For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પર્મવહેલની ઊલટી જે સોના કરતાં પણ મોંઘી અને કરોડોમાં વેંચાય

સ્પર્મવહેલની ઊલટી જે સોના કરતાં પણ મોંઘી અને કરોડોમાં વેંચાય

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
વહેલની ઉલટી

શું ઊલટીની કિંમત મળે? જેની કિંમત એક કિલોગ્રામના રૂપિયા એક કરોડ કે તેથી પણ વધુ હોય? આ શક્ય -છે, જો એ ઊલટી સ્પર્મ વહેલની હોય.

અમદાવાદ પોલીસે તાજેતરમાં ત્રણ શખ્સોના કબજામાંથી લગભગ સાડા પાંચ કિલોગ્રામ સ્પર્મવહેલની ઊલટી (અંબરગ્રીસ) સાથે ધરપકડ કરી છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. સાત કરોડ આસપાસ અંદાજાય છે.

ચીનમાં જાતીય ઉત્તેજના માટેની શક્તિવર્ધક દવાઓમાં તેનો ઉપયોગ થાય છે, આ સિવાય આરબ દેશોમાં ઉચ્ચગુણવત્તાવાળું અત્તર બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે.

પોલીસ તથા વનવિભાગને આશા છે કે આ શખ્સો પાસેથી મળેલી બાતમીને આધારે ગુજરાતમાં દરિયાઈજીવ અને તેમનાં અંગોનો વેપાર કરતા રૅકેટનો પર્દાફાશ થશે.

આ પહેલાં મુંબઈ તથા ચેન્નાઈમાંથી પણ અંબરગ્રીસની ખેપો પકડાઈ હતી. જેમાં ગુજરાત કે ગુજરાતીઓનું કનેક્શન બહાર આવ્યું હતું.


'સ્પર્મ'વહેલ, અંબરગ્રીસની અવનવી વાતો

જ્યારે કોઈ સ્પર્મ વ્હેલ કટલફિશ કે ઑક્ટોપસ કે અન્ય કોઈ દરિયાઈજીવનો શિકાર કરે, ત્યારે તેના ધારદાર અંગ કે દાંતને વહેલના શરીરને નુકસાન ન પહોંચાડે તે માટે તેના શરીરની પાચનવ્યવસ્થામાં વિશેષ પ્રકારના સ્રાવ ઝરે છે, જેની મદદથી પાચનક્રિયા થાય છે.

બાદમાં બિનજરૂરી પદાર્થોને સ્પર્મ વ્હેલ મોં વાટે શરીરમાંથી કાઢીને ફેંકી દે છે. કેટલાક સંશોધકોના મતે સ્પર્મ વ્હેલ મળવાટે પણ અંબરગ્રીસનો નિકાલ કરે છે.

એટલે જ કેટલીક વખત અંબરગ્રીસમાંથી શિકારના ધારદાર અંગ પણ મળી આવે છે. વ્હેલે ત્યજી દીધેલો ભાગ દરિયાની સપાટી ઉપર તરે છે. સૂર્યપ્રકાશ અને ખારાશવાળું પાણી મળીને તેને અંબરગ્રીસનું સ્વરૂપ આપે છે, જે સુગંધીત દ્રવ્ય બનાવવામાં મદદરૂપ થાય છે.

અંબરગ્રીસ કાળા, સફેદ અથવા ગ્રૅ કલરનું અને તૈલી હોય છે. તે અંડાકાર કે ગોળાકાર હોય છે. દરિયાઈ પાણીમાં સફર ખેડીને તે આવો આકાર ધારણ કરે છે. સળગાવવામાં આવે તો તે સળગી ઉઠે છે. તેના ઉપયોગ માટે આલ્કોહોલ કે ઇથરની જરૂર પડે છે.

'સ્પર્મ વ્હેલ ' (ઉપરની તસવીરમાં જુઓ)એ દંતશૂળ ધરાવતું ધરતી પરનું સૌથી મોટું પ્રાણી છે. તેનાથી નાની 'પિગ્મી સ્પર્મ વ્હેલ ' તથા એથી પણ નાની 'ડ્વાર્ફ સ્પર્મ વ્હેલ ' હોય છે.

અગાઉ એવું માનવામાં આવતું કે સ્પર્મ વહેલના માથામાં સ્પર્માસિટી નામનું અંગ આવેલું હોય છે, જેની અંદર તેલ ભરેલું હોય છે. એવું પણ માનવામાં આવતું હતું કે તે વહેલ માછલીનું વીર્ય છે એટલે તેને 'સ્પર્મ વ્હેલ ' એવું નામ મળ્યું. વાસ્તવમાં આ અંગ સ્પર્મ વહેલ માટે 'સોનાર'નું કામ કરે છે.

જાણકારોના કહેવા પ્રમાણે, પહેલાં તેની સુગંધ સારી નથી લાગતી, પરંતુ જેમ-જેમ સમય જતો જાય છે અને જેમ-જેમ હવા સાથે ભળે છે, તેમ-તેમ તે મીઠી સુગંધ ધારણ કરે છે. આ સિવાય અત્તરની સુગંધ ઝડપથી ઉડી ન જાય, તે માટે તેમાં સ્ટૅબિલાઇઝર તરીકે અંબરગ્રીસનો ઉપયોગ કરવામાં આવે છે.

તે જ્વલ્લે જ જોવા મળતું હોય તેનો ભાવ ખૂબ જ વધારે હોય છે. તેનો ભાવ સોના કરતાં પણ વધારે હોવાથી તેને 'દરિયાઈ સોના' કે 'તરતા સોના' તરીકે પણ ઓળખવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત એક કિલોગ્રામની રૂપિયા સવા કરોડ સુધી હોય શકે છે.

https://www.youtube.com/watch?v=lyHlNyd8oEA

જામનગર મરીન નેશનલ પાર્કના ઇન-ચાર્જ ચીફ કન્ઝર્વેશન ઑફિસર ડી. ટી. વસાવડાના કહેવા પ્રમાણે, "વન્ય સંરક્ષણધારાની જોગવાઈઓમાં સ્પર્મ વહેલને સંરક્ષિત પ્રાણીનો દરજ્જો મળેલો છે. એટલે તેનો શિકાર કરવો કે તેના અંગોનો વેપાર કરવો એ ગુનો બને છે. તેના કાયદેસરના વેપાર માટે લાઇસન્સ લેવાનું રહે છે."

"તાજેતરમાં અંબરગ્રીસની જે ખેપ મળી આવી છે, તે ક્યાંથી મેળવવામાં આવી હતી, તે હજુ સુધી સ્પષ્ટ નથી. સામાન્ય રીતે આરબ દેશોમાં તેની માગ રહે છે, જેઓ તેની ઊંચી કિંમત ચૂકવવા તૈયાર રહે છે."

હાડકાં, વહેલના તેલ તથા અંબરગ્રીસ માટે સ્પર્મવ હેલનો પુષ્કળ શિકાર થાય છે એટલે 1970ના દાયકાથી યુરોપ, અમેરિકા તથા પશ્ચિમી દેશોમાં સ્પર્મ વહેલના અંબરગ્રીસના વેપાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ગુજરાતમાં લગભગ 1600 કિલોમીટરનો દરિયાકિનારો આવેલો છે, જે સમગ્ર દેશમાં સૌથી લાંબો છે. એટલે જ દરિયાઈ જીવનો કે તેનાં અંગોનો વેપાર કરનારાઓની નજર અહીંના કિનારા પર રહે છે. ગુજરાત સિવાય ઓડિશા અને કેરળના દરિયાકિનારે પણ ક્યારેક-ક્યારેક અંબરગ્રીસ મળી આવે છે.

ભારતમાં વનસંરક્ષણધારાના શિડ્યુલ-2 હેઠળ તે 1986થી સંરક્ષિત પ્રાણી છે અને તેનો કે તેનાં અંગોનો વેપાર કરવો ગેરકાયદેસર છે.


કામોત્તેજક તરીકે કામની

ભારત જ નહીં, વિશ્વભરમાં સદીઓથી અંબરગ્રીસનો ઉપયોગ સુગંધીદ્રવ્ય તથા દવા તરીકે થતો રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય પ્રવાસી ઇબ્ન બતૂતા તથા માર્કોપોલોનાં પ્રવાસવર્ણનોમાં પણ અંબરગ્રીસનો ઉલ્લેખ મળે છે. આયુર્વેદ ઉપરાંત યુનાની દવાઓમાં પણ તેનો પ્રયોગ થાય છે.

લખનૌની ઇન્ટિગ્રલ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઑફ ફાર્મોકલૉજીના ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. બદરૂદ્દીને બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "વહેલની ઊલટીનો યુનાની દવાઓમાં સદીઓથી ઉપયોગ થતો રહ્યો છે. મગજ, શરીર, ચેતાતંત્ર તથા જાતીય બીમારીઓને ઠીક કરવા માટે અલગ-અલગ ઔષધીઓ સાથે અંબરગ્રીસનો પણ ઉપયોગ થાય છે."

"યુનાની દવા 'માજૂને મુનસિક મૂકવી'માં ખાંડની ચાસણી તથા અન્ય ઔષધીઓ સાથે અંબરગ્રીસનો ઉપયોગ થાય છે. પેસ્ટ સ્વરૂપની આ દવા પુરુષમાં કામોત્તેજનાની વૃદ્ધિ કરે છે. આ સિવાય 'હબે નિશાંત' દવામાં પણ તેનો ઉપયોગ થાય છે."

"અનેક માન્યતાપ્રાપ્ત ફાર્મસી દ્વારા તેનો ઉપયોગ થાય છે અને તે બજારમાં તથા ઑનલાઇન પણ મળી રહે છે."

https://www.youtube.com/watch?v=1tiM-PWFbfc

વનસંરક્ષણ ડી. ટી. વસાવડાના કહેવા પ્રમાણે, 'અંબરગ્રીસથી જાતીય ઉત્તેજનામાં વૃદ્ધિ થાય છે, એવી માન્યતા છે, પરંતુ આ અંગે કોઈ વૈજ્ઞાનિક કે નક્કર પુરાવા નથી મળતા. '

ચેતાતંત્ર ઉપર અંબરગ્રીસની અસર અંગે ડૉ. બદરૂદ્દીન તથા તેમના સહયોગીઓએ એક સંશોધનપત્ર તૈયાર કર્યું છે, જે ટૂંકસમયમાં પ્રકાશિત થશે.


અમદાવાદમાં અંબરગ્રીસની ખેપ

અમદાવાદના ઝોન-સાતના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પ્રેમસુખ દેલુના કહેવા પ્રમાણે, "કેટલાક લોકો અંબરગ્રીસની ખેપ લઈને અમદવાદ આવી રહ્યા છે, એવી બાતમી મળી હતી. જેના આધારે અમે તેમને ઝડપી લેવા માટે છટકું ગોઠવ્યું હતું. સંદિગ્ધો વાસ્તવમાં જ અંબરગ્રીસનો વેપાર કરી રહ્યા છે કે તેના નામે ઠગાઈ કરી રહ્યા છે, તે અંગે સંશય હતો."

"જ્યારે રેડ કરીને ત્રણ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા, ત્યારે ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીની ટીમે જપ્ત થયેલી સામગ્રી અંબરગ્રીસ હોવાનું પ્રથમદર્શીય તારણ આપ્યું હતું, જેના આધારે આરોપીઓની વન્યજીવ સંરક્ષણ ધારા 1972ની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી."

https://www.youtube.com/watch?v=3vJrOfsloiM&t=237s

"ત્રણ શખ્સોની બે દિવસની પોલીસકસ્ટડી દરમિયાન મળેલી માહિતીના આધારે ચોથા શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. શુક્રવારે આ કેસ વનવિભાગને સોંપી દેવામાં આવ્યો છે. અમને ગુજરાતમાં તેમના અન્ય સાગ્રીતો વિશે માહિતી મળી છે. ત્યારે વનવિભાગ તથા પોલીસ મળીને આ નૅટવર્કને ભેદવાનો પ્રયાસ કરશે."

દેલુ ઉમેરે છે કે અંબરગ્રીસનું વજન પાંચ કિલો 350 ગ્રામ જેટલું છે તથા આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત સાત કરોડ રૂપિયા હોવાનું અંદાજવામાં આવે છે.

એફએસએલ દ્વારા અંબરગ્રીસ હોવા અંગે ઔપચારિક અને વિસ્તૃત રિપોર્ટ આપવામાં આવશે, ત્યારે તેનો પુરાવા તરીકે ઉપયોગ કરવામાં આવશે.

પોલીસને આશંકા છે કે આ રૅકેટમાં 10 કે તેથી વધુ લોકો સંડોવાયેલા છે.

હાલમાં પોલીસે જૂનાગઢના બે, ભાવનગરના એક તથા ઉદયપુર (રાજસ્થાન)ના એક શખ્સની ધરપકડ કરી છે. સામાન્ય રીતે અખાતના દેશોમાં અત્તર માટે જ્યારે ચીનમાં શક્તિવર્ધક દવાઓ માટે તેની માગ રહે છે.


સૌરાષ્ટ્ર, સંરક્ષણ અને સ્પર્મ વહેલ

ગુજરાતના દરિયાકિનારાની પ્રતીકાત્મક તસવીર

સૌરાષ્ટ્ર વિસ્તારમાં દરિયાઈજીવ સંરક્ષણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એક સંરક્ષકના કહેવા પ્રમાણે, "હિંદ લવખત આ પ્રક્રિયામાં મહિનાઓ કે વર્ષો લાગી જતાં હોય છે. આ દરમિયાન ઘણીવખત તે સેંકડો-હજારો કિલોમીટરની સફર ખેડે છે. દરિયામાં ઉદ્દભવતા વાવાઝોડાં પણ તેને કિનારાની નજીક ખેંચી લાવે છે."

"અંબરગ્રીસ જેટલી જૂની અને મોટી એટલી તેની કિંમત વધારે હોય છે. અંબરગ્રીસની સુગંધ પ્રત્યે કૂતરાં આકર્ષાય છે, એટલે ગુજરાતમાં દરિયાકિનારાના વિસ્તારમાં તેનો વેપાર કરનારા શખ્સો, વિશેષ તાલીમ પામેલા કૂતરા રાખે છે, જે નિર્જન અને અવાવરું કિનારવિસ્તારમાં આંટા મારતા હોય છે."

"અહીંથી તે જમીનમાર્ગે અમદાવાદ કે મુંબઈ પહોંચે છે. જ્યાં વચેટિયા મારફત તેને ખાડી દેશોમાં મોકલવામાં આવે છે, જ્યાંથી તેને આંતરરાષ્ટ્રીય બજારમાં મોકલી દેવામાં આવે છે. કેટલીક વખત માછીમારોને દરિયામાંથી કૅચ (માછલીઓના જથ્થા) સાથે પણ તે મળી આવે છે."

https://www.youtube.com/watch?v=g0WUhJbIKT0

"અત્તર ઉપરાંત જાતીય ઉત્તેજના અને ક્ષમતા વધારનારી દવાઓમાં તેનો ઉપયોગ થાય છે, એટલે અખાતના દેશોના ધનિકોમાં તેની વિશેષ માગ રહે છે. યુરોપિયન દેશોમાંથી ફ્રાન્સમાં તેની વિશેષ માગ રહે છે. જોકે, હવે ઍમ્બ્રોક્સાન અને ઍમ્બ્રિન જેવા સિન્થૅટિક વિકલ્પ આવી ગયા છે, એટલે અત્તર માટેનો તેનો ઉપયોગ ઘટી રહ્યો છે."

"લોકોને ઑરિજિનલ અંબરગ્રીસ વિશે જાણકારી નથી હોતી એટલે ઠગો તેના નામે પેરાફિન વૅક્સ કે ચરબીગત પદાર્થો પણ ઊંચી કિંમતે પધરાવી દેતા હોય છે. ભોગ બનનારી વ્યક્તિએ ગેરકાયદેસર રીતે આ ખરીદી કરી હોવાથી તેની ફરિયાદ પણ નથી કરી શકતી."

આ સંરક્ષક ઉમેરે છે, "અગાઉ ચેન્નાઈ અને મુંબઈમાંથી પણ અંબરગ્રીસ પકડાયું હતું. જેમાં પણ ગુજરાત કે ગુજરાતીઓનું કનેકશન હોવાનું બહાર આવ્યું હતું. છતાં કોઈ અકળ કારણોસર તેમનું નૅટવર્ક ભેદવામાં પોલીસને તથા વનવિભાગને સફળતા મળી ન હતી, ત્યારે આ વખતે પણ સફળતા મળશે કે કેમ તે સવાલ છે, પણ જો મળે તો સારું."


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=5Ns8MFmZOQI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
The vomit of a sperm whale that is more expensive than gold and sold for millions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X