇમ પોઇન્ટ ફાઉન્ડેશનના સંસ્થાપક કે શ્રીનિવાસને જણાવ્યું કે "છેલ્લા ત્રણ વર્ષોથી અમે લોકસભામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સભ્યોને સન્માનિત કરી રહ્યા છીએ. સાંસદોનું મૂલ્યાંકન તેમને પૂછવામાં આવેલા પ્રશ્નોની સંખ્યા, ચર્ચાઓમાં તેમની ભાગીદારી અને સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા વ્યક્તિગત ખરડાઓને આધારે કરવામાં આવે છે."
શ્રીનિવાસને જણાવ્યું કે "આ વર્ષે અમે મૂલ્યાંકન માટે બે શ્રેણીઓ બનાવી હતી. આ બે શ્રેણીઓમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારી મહિલા સાંસદો અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 35 વર્ષથી ઓછી આયુ ધરાવનારા સાંસદોનો સમાવેશ થાય છે." ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આપવામાં આવેલા સંસદ રત્નો એક જ શ્રેણીમાં આપવામાં આવ્યા હતા.
શ્રીનિવાસને જણાવ્યું કે આ વર્શે સમગ્ર શ્રેણી અંતર્ગત સન્માનિત થનારા પાંચ સાંસદોમાં મહારાષ્ટ્ર શિવસેનાના સાંસદ આનંદ રાવ અડસુલ (1091 અંક), તમિલનાડુથી કોંગ્રેસના સાંસદ એસ એસ રામાસુબ્બુ (1038 અંક), રાજસ્થાનથી ભારતીય જનતા પાર્ટીના અર્જુન રામ મેઘવાલ (1002 અંક), મહારાષ્ટ્ર શિવસેનાના ગજાનન ધર્મશી બાબર (997 અંક), અને મહારાષ્ટ્ર ભાજપના હંસરાજ ગંગારામ આહિર (996 અંક)નો સમાવેશ થાય છે.
શ્રીનિવાસને જણાવ્યું કે મેઘવાલ અને અહિર બંનેમાંથી પત્યેકે 51 વ્યક્તિગત ખરડાઓ રજૂ કર્યા હતા. આ વર્ષે વર્તમાન લોકસભામાં કુલ 372 વ્યક્તિગત ખરડાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે આગળ જણાવ્યું કે રસપ્રદ બાબત એ છે કે અડસુલ, રામાસુબ્બુ અને આહિર સતત ચોથી વાર 'સંસદ રત્ન' માટે પસંદ કરવામાં આવ્યા છે.
લોકસભામાં કુલ 55 મહિલા સાંસદોમાંથી 'સંસદ મહિલા રત્ન' માટે પસંદ કરવામાં આવેલી ચાર મહિલા સાંસદોમાં બિહારથી ભાજપના રામાદેવી (579 અંક), આંધ્ર પ્રદેશથી કોંગ્રેસના સાંસદ ઝાંસી બોચા લક્ષ્મી (478 અંક), મહારાષ્ટ્રથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાકાપા)ના સુપ્રિયા સુલે (714 અંક) અને ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ (789 અંક)ને પસંદ કરવામાં આવ્યા છે.
શ્રીનિવાસને જણાવ્યું કે "અડસુલ, રામાસુબ્બુ, મેઘવાલ, અહિર, રામા દેવી તથા લક્ષ્મીએ 20 એપ્રિલે યોજાનારા સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેવાની મંજૂરી આપી દીધી છે. જ્યારે અન્ય સાંસદોએ પોતાની અસમર્થતા વ્યક્ત કરી છે."












Click it and Unblock the Notifications
