કેજરીવાલને સમર્થન મુદ્દે શરદ પવારનું મોટુ નિવેદન, જાણો શું કહ્યું?
દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગને લઈને સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને પલટાવવા માટે કેન્દ્ર સરકાર અધ્યાદેશ લઈને આવી છે. આ અધ્યાદેશને લઈને હવે વિપક્ષી પાર્ટીઓ એક થઈને કેન્દ્ર સરકારની આલોચના કરી રહી છે. આ જ ક્રમમાં કેજરીવાલે શરદ પવાર સાથે બેઠક કરી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુંબઈમાં મુલાકાત કરી હતી. આ બેઠક બાદ શરદ પવારે કહ્યું કે, દેશમાં સંકટ છે અને તે માત્ર દિલ્હી સુધી સીમિત મુદ્દો નથી. NCP અને મહારાષ્ટ્રના લોકો કેજરીવાલને સમર્થન આપશે.

અહીં તેમણે કહ્યું કે, કેજરીવાલને સમર્થન આપવા માટે અમે અન્ય નેતાઓ સાથે પણ વાત કરીશું. આપણે તમામ બિન-બીજેપી પક્ષોને સાથે લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આપણી ફરજ છે કે તમામ વિપક્ષો અરવિંદ કેજરીવાલને સમર્થન આપે.
બીજી તરફ આ બેઠક બાદ અરવિંદ કેજરીવાલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, અમે શરદ પવારનો આભાર માનીએ છીએ. અત્યારે દેશની રાજનીતિમાં તેમનું કદ સૌથી ઊંચું છે. અમે તેમને અન્ય પક્ષોને પણ સાથે લાવવા અપીલ કરીએ છીએ.
અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે, જો આ વટહુકમ રાજ્યસભામાં પાસ નહીં થાય તો 2024ની સેમીફાઈનલ થશે અને મોદી સરકાર પાછી નહીં આવે. વટહુકમનો ઉપયોગ કરીને ચૂંટાયેલી સરકારોને કામ કરવા દેવામાં આવતી નથી, આ દેશ માટે ઠીક નથી.
આમ આદમી પાર્ટીએ દિલ્હીને લઈને મોરચો ખોલ્યો છે ત્યારે કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે, આજે અમે શ્રી શરદ પવાર જીને મળીશું અને દિલ્હીના લોકોને તેમના અધિકારો મેળવવા માટે મદદ માંગીશું.
શરદ પવાર સાથે મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાજ્યસભાના સાંસદ સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા અને દિલ્હીના મંત્રી આતિશી પણ હાજર હતા. આ નેતાઓ મુંબઈના યશવંતરાવ ચવ્હાણ સેન્ટરમાં મળ્યા હતા. NCPના નેતા અજિત પવાર, પ્રફુલ્લ પટેલ અને છગન ભુજબળ સહિત ઘણા નેતાઓએ AAP નેતાઓનું સ્વાગત કર્યું હતું.












Click it and Unblock the Notifications
