
Weather: બેંગલુરુમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ
નવી દિલ્લીઃ દેશના ઘણા રાજ્યોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ ઘણા રાજ્યો હજુ પણ ભારે વરસાદની ચપેટમાં છે. સોમવારથી કર્ણાટકમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજધાની બેંગલુરુના ઘણા વિસ્તારો તો સંપૂર્ણપણ જળમગ્ન થઈ ગયા છે. જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાયુ છે. અહીંના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બહાર પાણી ભરાઈ ગયા છે જેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બેંગલુરુમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
વળી, બેંગલુરુમાં કોનપ્પના અગ્રહારા પોલિસ સ્ટેશન વિસ્તારના એક ઘરમાં પાણી ભરાઈ જવાથી શૉર્ટ સર્કિટ થઈ જેના કારણે એક વ્યક્તિનુ મોત થઈ ગયુ. આ અંગેની માહિતી ડૉ. સંજીવ એમ પાટિલ, પોલિસ કમિશ્નરે મીડિયાને આપી છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે એક દિવસ પહેલા જ કર્ણાટકમાં ભારે વરસાદની ચેતવણી આપી હતી. હવામાન વિભાગે આજે પણ બેંગલુરુમાં ભારે વરસાદ અને વીજળીની સંભાવના વ્યક્ત કરી છે અને તેના કારણે અહીં એલર્ટ આપવામાં આવ્યુ છે. આઈએમડીએ આજથી લઈને 14 ઓક્ટોબર સુધી કેરળ અને માહેમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

ઉત્તર-પશ્ચિમ દિશાથી ફૂંકાઈ રહ્યા છે શુષ્ક પવનો
હવામાનની માહિતી આપતી ખાનગી સંસ્થા સ્કાઈમેટે કહ્યુ કે હાલમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશાથી સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે આવતા 24 કલાક દરમિયાન ગુજરાત, છત્તીસગઢ, મધ્ય પ્રદેશના મોટાભાગો, ઝારખંડ, બિહાર, મહારાષ્ટ્રના અમુક ભાગો, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થઈ શકે છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન
બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ શકે છે જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાઈ શકે છે. હાલમાં આગલા 24 કલાક દરમિયાન અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ અને તટીય કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદના અણસાર દેખાઈ રહ્યા છે. વળી, જમ્મુ કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફારાબાદમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સાના અમુક ભાગો, દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ, દક્ષિણ ગુજરાતના અમુક ભાગો અને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ થઈ શકે છે.
#WATCH | Karnataka: Heavy rainfall in Bengaluru causes waterlogging outside Kempegowda International Airport Bengaluru. Passengers were seen being ferried on a tractor outside the airport.
— ANI (@ANI) October 12, 2021
Visuals from last night. pic.twitter.com/ylHL6KrZof