For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી, રમખાણ અને ભારતીયતા : અમર્ત્યનો ‘કુતર્ક’!

By કન્હૈયા કોષ્ટી
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 23 જુલાઈ : નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેન ગઈકાલે નરેન્દ્ર મોદી વિશે કંઇક બોલી ગયાં. જોકે એક અર્થશાસ્ત્રી તરીકે અમર્ત્યની દરેક વાતનું વજન હોય છે અને તેની અર્થજગતમાં ખાસ નોંધ લેવાતી હોય છે અને તેવામાં તેમનું નિવેદન જો નરેન્દ્ર મોદી વિશે હોય, તો પ્રત્યક્ષ રીતે તેની નોંધ અર્થજગત ઉપરાંત રાજકીય ક્ષેત્રે પણ લેવાય જ.

પરંતુ સૌથી અગત્યની બાબત એ છે કે નોબેલ પુરસ્કાર વિજેતા હોવા ઉપરાંત એક પ્રખર અર્થશાસ્ત્રી તરીકે અમર્ત્ય સેને એ જ મુદ્દો ઉઠાવ્યો કે જે નરેન્દ્ર મોદી સાથે તડકા-છાયાની જેમ જોડાયેલો રહ્યો છે. એક રીતે જોવા જઇએ તો અમર્ત્યે કોઈ નવી વાત નથી કહી, કારણ કે મોદી અને રમખાણ બે એવી બાબતો છે કે જેને લઈને ભારતીય રાજકારણમાં ચાલતું ઘમાસાણ છેલ્લા 12 વરસથી ચાલુ છે અને તે પોતે જ અમર્ત્ય થઈ ગયું છે.

amartya-sen-modi

આ પહેલી વાર નથી કે નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં 2002માં થયેલ કોમી રમખામનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હોય. અમર્ત્ય સેન અગાઉ પણ કેટલાંય અમર્ત્ય સેનો આવીને ગયાં અને હજીય કેટલાંય આવા નિવેદનો આવતાં જ રહેશે, પરંતુ આવા નિવેદન કરનારાઓની લાંબી કતારમાં અમર્ત્ય સેન જેવા અર્થશાસ્ત્રી પણ જો જોડાઈ જાય, તો તે કમનસીબ જ ગણાશે.

અમર્ત્ય સેને ગઈકાલે જણાવ્યુ હતું કે તેઓ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે સ્વીકારી ન શકે. સેને જો આટલું જ કહ્યું હોત, તો કોઈ વાંધો નહોતો. પહેલી બાબત તો એ છે કે તેઓ એક નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી છે અને જો તેઓ નરેન્દ્ર મોદી અને તેમની સાથે જોડાયેલ રમખાણો સાથે ભારતીય નાગરિકત્વને કસોટીના એરણે મૂકે, તો બાબત વધુ ગંભીર બની જાય છે. તેમણે જણાવ્યુ હતું કે એક ભારતીય નાગરિક તરીકે તેઓ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે સ્વીકાર ન કરી શકે. આમ અમર્ત્ય સેને પોતાના નિવેદનમાં ભારતીય નાગરિક તરીકેનો જે ઉલ્લેખ કર્યો, તે જ સૌથી મોટી વાંધાજનક બાબત છે.

નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે સ્વીકારવાની કે ન સ્વીકારવાની બાબત એક વ્યક્તિ તરીકે કે એક અર્થશાસ્ત્રી તરીકે સૌના માટે પોતાની ઇચ્છાની અને અભિપ્રાયની બાબત છે, પરંતુ આ મુદ્દાને સમગ્ર રીતે ભારતીય નાગરિકત્વ સાથે સાંકળીને જોવું અને તે પણ અમર્ત્ય સેન જેવા મહાનુભાવ દ્વારા આ મુદ્દાને ભારતીય નાગરિકત્વ સાથે સાંકળીને જોવું માત્ર વાંધાજનક બાબત જ નથી, બલ્કે આમાં ક્યાંકને ક્યાં કુતર્ક પણ જણાઈ આવે છે.

રમખાણોનો આ દેશમાં લાંબો ઇતિહાસ રહ્યો છે. ભારતીય સ્વાતંત્ર્ય અગાઉ અને પછી પણ દેશમાં રમખાણો થતાં જ રહ્યાં છે. એવું નથી કે 2002માં ગુજરાતમાં થયેલ કોમી રમખાણો પહેલાં અને છેલ્લાં હતાં. 2002 અગાઉ પણ દેશમાં અનેક રમખાણો થયાં અને તે પછી પણ ગુજરાત સિવાય દેશના અનેક હિસ્સાઓમાં રમખાણો થતા રહ્યાં છે. રમખાણોમાં મોદીનો હાથ હોવાનો કે ન હોવાનો એક આખો જુદો મુદ્દો છે અને તે પણ તપાસનો વિષય છે, પરંતુ અમર્ત્ય સેને જે રીતે ભારતીય નાગરિક તરીકે મોદીને પીએમ પદ માટે ન સ્વીકારવાની વાત કહી, તેવી વાત પરથી તો એવું ઉપસી આવે છે કે જાણે અમર્ત્ય સેન અમેરિકા કે પાકિસ્તાનની ભાષામાં વાત કરતાં હોય.

અમર્ત્ય સેન એક અર્થશાસ્ત્રી છે અને તેમના દ્વારા પ્રધાનમંત્રી પદ અંગે કોઈ પણ પ્રકારનો વિચાર વ્યક્ત કર્યો આવકારદાયક છે, પરંતુ તેમની પાસે આ કક્ષાના મુદ્દાની આશા કોઈને ન હોય. તેઓ એક અર્થશાસ્ત્રી છે અને તેમણે જો કોઇક આર્થિક મુદ્દે નરેન્દ્ર મોદીના નામ સામે વાંધો ઉઠાવ્યો હોત, તો તે વધુ તર્કસંગત હોત.

અમર્ત્ય સેન જો એમ માનતાં હોય કે એક ભારતીય નાગરિક તરીકે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે ન સ્વીકારી શકાય, તો તેમણે એ વાત પણ ધ્યાને લેવી જ જોઇએ કે દેશમાં આજે સૌથી લોકપ્રિય નેતા તરીકે નરેન્દ્ર મોદી ઉપસી આવ્યાં છે, તો તેમને પસંદ કરનાર લોકો પણ એ જ ભારતના નાગરિક છે કે જેના નાગરિક તરીકે મોદીને વડાપ્રધાન તરીકે સ્વીકારતાં અમર્ત્ય સેનને શરમ અનુભવાય છે.

અમર્ત્યનું નિવેદન એટલા માટે પણ વધુ બાલિશ લાગે છે, કારણ કે એક ભારતીય નાગરિક તરીકે જો તેઓ નરેન્દ્ર મોદીને પીએમ તરીકે સ્વીકારી ન શકતાં હોય, તો એનાથી પણ વધુ મહત્વની બાબત એ છે કે અમર્ત્ય સેને પોતે એક અર્થશાસ્ત્રી હોવા છતાં ભારતમાં લોકશાહી રીતે ચૂંટાઈને મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદે પહોંચવાની બાબતને પોતાના વ્યક્તિગત અભિપ્રાય સાથે સાંકળવાનો પ્રયત્ન કર્યો. સેન કદાચ ભુલી જાય છે કે મોદી હાલ પણ લોકશાહી ઢબે ચૂંટાયેલા મુખ્યમંત્રી છે અને જે રાજ્યના તેઓ મુખ્યમંત્રી છે, ત્યાં પણ મુસલમાનો સલામત રીતે રહે જ છે.

જ્યાં સુધી નરેન્દ્ર મોદીનો સવાલ છે, તો એક સામાન્ય કાર્યકરથી શરુઆત કરી ભારતીય જનતા પક્ષ એટલે કે ભાજપમાં ટોચના સ્થાને પહોંચવાની તેમની સફર રાજકીય, સામાજિક કે આર્થિક રીતે અવગણી તો ન જ શકાય. તેમનામાં કંઇક તો એવું હશે કે તેમની સામે સમગ્ર ભાજપ આજે નતમસ્તક છે. મોદી સાથે નથી કોઈ રાજકીય વારસો કે નહોતું પક્ષનું કોઈ પીઠબળ. તેઓ પોતાના સામર્થ્ય વડે જ એક સામાન્ય કાર્યકરથી ધારાસભ્ય-મુખ્યમંત્રી પદે પહોંચ્યાં અને હાલ ભાજપની ચૂંટણી ઝુંબેશ સમિતિના પ્રમુખ પદે પહોંચ્યાં છે.

જ્યાં સુધી કોમી રમખાણોનો સવાલ છે, તો ગુજરતામાં થયેલા કોમી રમખાણોનો સૌથી વધુ દર્દ ઝીલ્યો હોય, તો તે ગુજરાતના જ લોકો હતાં અને ગુજરાતે ક્યારેય આ મુદ્દે નરેન્દ્ર મોદીનો રસ્તો રોક્યો નથી. ચલો માની લઇએ કે 2002માં કોમી રમખાણોના પગલે થાયલે સામ્પ્રદાયિક ધ્રુવીકરણના પગલે મોદી વિધાનસભા ચૂંટણી જીત્યાં હશે, પણ 2007 અને પછી 2012માં પણ મોદીની જીતને એક ઉત્તમ નિરીક્ષકે પૃથક દૃષ્ટિકોણથી જોવું જ જોઇએ. દરેક વખતે દરેક બાબતને કોમી રમખાણ અને સામ્પ્રદાયિકતા કે બિનસામ્પ્રદાયિકતાના ચશ્મે જોવાની આદત તો સામાન્ય રાજકારણીઓને હોય, અમર્ત્ય સેન જેવા અર્થશાસ્ત્રી પાસે આવી આશા ન સેવી શકાય. અમર્ત્ય જેવા અર્થશાસ્ત્રી પણ જો રમખાણો મુદ્દે મોદીનો વિરોધ કરે, તો તે તર્ક નહિં, પણ કુતર્ક જ કહેવાય.

English summary
Nobel prize winner amartya sen said yesterday that he don't want Narendra Modi as his Prime Minister, but as a economist, Amartya's statement is sophistry. It could be accpeteble If Amartya criticise Modi on any economical issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X