For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિદ્ધાર્થ શુક્લા અને પ્રત્યૂષા બેનરજી : 'બાલિકા વધૂ'નાં બંને મુખ્ય કલાકારોનાં મૃત્યુ પાછળની સંપૂર્ણ કહાણી

'બાલિકા વધૂ'નાં બંને મુખ્ય કલાકારોનાં મૃત્યુ પાછળની સંપૂર્ણ કહાણી

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ગુરુવારે સવારે ટીવી સીરિયલ 'બાલિકા વધૂ'થી ઘર-ઘરનું જાણીતું નામ બની ચૂકેલા અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું અકાળે મૃત્યુ થવાના સમાચાર સામે આવ્યા.

તેમના મૃત્યુનાં કારણો અંગે હજુ સુધી સ્પષ્ટતા નથી થઈ શકી.

અહીં નોંધનીય છે કે ટીવી સીરિયલ 'બાલિકા વધૂ'નાં વધુ એક અભિનેત્રી પ્રત્યુષા બેનરજીનું આજથી લગભગ પાંચ વર્ષ પહેલાં મૃત્યુ નીપજ્યું હતું.

પ્રત્યૂષા બેનરજીનું મૃત્યુ 1 એપ્રિલ, 2016ના રોજ થયું હતું. તેઓ પોતાના ગોરેગાંવ ખાતેના ઘરમાં લટકેલી અવસ્થામાં મળી આવ્યાં હતાં.

તેમના મૃત્યુ વખતે પ્રત્યૂષા માત્ર 24 વર્ષનાં હતાં.

બંને લોકપ્રિય અભિનેતાઓનાં અકાળ મૃત્યુના કારણે તેમના ચાહકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.


પ્રત્યૂષા બેનરજીનું મૃત્યુ

પ્રત્યૂષા બેનરજી

આગળ જણાવાયું છે તેમ પ્રત્યૂષા પોતાના ઘરની છત પર લટકેલી અવસ્થામાં મળી આવ્યાં હતાં.

વિવિધ અહેવાલો અનુસાર તેમણે કોઈ સુસાઇડ નોટ છોડી નહોતી.

તેમને આ અવસ્થામાં જોઈ તેમની સાથે લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતા તેમના પાર્ટનર રાહુલ રાજે તેમને કોકિલાબેન અંબાણી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયાં હતાં.

નોંધનીય છે કે પ્રત્યૂષાનાં માતા-પિતાએ રાહુલ રાજ સામે પ્રત્યૂષાને પ્રતાડિત કરવાની અને આત્મહત્યા તરફ દોરી જવા બાબતની ફરિયાદ કરી હતી.

સામે રાહુલે પ્રત્યૂષાનાં માતા-પિતાને તેમની આત્મહત્યા માટે દોષી ઠેરવ્યાં હતાં.

રાહુલે આરોપ મૂક્યો હતો કે પ્રત્યૂષાનાં માતા-પિતાએ અભિનેત્રીના નામે ખૂબ મોટી લૉન લઈ લીધી હતી. જે તેઓ ભરપાઈ કરવા માટે સક્ષમ ન હોઈ તેમણે આ અંતિમ કદમ ઉઠાવ્યું હતું.


સિદ્ધાર્થ શુક્લાનું મૃત્યુ

સિદ્ધાર્થ શુક્લા

સમાચાર સંસ્થા ANIએ ગુરુવાર સવારે એક ટ્વીટમાં મુંબઈની કૂપર હૉસ્પિટલ સાથે કરેલી વાતચીત પ્રમાણે જણાવ્યું હતું કે, "ઍક્ટર સિદ્ધાર્થ શુક્લાને સવારે 10.30 વાગ્યે હૉસ્પિટલ લવાયા હતા."

દૂરદર્શન તથા અન્ય મીડિયા પ્રમાણે સિદ્ધાર્થ શુક્લાનું મૃત્યુ હાર્ટઍટેકથી થયું હતું.

અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ બાબતે કૂપર હૉસ્પિટલના ડૉક્ટરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે "જ્યારે તેમને હૉસ્પિટલ લવાયા ત્યારે તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. હજુ અમે વધુ તપાસ કરી રહ્યા છીએ."

"મૃત્યુના સાચા કારણ અંગે બાદમાં જાણ કરવામાં આવશે."

સિદ્ધાર્થ શુક્લાના પરિવારના જણાવ્યાનુસાર તમને હાર્ટઍટેક આવ્યો હતો.

જ્યારે ન્યૂઝ એજન્સી ANI સાથે મુંબઈ પોલીસે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું, "સિદ્ધાર્થ શુક્લાના શરીર પર કોઈ ઈજાનાં નિશાન નહોતાં. હજુ સુધી મોતનું કારણ નક્કી કરી શકાયું નથી. પોલીસની એક ટીમ તેમના ઘરે તપાસ માટે હાજર છે."


ટીવી સીરિયલ 'બાલિકા વધૂ'

બાલિકા વધૂ સીરિયલમાં આનંદીનું પાત્ર ભજવનાર અવિકા ગૌર

એક સમયે ભારતીય સમાજમાં વ્યાપક એવી બાળલગ્નની બદી અને તેને લઈને બાળકોને વેઠવી પડતી મુશ્કેલીઓ રજૂ કરતી આ સીરિયલની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી.

તેમાં પણ ખાસ કરીને આવાં લગ્નોમાં બાળકીઓને ભોગવવી પડતી યાતનાઓ અંગે વાત કરવામાં આવી હતી.

આ સીરિયલ ટૂંક સમયમાં જ ઘણી લોકપ્રિય બની ગઈ હતી.

સીરિયલનાં મુખ્ય પાત્રો આનંદી અન જગદીશસિંહ હતાં. જેઓ આ સીરિયલમાં બાળ પતિ-પત્નીની ભૂમિકા ભજવી રહ્યાં હતાં.

બાળ પત્નીની ભૂમિકા ભજવનાર અવિકા ગૌર આ સીરિયલ થકી ઘરઘરમાં જાણીતું નામ બની ગયાં હતાં.

તેમજ બાળ પતિની ભૂમિકા ભજવનાર અવિનાશ મુખરજી પણ સારી એવી લોકપ્રિયતા હાંસલ કરી હતી.

આ સીરિયલ રાજસ્થાનની પૃષ્ઠભૂમિ પર આધારિત હતી.

આ સિવાય સીરિયલમાં 'દાદીસા કલ્યાણીદેવી'નું પાત્ર દિગ્ગજ અભિનેત્રી સુરેખા સિકરીએ ભજવ્યું હતું. જેઓ તાજેતરમાં જ મૃત્યુ પામ્યાં હતાં.

આ સીરિયલ ભારતની સૌથી લોકપ્રિય અને સૌથી લાંબી ચાલેલી સીરિયલો પૈકી હતી.

નોંધનીય છે કે યુવાન આનંદીનું પાત્ર સીરિયલમાં પ્રત્યૂષા બેનરજીએ ભજવ્યું હતું અને જગદીશનું પાત્ર શશાંક વ્યાસે ભજવ્યું હતું.

પ્રત્યૂષા બેનરજી

આ સિવાય સીરિયલના શરૂઆતના અમુક એપિસોડ બાદ તેમાં શિવરાજ શેખરના પાત્રની ઍન્ટ્રી થાય છે. આ પાત્ર સિદ્ધાર્થ શુક્લાએ ભજવ્યું હતું. જે દર્શકોમાં ખૂબ લોકપ્રિય બન્યું હતું.

જગદીશ દ્વારા આનંદીના પરિત્યાગ બાદ શિવરાજ શેખર, જેઓ જિલ્લા કલેક્ટર છે, તેઓ આનંદી સાથે લગ્ન કરે છે. આ સીરિયલમાં પ્રત્યૂષા અને સિદ્ધાર્થની જોડી અને તેમના અભિનયની ઘણી પ્રશંસા થઈ હતી અને બંને ઘણાં લોકપ્રિય થયાં હતાં.

પ્રત્યૂષા બાદ 'બાલિકા વધૂ' સીરિયલમાં આનંદીનું પાત્ર તોરલ રાસપુત્રાએ ભજવ્યું હતું.

આ સીરિયલ વર્ષ 2008થી 2016 સુધી ચાલી હતી. આ સીરિયલના અંદાજે બે હજાર કરતાં વધુ એપિસોડ રજૂ કરાયા હતા.

નોંધનીય છે કે નવાં પાત્રો સાથે 'બાલિકા વધૂ'ની કહાણી ફરી એક વાર ટીવી પર રજૂ કરાઈ રહી છે.

આ સીરિયલનું બીજું સંસ્કરણ ઑગસ્ટ, 2021માં જ શરૂ કરાયું હતું.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=PFKz2aJwsEk

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Siddharth Shukla and Pratyusha Banerjee: The full story behind the death of both the main actors of 'Balika Vadhu'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X