દેશમાં વધતી નફરત મુદ્દે સુપ્રીમ કોર્ટની ટકોર, જાણો શું કહ્યું?
ભારતમાં હાલ સાંપ્રદાયિકતા ચરમ પર છે. એક તરફ કટ્ટર લોકોને સરકારનું સમર્થન અને બીજી તરફ પોલીસ તંત્રની ઢીલી નીતિને કારણે નફરતી લોકોને મોકળુ મેદાન મળી ગયુ છે.
નવી દિલ્હી : ભારતમાં હાલ સાંપ્રદાયિકતા ચરમ પર છે. એક તરફ કટ્ટર લોકોને સરકારનું સમર્થન અને બીજી તરફ પોલીસ તંત્રની ઢીલી નીતિને કારણે નફરતી લોકોને મોકળુ મેદાન મળી ગયુ છે. જો કે આ તમામ ઘટનાઓ વચ્ચે હવે સુપ્રીમ કોર્ટે પણ ટિપ્પણી કરવી પડી છે.

સુપ્રીમ કોર્ટે દેશમાં વધતી નફરત મુદ્દે કહ્યું કે, આ 21મીં સદી છે, ધર્મના નામે આપણે ક્યાં પહોંચી ગયા છીએ. સુપ્રીમ કોર્ટ હેટ સ્પીચ મુદ્દે સુનાવણી કરી રહી હતી ત્યારે આ વાત કહી. સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે, દેશમાં સ્થિતી આશ્ચર્યજનક છે. દેશને ધર્મનિરપેક્ષ હોવુ જોઈતું હતું. અહીં તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટ દેશમાં મુસ્લિમોને નિશાન બનાવવા મુદ્દે તમામ રાજ્યો અને કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે નફરતી ભાષણો આપનારા સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. ધર્મને બાજુ પર રાખીને દ્વેષપૂર્ણ ભાષણ આપનારાઓ સામે પગલાં લેવાય. દેશ પર નફરતનું વર્ચસ્વ છે. આવા નિવેદનો ચિંતાજનક છે. આ નિવેદનો સહન કરી શકાય નહીં. છેવટે, 21મી સદીમાં શું થઈ રહ્યું છે? ધર્મના નામે ક્યાં પહોંચી ગયા છીએ? શું ઈશ્વરે આપણને આટલા નાના બનાવ્યા છે?
શાહીન અબ્દુલ્લાએ દેશમાં વધી રહેલા નફરતી વાતાવરણને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. દેશમાં વધી રહેલા નફરતના વાતાવરણની સ્વતંત્ર તપાસ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપવા માટે શાહીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને અપીલ કરી હતી. અરજદાર વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. કપિલ સિબ્બલે કહ્યું કે આને નિપટવા માટે કંઈક કરવાની જરૂર છે, જે લોકો નફરત ફેલાવી રહ્યા છે, ધર્મના નામે અપરાધ કરી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવાની જરૂર છે.
અરજીમાં અપીલ કરી છે કે, જે લોકો ધર્મના નામે અપરાધ કરી રહ્યા છે અને નફરત ફેલાવી રહ્યા છે તેમની સામે UAPA હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યું કે મુસ્લિમ સમુદાયને જાણીજોઈને નિશાન બનાવી આતંકિત કરવામાં આવી રહ્યો છે. સત્તાધારી પક્ષના લોકો પણ નફરતભર્યા ભાષણો આપી રહ્યા છે. અરજદારે કહ્યું કે મુસ્લિમો વિરુદ્ધ નફરત વધી રહી છે, તેની દૂરગામી અસરો પડશે. સત્તાધારી પક્ષો ચોક્કસ સમુદાયને નિશાન બનાવીને ભાષણો આપી રહ્યા છે.
બીજી તરફ સુપ્રીમ કોર્ટે કપિલ સિબ્બલને પૂછ્યુ કે, તમે પોતે કાયદા મંત્રી હતા તો તે સમયે તમે કેમ કંઈ ન કર્યું. ન્યાયાધીશે કહ્યું કે હું તમને આ પ્રશ્ન હળવી નોંધ પર પૂછું છું. કપિલ સિબ્બલે કહ્યું કે બીજેપી સાંસદ પ્રવેશ વર્માએ નફરતજનક ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે આપણે મુસ્લિમોની દુકાનમાંથી સામાન નહીં ખરીદીએ, નોકરી નહીં આપીએ, જ્યારે આવા નિવેદનો પર પ્રશાસન કંઈ કરતું નથી તેથી અમારે કોર્ટમાં આવવું પડે છે.












Click it and Unblock the Notifications
