For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુનિયન બજેટ 2021 : શું સરકાર દેશને આર્થિક સંકટમાંથી બહાર લાવી શકશે?

યુનિયન બજેટ 2021 : શું સરકાર દેશને આર્થિક સંકટમાંથી બહાર લાવી શકશે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

સોમવારે આ વર્ષનું કેન્દ્રીય બજેટ રજૂ થશે. આ બજેટ એવા સમયે પ્રસ્તુત થઈ રહ્યું છે જ્યારે સત્તાવાર રીતે ભારત પહેલી વખત આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યું છે.

એક અંદાજ પ્રમાણે નાણાકીય વર્ષ 2020-21માં અર્થતંત્રમાં 7.7 ટકા સુધી સંકોચન આવશે.

જોકે, વિશ્વના છઠ્ઠા ક્રમના સૌથી મોટું અર્થતંત્ર ભારતમાં ગાડી ધીમેધીમે પાટે ચઢી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (આઈએમએફ) અનુસાર 2021-22માં ભારતનો જીડીપી વૃદ્ધિદર 11 ટકાથી પણ વધુ રહેવાની શક્યતા છે.

પરંતુ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ બજેટમાં સરકાર મોટા પ્રમાણમાં ખર્ચ નહીં કરે તો અર્થતંત્રને વિકાસના માર્ગે પરત લાવવામાં મુશ્કેલી પડશે.

લાંબા સમયથી દર વર્ષે બજેટનું વિશ્લેષણ કરનાર વરિષ્ઠ પત્રકાર પ્રિયા રંજન દાસ ભારપૂર્વક જણાવે છે કે, “અત્યારે મોટા નિર્ણયો લેવાનો સમય આવી ગયો છે.”

બજેટની તૈયારીઓ ચાલુ છે. નવી યોજનાઓ પર વાત થઇ રહી છે.

સરકારી સૂત્રોએ જણાવ્યું કે કોરોના સેસ અંગે ગંભીરતાથી વિચારણા ચાલુ છે.

આ સેસ “વધુમાં વધુ ત્રણ વર્ષ” માટે લાગી શકે છે. સૂત્રો જણાવે છે કે, “કૉર્પોરેટ ક્ષેત્ર માટે આ સેસ સામાન્ય કરદાતા કરતા વધારે હોઈ શકે છે.”


સરકારની સામે અન્ય સમસ્યાઓ

આજે બેરોજગારીનો દર 9.1 ટકા છે.

સ્વતંત્ર ભારતમાં ભાગ્યે જ કોઈ નાણામંત્રીએ આટલી વિકટ અને જટિલ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે જેટલી મુશ્કેલીઓ અત્યારે નિર્મલા સીતારમણ સામે છે.

તેમની મુશ્કેલીઓનો વિચાર કરીએઃ આ બજેટ કોરોના મહામારીના કારણે પેદા થયેલી પરિસ્થિતિ વચ્ચે રજૂ થઈ રહ્યું છે. દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ છે. કોરોનાના કારણે 1.5 લાખથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. અત્યાર સુધીમાં એક કરોડથી વધારે લોકોને આ જીવલેણ બીમારીનો ચેપ લાગ્યો છે.

સરકારની સામે નબળી સરકારી આરોગ્ય સુવિધાનું પુનઃનિર્માણ કરવાનો પડકાર છે. દેશની રાજધાનીની સરહદે લગભગ બે મહિના કરતા વધુ સમયથી ખેડૂતો કૃષિકાયદાનો વિરોધ કરી રહ્યા છે. ચીન સાથે કેટલાય મહિનાથી તણાવ વધી રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે સરકારી તિજોરીનું તળિયું દેખાઈ ગયું છે.

નિર્મલા સીતારમણે વચન આપ્યું હતું કે આ વખતનું બજેટ બધાથી અલગ હશે. આ સદીમાં સૌથી શ્રેષ્ઠ બજેટ આપવાની તેમણે વાત કરી છે.પરંતુ તેમના દાવામાં કેટલો દમ છે તે તો પહેલી ફેબ્રુઆરીએ ખબર પડશે.

બધા અર્થશાસ્ત્રીઓ એ બાબતે સહમત છે કે બજેટ એ કોઈ જાદુઈ છડી હોતી નથી કે તમામ મુશ્કેલીઓ અદૃશ્ય થઈ જાય.

મુંબઈસ્થિત ચુડીવાલા સિક્યૉરિટીઝના વડા આલોક ચુડીવાલા કહે છે કે રોગચાળાની અસરનો મુકાબલો કરવા માટે એક બજેટ પૂરતું ન ગણાય.

તેઓ કહે છે, “કોઈ પણ અર્થતંત્ર અસ્તવ્યસ્ત થઈ જાય ત્યાર પછી તેના પુનઃનિર્માણમાં લાંબો સમય લાગે છે. પરંતુ આપણા ઇરાદા સારા હોય, આપણે યોગ્ય નિર્ણય લઈ રહ્યા હોઈએ તો એક બજેટમાં તેની ખબર પડી જાય છે.”

પ્રિયા રંજન દાસને આ વખતના બજેટ પાસેથી ખાસ અપેક્ષા નથી. તેઓ માને છે કે બજેટ પાસેથી વધુ પડતી અપેક્ષા રાખવામાં આવે છે.

તેઓ કહે છે, “મને બજેટમાં બહુ આશા નથી. મને હેડલાઇન મૅનેજમૅન્ટ વધારે દેખાઈ રહ્યું છે. 'સદીનું સૌથી શ્રેષ્ઠ બજેટ રજૂ કરવા’ જેવા નાણામંત્રીના નિવેદનમાં હલકા શબ્દો છે. મને નથી લાગતું કે આ સરકાર અર્થતંત્રનું વ્યવસ્થિત રીતે સંચાલન કરી શકે અને હાલના પડકારોમાંથી પાર ઊતરી શકે.”

તેઓ કહે છે કે સામાન્ય રીતે બજેટ જેટલું આર્થિક વિકાસ વિશે હોય છે, એટલા જ પ્રમાણમાં કેન્દ્ર સરકાર તરફથી અપાયેલું એક સત્તાવાર નિવેદન પણ હોય છે. એ વાત પણ સૌ જાણે છે કે દર વર્ષે બજેટના વચનો પાળી શકાતા નથી.

તેઓ કહે છે કે, “બજેટ અગાઉ નાણામંત્રીએ બધી યોગ્ય વાતો જ કરી છે. તેમણે કહ્યું છે કે તેઓ વિકાસને પુનઃજીવંત કરવાને, મહામારીથી અસરગ્રસ્ત ક્ષેત્રોને મદદ આપવાને અને રોજગારીની તક પેદા કરવાને પ્રાથમિકતા આપશે.”

પરંતુ આ ઇરાદાને અમલમાં મૂકવા કેટલા મુશ્કેલ હશે? બીજા શબ્દોમાં કહીએ તો તેમને બજેટ માટે કયા મુખ્ય પડકારોનો સામનો કરવો પડી શકે છે?


વિક્રમજનક બેરોજગારી

કેટલાક આર્થિક નિષ્ણાતો મુજબ સરકાર સામે સૌથી મોટા પડકારોમાંથી એક પડકાર રોજગારીની નવી તકો પેદા કરવાનો છે. રેકૉર્ડ માટે જણાવીએ કે વર્ષ 2021માં બેરોજગારીનો દર માત્ર બે ટકા હતો.

આજે બેરોજગારીનો દર 9.1 ટકા છે. જોકે, આ સમસ્યા આજે દુનિયાના તમામ દેશોમાં છે. પરંતુ ઘણા દેશોએ બેરોજગારીનો સામનો કરવા માટે યોગ્ય પગલાં લીધાં છે.

પ્રિયા રંજન દાસ કહે છે કે વિક્રમજનક બેરોજગારીની સમસ્યાનો ઉકેલ મેળવવો એ નાણામંત્રી માટે સૌથી મોટો માથાનો દુખાવો છે.

તેઓ કહે છે, “સૌથી મોટી સમસ્યા એ છે કે નીતિ ઘડનારાઓ બેરોજગારીને એક મોટા પડકાર તરીકે ગણતા નથી. તે હાલમાં વિક્રમજનક સ્તરે છે. કોવિડ-19 આવ્યો તેનાથી પહેલા જ બેરોજગારીનો દર 45 વર્ષની વિક્રમ સપાટીએ હતો. રોગચાળા પછી તેની સ્થિતિ વધારે ખરાબ થઈ છે.”

કેન્દ્ર સરકારનો તર્ક છે કે બેરોજગારીની સમસ્યા વર્ષોથી છે અને તેમાં કોઈ નવી વાત નથી.

પ્રિયા રંજન દાસ કહે છે કે, “તેથી સરકાર આ સમસ્યાનો મુકાબલો કરવાની નથી. કારણ કે તે તેને ગંભીરતાથી નથી લઈ રહી. અસલી પડકાર ઝડપથી વધતી બેરોજગારી છે. હા, તે વર્ષોથી એક સમસ્યા છે, પરંતુ કોવિડ-19ના કારણે તે આપણા માટે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે.”

આલોક ચુડીવાલા પણ બેરોજગારીને એક અત્યંત ગંભીર પડકાર માને છે.

તેમના જણાવ્યા પ્રમાણે લૉકડાઉન દરમિયાન અનેક લાખ મજૂરો પોતાના ઘરે પરત જતા રહ્યા હતા, જેમાંથી મોટા ભાગના લોકો હજુ પણ પોતાના કામ પર પરત નથી આવી શક્યા. તેમનું કહેવું છે કે આ મજૂરોને તેમના ગામમાં રોજગારી આપવી અથવા શહેરોમાં તેઓ નોકરી કરવા માટે પાછા આવી શકે તે સરકાર માટે એક મોટો પડકાર રહેશે.


મંદીમાંથી કઈ રીતે ઝડપથી બહાર નીકળવું

https://twitter.com/bbcnewsgujarati/status/1354806589350268932

પ્રિયા રંજન દાસ કહે છે કે મહામારીથી થયેલા નુકસાનમાંથી નીકળવું અને વૃદ્ધિદરને વેગ આપવો એ નાણામંત્રી માટે બીજો સૌથી મોટો પડકાર છે.

રેટિંગ એજન્સી ક્રિસિલના અનુમાન પ્રમાણે લૉકડાઉન અને મહામારીના કારણે ભારતે પોતાના જીડીપીમાં ચાર ટકા જેટલું નુકસાન સહન કર્યું છે.

ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે મહામારી અગાઉ અર્થતંત્ર જ્યાં હતું ત્યાં સુધી પહોંચવા માટે ત્રણ વર્ષ સુધી નિરંતર 8.5 ટકાના દરે વૃદ્ધિ કરવાની જરૂર પડશે.આલોક ચુડીવાલા કહે છે કે અર્થતંત્રને વૃદ્ધિના માર્ગ પર કેવી રીતે લાવવું એ નાણામંત્રી સામે સૌથી મોટો પડકાર છે.

તેઓ કહે છે, "આમ કરવા માટે સરકારે બજેટમાં એક મોટું આર્થિક પૅકેજ જાહેર કરવાની જરૂર છે, જેથી માગને મોટા પ્રમાણમાં ઉત્તેજન મળી શકે."

અત્યાર સુધી કોરોના મહામારીની અસરનો સામનો કરવામાં સરકાર ઘણી સાવધાન રહી છે. મોટા ભાગના આર્થિક નિષ્ણાતો માને છે કે મોદી સરકારે રાજકોષિય શિસ્તની વધારે પડતી ચિંતા કરવાના બદલે મોટા પ્રમાણમાં ખર્ચ કરવાની જરૂર છે.

નાણાકીય બાબતોના નિષ્ણાત અને પત્રકાર આશિષ ચક્રવર્તી જણાવે છે કે, “આ એક અસાધારણ સમય છે અને માત્ર ભારતમાં નહીં, આખી દુનિયામાં આવી સ્થિતિ છે. સરકાર આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓની ચિંતા ન કરે, માત્ર ખર્ચ કરે. ગરીબ અને નાના ધંધાર્થીઓના ખિસ્સામાં નાણાં જવા જોઈએ. રેટિંગ એજન્સીઓ રાજકોષીય શિસ્ત અંગે સવાલ ઉઠાવશે. પરંતુ આગામી ત્રણ-ચાર વર્ષ સુધી આપણે તેમની ઉપેક્ષા કરવી જોઈએ.”

તેઓ કહે છે કે, “નિર્મલા સીતારમણે આ બજેટને અગાઉના વર્ષોથી અલગ કરીને જોવું જોઈએ. આપણે 2020માં બહુ નિયંત્રણમાં રહીને ખર્ચ કરતા હતા. પરંતુ પહેલેથી જેનો ભય હતો તેમ તેનાથી માગને વધારવામાં મદદ ન મળી.દેશમાં વપરાશ (consumption)નું પ્રમાણ સતત સુસ્ત રહ્યું છે.”

જોકે, તેઓ બેફામ ખર્ચ કરવાની સલાહ નથી આપતા.

તેઓ કહે છે કે, “હું વગર વિચાર્યે ખર્ચ કરવાની બિલકુલ હિમાયત નથી કરતો. હું સ્માર્ટ રીતે પરંતુ તાત્કાલિક ખર્ચ કરવા પર ભાર મૂકું છું જેથી કરીને આપણે બજારમાં માગ પેદા કરી શકીએ, હકારાત્મકતા ફેલાવી શકીએ અને ખપત પણ પેદા કરી શકીએ. હાલમાં ખર્ચ કરવો એ આર્થિક વૃદ્ધિ માટે મુખ્ય ચાલકબળ બનશે.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે મે મહિનામાં 20 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની જાહેરાત કરી હતી. તેમણે તેને સ્ટીમ્યુલસ (પ્રોત્સાહન) પૅકેજ ગણાવ્યું હતું.

જનધન અને બીજી યોજનાઓ હેઠળ સરકારે વંચિત રહી ગયેલા ગરીબોનાં ખાતાંમાં કેટલાક રૂપિયા જમા કરાવ્યા, પરંતુ તેનાથી માગ ન વધી. કારણ કે આ મદદની રકમ બહુ ઓછી હતી અને આ મદદ સમાજના તમામ ગરીબોને મળી ન હતી.

નાના વેપારીઓને પણ કોઈ મદદ ન મળી. ત્યાર પછી બૅન્કોમાં રોકડ તો આવી, પરંતુ નાના વેપારીઓને એટલું નુકસાન થયું હતું કે તેઓ બૅન્કો પાસેથી લોન લેવાની સ્થિતિમાં ન હતા. આ ઉપરાંત નાનાં અને મધ્યમ સાહસોને જે મદદ મળી તે મોટા અર્થતંત્રોની જેમ એક વખતની રોકડ સહાયતા ન હતી. પરંતુ સરકારી પ્રયાસોથી તેમના માટે બજારમાં પૂરતા પ્રમાણમાં તરલતા પેદા થઈ.

ચક્રવર્તી કહે છે કે, “સરકારના પૅકેજનું ફોકસ સપ્લાય સાઈડને મજબૂત કરવાનું હતું. તેમણે આમ કર્યું પણ ખરું. પરંતુ ડિમાન્ડ સાઈડ પર સરકારે પૂરતું ધ્યાન ન આપ્યું. તમે જોઈ શકો છો કે આ રીતે ભારે ધૂમધડાકા સાથે રજૂ કરવામાં આવેલા આર્થિક પૅકેજ માગને ઉત્તેજન આપવામાં નિષ્ફળ ગયા છે. નાણામંત્રીએ માગને મોટા પ્રમાણમાં વધારવાની જરૂર છે.”

દાસ માને છે કે કોઈ પણ રોકડ પૅકેજને રોજગાર સાથે જોડવો જોઈએ.

તેઓ કહે છે, “ગ્રામીણ વિસ્તારોમાં જે રીતે ગરીબ મજૂરો માટે મનરેગા યોજના છે જેના હેઠળ તેમને ત્રણ મહિના માટે રોજગાર મેળવવાની ગૅરંટી મળે છે.”


બેઝિક લઘુતમ સાર્વત્રિક આવક

https://twitter.com/bbcnewsgujarati/status/1354723419284267009

પ્રિયા રંજન દાસનું કહેવું છે કે “સરકારે હવે હિંમત દેખાડવી જોઈએ અને એ માનીને બજેટ તૈયાર કરવું જોઈએ કે વિવિધ કુશળતા ધરાવતા શ્રમિકો માટે બેઝિક લઘુતમ સાર્વત્રિક આવક યોજના શરૂ કરવાનો આ સૌથી સારો સમય છે.”

તેઓ કહે છે, “તે ચોક્કસ એક સાહસિકતાભર્યું પગલું હશે, પરંતુ તે એક યોગ્ય પગલું હશે. બૅન્ક ખાતામાં રોકડ જમા કરવાની જરૂર નથી. તે મનરેગાની જેમ એક રોજગાર ગૅરંટી યોજના સાથે જોડાયેલું હોવું જોઈએ.”

મનરેગા હેઠળ મજૂરીના બદલામાં મજૂરોના ખાતામાં સીધા રૂપિયા જમા થાય છે.

તેઓ કહે છે, “પ્રસ્તાવિત યોજના કૌશલ્યના વિવિધ સ્તરના મજૂરો અને ગ્રામીણ તથા શહેરી કામદારો માટે હોવી જોઈએ. તેમાં વર્ષમાં 100 દિવસ સુધી રોજગાર મળવાની ગૅરંટી હોવી જોઈએ.”

તેઓ માને છે કે જો રાજકીય ઇચ્છાશક્તિ હોય તો નાણામંત્રી આવું કરી શકે છે.

તેઓ કહે છે, “જુઓ, ભારત પાસે વિશ્વનો સૌથી મોટો રોજગાર ગૅરંટી કાર્યક્રમ મનરેગા લાગુ કરવાનો અને આટલા વર્ષો સુધી તેને ચલાવવાનો અનુભવ છે. આ એક એવી યોજના છે જેણે ગરીબી રેખા નીચે રહેલા 17 કરોડ લોકોના જીવનસ્તરને સુધારવામાં યોગદાન આપ્યું છે. આપણી પાસે અનુભવ છે. આપણે આ પ્રકારની બીજી યોજના પણ શરૂ કરી શકીએ છીએ.”

નાણાં ક્યાંથી આવશે?

https://twitter.com/bbcnewsgujarati/status/1354676408577101825

શું આ સૂચન લાગુ કરવામાં સંસાધનોની અછત એક અવરોધ બની શકે છે?

પ્રિયા રંજન દાસ આવું નથી માનતા. તેઓ કહે છે, “સરકાર સ્રોત એકઠા કરી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ઑઈલના નીચા ભાવ વચ્ચે ભારત સરકારે ચૂપચાપ વધારાના ટૅક્સ દ્વારા 20 લાખ કરોડ રૂપિયા એકઠા કર્યા છે. આપણે મગજ લગાવીને વિચારવાની જરૂર છે. નાણાકીય સંસાધનો એકઠાં કરવાં એ ઘણાં વર્ષો અગાઉ એક સમસ્યા હતી, પણ હવે એવું નથી.”

તેઓ પોતાના તર્કની તરફેણમાં કહે છે, “તમે 20 લાખ કરોડના આત્મનિર્ભરતા પૅકેજ (12 મે 2020ના રોજ વડા પ્રધાને તેની જાહેરાત કરી હતી)ને જુઓ તો તમને સમજાશે કે સંસાધનોની કોઈ સમસ્યા નથી. તમારી પાસે ઇચ્છાશક્તિ હોય તો તમે સંસાધનો એકઠા કરી શકો છો.”

ભારતના મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમે ગયા વર્ષે જુલાઈમાં જણાવ્યું હતું કે કોરોનાની રસી જ્યારે તૈયાર થશે ત્યારે એક મોટું સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવા માટે તે એક યોગ્ય સમય હશે.

ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી) દ્વારા આયોજિત એક વેબિનારમાં તેમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે આ “જો”નો મુદ્દો નહીં પણ “ક્યારે”નો મુદ્દો છે.

હવે ભારતમાં કોરોનાની રસી આપવાનું શરૂ થઈ ગયું છે ત્યારે ચક્રવર્તીને આશા છે કે નાણામંત્રી એક મોટા પૅકેજની જાહેરાત કરી શકે છે. જોકે, આલોક ચૂડીવાલા માને છે કે રોકડ માટે સરકાર પાસે મર્યાદિત વિકલ્પો છે.

તેઓ કહે છે, “સરકાર પાસે હાલમાં રોકડની સમસ્યા છે. સરકારે દરેક પગલાં ફૂંકી-ફૂંકીને ભરવા પડશે. આવકવેરો વધારવો ન જોઈએ. કદાચ કોરોના સેસ લાદવાનો વિચાર યોગ્ય રહેશે, કારણ કે આપણને આગામી કેટલાંક વર્ષો સુધી પુષ્કળ પ્રમાણમાં રૂપિયાની જરૂર પડશે.”

સામાન્ય રીતે કેન્દ્ર સરકાર પાસે રૂપિયા એકઠા કરવાના મુખ્યત્વે પાંચ રસ્તા હોય છે, (1) જીએસટીમાંથી 18.5 ટકા આવક, (2) કૉર્પોરેટ ટૅક્સમાંથી 18.1 ટકા, (3) વ્યક્તિગત આવકવેરામાંથી 17 ટકા, (4) એક્સાઈઝ ડ્યૂટીમાંથી 11 ટકા અને (5) કસ્ટમ્સમાંથી 5.7 ટકા.

છેલ્લા કેટલાક મહિનામાં જીએસટીની વસૂલાતમાં તેજી આવી છે. સરકારે વ્યક્તિગત આવકવેરો વધારવાના બદલે વધુ લોકો પાસેથી ટૅક્સની વસૂલી કરવાની જરૂર છે.

કેન્દ્રીય પ્રત્યક્ષ ટૅક્સ બોર્ડ (સીબીડીટી) દ્વારા જારી કરવામાં આવેલા 2018-19ના ટૅક્સ બ્રેકઅપના એક રિપોર્ટ પ્રમાણે 5.78 કરોડ લોકોએ પોતાના આવકવેરાનાં રિટર્ન ભર્યાં હતાં, જેમાંથી લગભગ 1.46 કરોડ લોકોએ ટૅક્સ ચૂકવ્યો હતો.

લગભગ એક કરોડ લોકોએ પાંચથી દસ લાખ રૂપિયાની વચ્ચે ટેક્સ ચૂકવ્યો હતો. બાકીના 46 લાખ વ્યક્તિગત કરદાતાઓએ 10 લાખથી ઉપરની આવક પર ટેક્સ ચૂકવ્યો હતો. લગભગ 135 કરોડ લોકોના દેશમાં હકીકતમાં ટૅક્સ ચૂકવનારાઓની સંખ્યા આટલી ઓછી છે.

સરકાર કોરોના ટૅક્સ લાદવાનો નિર્ણય લેશે તો તેનો બોજ કરદાતાઓના આ નાના સમૂહ પર પડશે.


ડિસઇન્વેસ્ટમેન્ટ અને ખાનગીકરણનાં લક્ષ્ય

https://www.youtube.com/watch?v=eXOe-G4Vhsw

સરકાર પાસે નાણાં એકત્ર કરવા માટે બીજા રસ્તા પણ છે.

નિર્મલા સીતારમણ ઇચ્છે તો જાહેર સાહસોમાંથી સરકારનો હિસ્સો વેચીને પણ નાણાં એકઠા કરી શકાય છે.સરકાર ઍર ઇન્ડિયા જેવી કેટલીક કંપનીઓનું ખાનગીકરણ કરીને અને સરકારની સોનાની લગડી જેવી મિલ્કતોની હરાજી કરીને અબજો રૂપિયા મેળવી શકે છે.

નાણામંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ વખતના બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટ (વિનિવેશ) અને ખાનગીકરણ પર ઘણો ભાર મૂકવામાં આવશે. પરંતુ સરકારે આ ક્ષેત્રમાં અત્યાર સુધી ખાસ સફળતા નથી મળી.

ગયા વર્ષના બજેટમાં સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ (વિનિવેશ) અને ખાનગીકરણ દ્વારા 215 કરોડ રૂપિયા એકઠા કરવાનો લક્ષ્ય રાખ્યો હતો. પરંતુ વર્ષ દરમિયાન સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા માત્ર 30,000 કરોડ રૂપિયા એકત્ર કરી શકી હતી.

કોરોના મહામારી તેના માટે એક મોટું કારણ હતું. પરંતુ અગાઉનાં વર્ષોમાં પણ સરકાર પોતાનું લક્ષ્ય સિદ્ધ કરી શકી ન હતી. આ વખતના બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટ, ખાનગીકરણ અને સરકારી સંપત્તિઓની હરાજીની જોગવાઈથી એવી આશા બંધાઈ છે કે તેનાથી સરકારી તિજોરીમાં મૂડી આવશે.

નાણામંત્રાલયના એક સૂત્રે તાજેતરમાં જ બીબીસીને જણાવ્યું કે, “ડિસઇન્વેસ્ટમેન્ટ પર વધારે ધ્યાન આપવામાં આવશે. અગાઉ ક્યારેય આટલા પ્રમાણમાં ડિસઇન્વેસ્ટમેન્ટ થયું નહીં હોય.”

આલોક ચુડીવાલા એ બાબતે અફસોસ વ્યક્ત કરે છે કે મોદી સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્ય સિદ્ધ કરવામાં મોટા ભાગે નિષ્ફળ રહી છે.

પરંતુ આ વખતે તેમને વિશ્વાસ છે કે આ લક્ષ્ય સાકાર થશે. કારણ કે સરકારને રૂપિયાની જરૂર છે અને આ માટે તે તે રાજકીય ઇચ્છાશક્તિ પણ દેખાડી રહી છે.

સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ અંગે મોટો લક્ષ્ય ધરાવતી હોય તે વિશે પ્રિયા રંજન દાસને કોઈ ફરિયાદ નથી. તેઓ કહે છે, “કોઈ પણ સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્ય સુધી પહોંચી શકતી નથી. પરંતુ ઊંચો લક્ષ્ય રાખવામાં કંઇ ખોટું નથી. તે નાણાકીય સંસાધનો એકત્ર કરવાનો એક રસ્તો છે પરંતુ તે સૌથી મહત્ત્વપૂર્ણ રસ્તો નથી.”

સરકારી થિંક ટેન્ક નીતિ આયોગે ડિસઇન્વેસ્ટમેન્ટ માટે 50થી વધારે સરકારી કંપનીઓના ખાનગીકરણ અને ડિસઇન્વેસ્ટમેન્ટની ભલામણ કરી છે.

શું કોરોના સેસ લગાવવો પડકારજનક બનશે?

https://www.youtube.com/watch?v=8SGCh-uUhNA

આલોક ચુડીવાલા માને છે કે નાણાં એકત્ર કરવા માટે સરકાર કોરોના સેસ લાદવાનો નિર્ણય લે તો તેમાં કોઇને વાંધો હોવો ન જોઈએ.

પ્રિયા રંજન દાસ પણ કહે છે કે તેઓ કોરોના સેસ ચૂકવવામાં પીછેહઠ નહીં કરે.

તેઓ કહે છે, “શિક્ષણ સેસ સફળ રહ્યો છે. કોરોના સેસ આપણી આરોગ્ય સુવિધાને વધુ સારી બનાવવામાં અને રસીકરણ અભિયાનને આગળ વધારવામાં મદદ કરશે. આપણે જ્યારે આરોગ્ય સંકટની વચ્ચે હોઈએ ત્યારે તેમાં ખર્ચમાં વૃદ્ધિને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ. હું કોરોના સેસની હિમાયત કરું છું.”

પરંતુ નાણામંત્રાલયે હજુ આના વિશે નિર્ણય નથી લીધો. હાલમાં આ અંગે વિચારણા ચાલુ છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://youtu.be/FcrnwGCflwM

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Union Budget 2021: Will the government be able to bring the country out of the economic crisis?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X