હિંસાની ઝપેટમાં બિહાર, સાસારામ બાદ નાલંદામાં હિંસા, ત્રણ લોકોને ગોળી વાગી

દેશમાં ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી હિંસક બની રહી છે. પશ્ચિમ બંગાળ બાદ બિહારમાં પણ હવે ભારે હિંસા જોવા મળી છે. સામે આવી રહેલા સમાચારો અનુસાર, બિહારના સાસારામમાં હંગામા બાદ નાલંદામાં હિંસા થઈ હોવાના અહેવાલ છે. અહીં ત્રણ લોકોને ગોળી વાગી હોવાના પણ અહેવાલ છે. શોભાયાત્રા દરમિયાન ભારે પથ્થરમારો અને આગની ઘટના ઘટી હતી. તણાવને જોતા હાલ ધારા 144 લાગુ કરાઈ છે.
આ મુદ્દે વાત કરતા નાલંદાના ડીએમ શશાંક શુભંકરે કહ્યું કે, અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. વિડિયો જોઈ રહ્યા છીએ, જેથી અમને ખબર પડે કે શું થયું. માર્કિંગ કરીને ઉપદ્રવ સર્જનાર તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું લોકોને વિનંતી કરું છું કે શહેરમાં કલમ 144 લાગુ છે તેથી ઘરમાં રહો. અફવાઓ પર ધ્યાન ન આપો.
સાસારામમાં રામ નવમીની ઉજવણી બાદ બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરાઈ છે. અહેવાલો અનુસાર, અહીં પથ્થરમારો અને ગોળીબાર થયા છે. એડીએમ ચંદ્રશેખરે આ મુદ્દે વાત કરતા જણાવ્યુ કે, આ બે જૂથો વચ્ચે તણાવની વાત છે અને આ દરમિયાન પથ્થરમારો પણ થયો છે. કેટલાક મકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આગ ઓલવવામાં આવી રહી છે. પ્રશાસને ઘટનાસ્થળે પહોંચીને સ્થિતી પર કાબુ મેળવ્યો છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.
બીજી તરફ સાસારામમાં રામનવમીના દિવસે શોભાયાત્રા બાદ પંડાલ ખાલી હતો તે દરમિયાન કેટલાક લોકો કથિત રીતે ત્યાં આવ્યા અને તોડફોડ કરી હતી. શોભાયાત્રા પૂરી થયા બાદ પંડાલમાં પહોંચેલા લોકોને ત્યાં તૂટેલી મૂર્તિ અને પંડાલ જોવા મળ્યો હતો. આ પછી બે પક્ષો સામસામે આવી ગયા હતા.












Click it and Unblock the Notifications
