Weather Update: ઉત્તર ભારતમાં ભીષણ ગરમી યથાવત, મહારાષ્ટ્ર-કર્ણાટકમાં ભારે વરસાદ
Weather Update: દિલ્હી NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આકરી ગરમી યથાવત છે. હવામાન વિભાગે દિલ્હીમાં 11 જૂનથી 14 જૂન સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં હીટવેવ યથાવત રહેશે. તીવ્ર ગરમીની સ્થિતિને જોતા કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ગરમી અને હીટવેવ યથાવત રહેશે. તેને જોતા 12 જૂને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 14-17 જૂન માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મંગળવારે દિલ્હીમાં તાપમાન 43.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગનું કહેવું છે કે 13થી 17 જૂન વચ્ચે તાપમાનનો પારો 43 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં લોકોને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને તડકામાં બહાર જવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે.
હિમાચલ પ્રદેશના મેદાની વિસ્તારોમાં આજથી ફરી એકવાર હીટવેવ જોવા મળી શકે છે. તેને જોતા હવામાન વિભાગે અહીં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં 17 જૂન સુધીમાં પ્રિ-મોનસૂન આવવાની સંભાવના છે, ત્યાર બાદ જ લોકોને ગરમીના મોજામાંથી રાહત મળી શકે છે.
હવામાન વિભાગ દ્વારા 12 જૂનથી આગામી 48 કલાક માટે હમીરપુર, ઉના, બિલાસપુર, મંડી, સોલન અને સિરમૌરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 14 જૂને મેદાની અને મધ્ય પર્વતીય વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જ્યારે 15 થી 17 જૂન સુધી સમગ્ર રાજ્યમાં હવામાન સ્વચ્છ રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં 22 જૂને ચોમાસું આવી શકે છે. આ પહેલા કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ગરમીનું મોજુ યથાવત રહેશે.
આ સાથે ગરમીના કારણે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થશે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હીમાં આકરી ગરમી યથાવત રહેશે. કેટલીક જગ્યાએ તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે.
મહારાષ્ટ્ર-કર્ણાટક, દક્ષિણ મધ્યપ્રદેશ, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા તેમજ તટીય અને ઉત્તર કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
