
સંજય રાઉતનો રાજ્યસભા ચૂંટણીમાં ECએ ભાજપનો પક્ષ લેવાનો આરોપ, કહ્યુ - 3 મત પર નિર્ણય લેવામાં 7 કલાક કેમ લાગ્યા?
મુંબઈઃ શિવસેના નેતા સંજય રાઉતે શનિવારે ચૂંટણી પંચ પર ભાજપનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો છે. સંજય રાઉત મીડિયાકર્મીઓને કહ્યુ, 'ચૂંટણી પંચે અમારા એક વોટને અમાન્ય ગણાવી દીધો, અમે બે મતોનો વિરોધ કર્યો પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહિ. ચૂંટણી પંચે તેમનુ(ભાજપ) સમર્થન કર્યુ છે.' તમને જણાવી દઈએ કે શિવસેના ધારાસભ્ય સુહાસ કાંડે દ્વારા નાખવામાં આવેલા વોટનો અસ્વીકાર કરવા પર ચૂંટણી પંચના પગલાં પર પોતાનુ વલણ સ્પષ્ટ કરીને સંજય રાઉતે આ નિવેદન આપ્યુ હતુ.
મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણીની મતગણતરી લગભગ સાત કલાક અટક્યા બાદ સંજય રાઉતે ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા અને આરોપ લગાવ્યો કે ભાજપે ચૂંટણી પંચને પોતાના નિયંત્રણમાં લઈ લીધુ છે. રાઉતે ટ્વીટ કર્યુ કે, 'ભાજપે દેશની લોકશાહી, ન્યાયતંત્ર, કેન્દ્રીય તપાસ તંત્ર અને ચૂંટણી પંચ પર નિયંત્રણ મેળવી લીધુ છે. શું મહારાષ્ટ્રમાં ત્રણ વોટ પર નિર્ણય લેવામાં સાત કલાક લાગે છે? આ આઘાતજનક છે. લોકશાહીનો આ 'કોમેડી શો' ક્યાં સુધી ચાલશે?'
બીજી તરફ કોંગ્રેસના નેતા ઈમરાન પ્રતાપગઢીએ પોતાની જીત જાહેર કરી અને બાકીના ઉમેદવારોની જીતની પુષ્ટિ પણ કરી. પ્રતાપગઢીએ કહ્યું, 'હું શિવસેનાના સંજય રાઉત અને NCPના પ્રફુલ્લ પટેલ સાથે જીત્યો છુ. હું ધારાસભ્યોનો આભાર માનું છુ. અમને દુઃખ છે કે (મહા વિકાસ અઘાડી)ના ચોથા ઉમેદવાર સંજય પવાર જીતી શક્યા નથી.' તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી અધિકારીઓને ફરિયાદો અને વળતી ફરિયાદો મળ્યા બાદ બંને રાજ્યોમાં મત ગણતરી અટકાવવામાં આવી હતી.
અગાઉ ભારતીય જનતા પાર્ટી (BJP)એ શુક્રવારે મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણીમાં સત્તાધારી મહા વિકાસ અઘાડી (MVA)ના ત્રણ ધારાસભ્યો દ્વારા ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો અને રિટર્નિંગ ઓફિસરને વિનંતી કરી હતી કે તેઓ તેમના મત અમાન્ય રાખે. ભાજપે NCP નેતા જીતેન્દ્ર આવ્હાડ, કોંગ્રેસ નેતા યશોમતી ઠાકુર અને શિવસેનાના સુહાસ કાંડેના મતોને અમાન્ય જાહેર કરવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ભાજપે 6માંથી 3 બેઠકો જીતી છે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ એક-એક સીટ જીતી છે. શિવસેનાના સંજય પવાર ચૂંટણી હારી ગયા છે.