• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિદ્ધાર્થ શુક્લાનું નિધન : હાર્ડઍટેક અને કાર્ડિયાક અરેસ્ટ શું છે? બચવા શું કરશો?

સિદ્ધાર્થ શુક્લાનું નિધન : હાર્ડઍટેક અને કાર્ડિયાક અરેસ્ટ શું છે? બચવા શું કરશો?
By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

લોકપ્રિય ટીવી અને ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે મુંબઈની કૂપર હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું, તેઓ 40 વર્ષના હતા.

કૂપર હૉસ્પિટલના ડૉક્ટર શૈલેષ મોહિતેએ બીબીસીને જણાવ્યા અનુસાર સિદ્ધાર્થ શુક્લાને જ્યારે હૉસ્પિટલમાં લવાયા ત્યારે તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તેમણે મૃત્યુના કારણ અંગે કોઈ સ્પષ્ટતા કરી નહોતી.

જોકે, મીડિયા અહેવાલોમાં સિદ્ધાર્થનું મૃત્યુ હાર્ટઍટેકને કારણે થયું હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

હૃદયરોગ અને કાર્ડિયાક અરેસ્ટના કારણે અત્યાર સુધી ઘણા બોલીવૂડ સેલિબ્રિટીઝનાં મૃત્યુ થયાં છે.

ગત વર્ષોમાં નરેન્દ્ર ઝા, રીમા લાગુ, ઓમ પુરી અને ઇન્દરકુમાર જેવા અભિનેતાઓનાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાં છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વર્ષ 2016ના 'ગ્લોબલ ડિસીઝ બર્ડન' રિપોર્ટ અનુસાર ભારતમાં હૃદયરોગ સબંધિત બીમારીને કારણે 1.7 મિલિયન (17 લાખ) લોકોનાં મૃત્યુ થયાં હતાં.

રિપોર્ટ અનુસાર યુવાઓમાં પણ આ પ્રકારની બીમારીનું પ્રમાણ વધી રહ્યું હોવાનું જોવા મળ્યું છે.


કાર્ડિયાક અરેસ્ટ કે હાર્ટઍટેકમાં શું તફાવત છે?

આમ કાર્ડિયાક અરેસ્ટ કે હાર્ટઍટેક આરોગ્ય સંબંધિત એક અતિ ગંભીર સમસ્યા છે.

ફાસ્ટ બની રહેલી લાઇફમાં હૃદયરોગ સંબંધિત બીમારીઓ મામલે કાળજી લેવી અત્યંત જરૂરી છે.

કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટઍટેકથી બચવા માટે શું કરવું જોઈએ અને તે થવા પાછળનાં કારણો જાણવા માટે બીબીસી ગુજરાતીના દિપલકુમાર શાહે સુરતના સિનિયર કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. અતુલ અભ્યકંર સાથે વાતચીત કરી હતી.

ડૉ. અતુલે આ વિશે જણાવ્યું કે હાર્ટઍટેક અને કાર્ડિયાક અરેસ્ટ બન્ને જુદી બાબત છે.

તેમણે કહ્યું, "હૃદયરોગમાં હૃદય સાથેની નળીઓ (ધમનીઓ)માં અવરોધ અને રક્તપ્રવાહમાં ખલેલ થવાની સમસ્યા સંકળાયેલી છે."

"આ સમસ્યા હૃદયની કામગીરી અત્યંત ધીમી કે ખૂબ જ ઝડપી બનાવી દે છે, અને એથી કાર્ડિયાક અરેસ્ટની સ્થિતિ સર્જાય છે."

"હૃદયને પૂરતું લોહી નહીં પહોંચતાં અને તેની કામગીરીમાં વિક્ષેપ ઊભો થતાં કાર્ડિયાક અરેસ્ટમાં આવી જતાં હૃદય એકાએક કામ કરવાનું બંધ કરી દે છે અને મૃત્યુ થાય છે."

"સરળ શબ્દોમાં કહીએ તો હાર્ટઍટેક હૃદયના 'ઇલેકટ્રિકલ સિસ્ટમ'માં સર્જાતી ખામી છે અને કાર્ડિયાક અરેસ્ટ એ હૃદય તદ્દન કામ કરતું બંધ થઈ જાય તે સ્થિતિ છે."


કાર્ડિયાક અરેસ્ટની સ્થિતિમાં શું કરવું?

મહિલા

ડૉ. અતુલ કહે છે કે જો વ્યક્તિને પહેલાંથી જ હૃદય સંબંધિત બીમારી કે તકલીફ હોય તો કાર્ડિયાક અરેસ્ટનું જોખમ રહે છે.

તેમણે વધુમાં કહ્યું,"કાર્ડિયાક અરેસ્ટ થવા પાછળનું એક કારણ હાર્ટઍટેક પણ છે."

"જો વ્યક્તિને જન્મજાત જ હૃદય સંબંધિત તકલીફ હોય તો કાર્ડિયાક અરેસ્ટનું જોખમ રહેતું હોય છે."

"હવે વૃદ્ધો ઉપરાંત યુવાનોમાં પણ કાર્ડિયાક અરેસ્ટનું પ્રમાણ જોવા મળે છે."

કાર્ડિયાક અરેસ્ટ થાય તો શું કરવું તે અંગે તેમણે કહ્યું કે કાર્ડિયાક અરેસ્ટમાં દર્દીને ઝડપથી સારવાર મળવી જરૂરી હોય છે.

હાર્ટઍટેકના દર્દીને ઘણી વાર ખબર પણ ન હોય અને સ્ટ્રોક આવીને જતો રહેતો હોય છે.

"પરંતુ કાર્ડિયાક અરેસ્ટમાં સ્થિતિ ગંભીર હોય છે અને જોખમ વધારે. વ્યક્તિ તરત બેભાન થઈ જાય છે અને ક્યારેક મોંમાંથી ફીણ પણ નીકળી જાય છે."

"કાર્ડિયાક અરેસ્ટ આવે તો વ્યક્તિને જરૂર જણાય તો અન્ય વ્યક્તિ માઉથ-ટુ-માઉથ પદ્ધતિથી શરીરમાં ઓક્સિજન આપવાની કોશિશ કરી શકે છે."

"ઉપરાંત જો કોઈ વ્યક્તિને સીપીઆર (કાર્ડિયોપલ્મોનરી રિસસાઇટેશન)ની તાલીમ મળેલી હોય તો તે દર્દીને સીપીઆર આપી શકે છે."

"તબીબી મદદ આવે ત્યાં સુધી સીપીઆર આપવાથી વ્યક્તિના બચી જવાની શક્યતા રહેલી હોય છે."


25 ટકા દર્દી 40થી ઓછી ઉંમરના

ભારતમાં કાર્ડિયાક અરેસ્ટના પ્રમાણ અંગે તેઓ કહે છે કે, દેશમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે કેટલા લોકો મૃત્યુ પામે છે તે અંગે કોઈ ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી. કાર્ડિયોવેસ્ક્યુલરના આંકડા કે સંશોધન ઉપલબ્ધ હોઈ શકે છે.

જોકે, હૃદયરોગના હુમલા સંબંધિત બીમારીથી થતાં મૃત્યુ અંગે સંશોધન થાય છે.

ઇન્ડિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર દેશમાં હાર્ટઍટેકના કુલ 25 ટકા સ્ટ્રોક 40થી ઓછી ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળ્યા છે.


માનસિક સ્થિતિ અને કાર્ડિયાક અરેસ્ટનું જોખમ

https://www.youtube.com/watch?v=PFKz2aJwsEk

આ દરમિયાન સુરતના મનોચિકિત્સક ડૉ. મુકુલ ચોક્સીનું કહેવું છે કે કાર્ડિયાક અરેસ્ટ માણસના મૃત્યુ માટે જવાબદાર આખરી સ્ટેપ છે.

કાર્ડિયાક અરેસ્ટ માટે જવાબદાર હાર્ટઍટેક પાછળનાં કારણો વિશે જણાવતાં ડૉ. મુકુલ ચોક્સીએ કહ્યું કે ધૂમ્રપાન, ડાયાબિટીઝ, કોલેસ્ટ્રોલ, મેદસ્વીતા અને ટાઇપ-એ પર્સનાલિટી જેવાં પરિબળો જોખમ ઊભું કરી શકે છે.

સરળ શબ્દોમાં સમજાવતાં તેમણે કહ્યું,"શરીરમાં કોઈ પણ સમસ્યા થાય એટલે અંદરનાં અંગો કામ કરવાનું બંધ કરી દે છે."

વ્યક્તિની માનસિક સ્થિતિ કઈ રીતે કાર્ડિયાક અરેસ્ટનું જોખમ સર્જી શકે તે વિશે તેમણે કહ્યું, "આજના સમયમાં લોકોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે."

"ટાઇપ-એ પર્સનાલિટી ધરાવતી વ્યક્તિને તેનું જોખમ રહેતું હોય છે."


શું છે ટાઇપ-એ પર્સનાલિટી?

ટાઇપ-એ પર્સનાલિટી શું છે તે વિશે જણાવતાં કહ્યું કે, વિશિષ્ટ લક્ષણોના આધારે વ્યક્તિની પર્સનાલિટી (પ્રકૃતિ)નું વર્ગીકરણ કરવામાં આવે છે.

વ્યક્તિની લાક્ષણિકતાનું વર્ગીકરણ ટાઇપ-એ અને ટાઇપ-બી પર્સનાલિટી એમ બે પ્રકારે થાય છે.

દુશ્મનાવટ, વ્યગ્રતા, લાગણીઓ વ્યક્ત કરવામાં મુશ્કેલી, અતિસ્પર્ધાત્મક સ્વભાવ, અતિચોકસાઈનો આગ્રહ ઉપરાંત સંપત્તિ, સ્ટેટસ અને સત્તાનો અસ્વસ્થ આધાર સહિતની લાક્ષણિકતાનો ટાઇપ-એ પર્સનાલિટીમાં સમાવેશ થાય છે.

તેમણે ઉમેર્યું કે વ્યક્તિની પ્રકૃતિમાં અતિશય મહત્ત્વાકાંક્ષાઓ અને ઉગ્રતા પણ તેનું જ ઉદાહરણ છે.

"આ પ્રકારની વ્યક્તિને હૃદયની ધમનીઓ સંબંધિત બીમારી અને અન્ય તણાવ સંબંધિત રોગ થવાનું જોખમ રહે છે. આથી કાર્ડિયાક અરેસ્ટનું જોખમ રહે છે."

ટાઇપ-બી પ્રકારના લોકો શાંત, ધૈર્ય ધરાવતા અને ઓછા તણાવમાં હોય છે. તેમની પ્રકૃતિ ટાઇપ-એ કરતાં ઊલટી હોય છે.


6.2 કરોડ લોકો હૃદયની બીમારીનો શિકાર બન્યા

અમેરીકામાં રિચર્ચ જનરલમાં છપાયેલા અહેવાલ અનુસાર, વર્ષ 2015 સુધીમાં ભારતમાં 6.2 કરોડ લોકો હૃદયની બીમારીનો ભોગ બન્યા છે. તેમાં લગભગ 2.3 કરોડ લોકોની ઉંમર 40 વર્ષથી ઓછી છે .

મતલબ કે 40 ટકા હૃદયની બીમારીઓના દર્દીઓની ઉંમર 40 વર્ષથી ઓછી છે. ભારત માટે આ આંકડાઓ ચોંકાવનારા છે.

જાણકારોનું માનવું છે કે આખી દુનિયામાં ભારતમાં આ આંકડાઓ ઝડપથી વધી રહ્યા છે. Healthdata.org મુજબ, અકાળ મૃત્યનાં કારણોમાં વર્ષ 2005માં હૃદયની બીમારીનું સ્થાન ત્રીજું હતું.

વર્ષ 2016માં હૃદયની બીમારી અકાળ મૃત્યુનું પહેલું કારણ બની ગઈ હતી.

10-15 વર્ષ પહેલાં હૃદયની બીમારીને મોટી ઉંમરના લોકો સાથે જોડીને જોવામાં આવતી હતી, જોકે છેલ્લા એક દાયકાથી હૃદયની બીમારીના આંકડાઓ કંઈક જૂદું જ પ્રતિબિંબ રજૂ કરે છે.

દેશના જાણીતા કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. એસ. સી. મનચંદા મુજબ દેશના યુવાનોનું હૃદય નબળું પડી રહ્યું છે.

તેમનાં અનુસાર, નબળા હૃદયનું કારણ નવા જમાનાની જીવનશૈલી છે.

જીવનમાં તણાવ, ખાવાની ખોટી ટેવ, કમ્પ્યુટર/ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર મોડે સુધી કામ કરવું, સ્મોકિંગ, તંબાકુ, દારૂની લત, પર્યાવરણ પ્રદૂષણને તેઓ આ માટે કારણભૂત જણાવે છે.


હાર્ટઍટેકનાં લક્ષણો

ડૉક્ટરોના કહેવા પ્રમાણે, હાર્ટઍટેકનું સૌથી મોટું લક્ષણ હૃદયમાં દુખાવો થવું છે. સામાન્ય રીતે ફિલ્મનાં દૃશ્યમાં કોઈને હાર્ટઍટેક આવે તો તેઓ પોતાની છાતી પકડી લે છે.

હૃદય સુધી પૂરતું લોહી ના પહોંચે ત્યારે ઍટેક આવે છે. સામાન્ય રીતે આપણી ધમનીઓના રસ્તામાં કોઈ અડચણ આવવાને કારણે લોહી હૃદય સુધી નથી પહોંચી શકતું. એટલા માટે હૃદયમાં તીવ્ર પીડા થાય છે.

ક્યારેક હાર્ટઍટેકમાં પીડા થતી પણ નથી, તેને સાઇલન્ટ હાર્ટઍટેક કહેવાય છે.

વર્ષ 2016માં અલગ-અલગ બીમારીઓથી મરનારની સંખ્યામાં 53 ટકા લોકોનાં મૃત્યુ હૃદયની બીમારીથી થયા છે.https://www.youtube.com/watch?v=PFKz2aJwsEk

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Siddharth Shukla dies: What is hardtech and cardiac arrest? What will you do to survive?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X