ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત, હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીએ પોતાનો અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગ (IMD) ની તાજી આગાહી મુજબ, રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા ગરમ પવનોને કારણે તાપમાનનો પારો ઊંચકાશે.

ભેજ અને ગરમીનો બેવડો માર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનોની દિશા બદલાતા ગરમીની સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ જળવાઈ રહેશે, જેના કારણે સામાન્ય કરતા વધુ ઉકળાટ અને બફારો અનુભવાશે. ખાસ કરીને અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
રાજ્યના મુખ્ય શહેરોનું તાપમાન
છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલ તાપમાનના આંકડા નીચે મુજબ છે:
શહેર | તાપમાન (ડિગ્રી સેલ્સિયસમાં)
ભુજ | 39.0°
રાજકોટ | 38.8°
સુરેન્દ્રનગર | 38.7°
ગાંધીનગર | 38.0°
વડોદરા | 38.0°
અમદાવાદ | 37.6°
ડીસા | 37.2°
કેશોદ | 37.0°
આગામી 90 દિવસ રહેશે ભારે: IMD
હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, આગામી ત્રણ મહિના (90 દિવસ) દરમિયાન દેશના મેદાની અને અંતરિયાળ વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. માર્ચ મહિનામાં જ ગુજરાત સહિત મધ્ય ભારતમાં હીટવેવના દિવસોની સંખ્યા સામાન્ય કરતા વધુ રહી શકે છે. આ ગાળા દરમિયાન લૂ લાગવાના કિસ્સાઓમાં પણ વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે.
દેશના અન્ય રાજ્યોની સ્થિતિ
- ઉત્તર ભારત: પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતા 3 થી 5 ડિગ્રી ઊંચું જઈ શકે છે.
- હિમવર્ષા અને વરસાદ: એક તરફ ગરમી વધી રહી છે, ત્યારે બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે.
- પૂર્વોત્તર ભારત: પૂર્વ ભારતના રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં હાલ પશ્ચિમ અને મધ્ય ભાગમાં તાપમાનમાં ઝડપી ઉછાળો જોવા મળી રહ્યો છે, જે આગામી દિવસોમાં નાગરિકોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.












Click it and Unblock the Notifications
