કર્ણાટકમાં મુસ્લિમ અનામત મુદ્દે નિવેદનો બાબતે સુપ્રીમ કોર્ટ સખ્ત, જાણો શું કહ્યું?
કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર પુરો થઈ ગયો છે અને હવે 10 મેંના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. પ્રચાર દરમિયાન મુસ્લિમ અનામતનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટે નેતાઓને બયાનબાજી મુદ્દે ટોક્યા છે.
હાલમાં જ કર્ણાટક સરકારે મુસ્લિમ અનામતને ખતમ કરીને અન્ય વોક્કાલિગા અને લિંગાયતોને આપી દેતા મોટો વિવાદ થયો હતો. આ મુદ્દે કોંગ્રેસ અનામતને પાછુ લાગુ કરવાનો વાયદો કરી રહી છે તો બીજી તરફ બીજેપી હિન્દુ મતોનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરી રહી છે. હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે.

અનામત ક્વોટા પાછો ખેંચાયા બાદના નિવેદનોને સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી લીધા છે. સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને કોર્ટમાં રહેલા મુદ્દે નિવેદનો ટાળવા ટકોર કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યારે કોર્ટનો આદેશ હોય ત્યારે થોડી પવિત્રતા જાળવવાની જરૂર હોય છે.
આ મુદ્દે અરજદારો તરફથી હાજર વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ ગૃહમંત્રી અમિત શાહ વિશે કોર્ટને કહ્યું કે, તે ગર્વથી કહે છે કે તેમની પાર્ટીએ મુસ્લિમો માટેનો ક્વોટા પાછો ખેંચી લીધો છે. આના પર જસ્ટિસ બી.વી. નાગરત્ને પૂછ્યું કે, જ્યારે આ મામલો કોર્ટ સમક્ષ ન્યાયાધીન છે ત્યારે આવું નિવેદન કોઈએ શા માટે કરવું જોઈએ?
બીજી તરફ સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દાવો કર્યો કે, શાહની ટિપ્પણીના સંદર્ભ વિશે કોર્ટને જાણ કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે, જો કોઈ કહે છે કે તે સૈદ્ધાંતિક રીતે ધાર્મિક આધાર પર આરક્ષણની વિરુદ્ધ છે તો તે સંપૂર્ણપણે ન્યાયી છે. આના પર, કોર્ટે કહ્યું કે કોર્ટ ફક્ત અનુશાસન જાળવવા માંગે છે.
જસ્ટિસ નાગરત્નાએ તુષાર મહેતાને કહ્યું કે, તમે એસજી તરીકે અને આ કેસમાં વકીલ તરીકે કહો છો કે ચાર ટકા અનામત ગેરબંધારણીય છે... તમે આ નિવેદન આપી શકો પરંતુ કોઈ સાર્વજનિક સ્થળે નિવેદન આપે તે સંપૂર્ણપણે અલગ છે.
આ દરમિયાન સુપ્રીમ કોર્ટે મુસ્લિમો માટે 4 ટકા અનામત ખતમ કરવાના નિર્ણય સામે દાખલ અરજી પર સુનાવણી જુલાઈ સુધી મુલતવી રાખી છે. રાજ્ય સરકારે OBC હેઠળ મુસ્લિમો માટે દાયકાઓ જૂનો 4 ટકા ક્વોટા હટાવી દીધો હતો.
અગાઉ આ કેસની સુનાવણી સ્થગિત કરતા સુપ્રીમ કોર્ટે એક વચગાળાનો નિર્દેશ આપ્યો છે, જે અંતર્ગત કર્ણાટકમાં 4 ટકા મુસ્લિમ ક્વોટાને નાબૂદ કરવાના આદેશને આગળના આદેશ સુધી લાગુ નહીં કરાય. બીજી તરફ રાજ્ય સરકારે પણ આ ભરોષો કોર્ટને આપ્યો છે.












Click it and Unblock the Notifications
