ઈરાની હુમલામાં બે અમેરિકી સૈનિકોના મોત, એક ગુમ; ટ્રમ્પની સેનાએ કરી સત્તાવાર પુષ્ટિ
પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ દરમિયાન અમેરિકાને એક મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે ૧૭ જુલાઈના રોજ જોર્ડનમાં ઈરાન દ્વારા કરવામાં આવેલા બેલેસ્ટિક મિસાઆઈલ અને ડ્રોન હુમલામાં બે અમેરિકી સૈનિકો શહીદ થયા છે, જ્યારે એક સૈનિક હજુ પણ ગુમ છે.
આ હુમલો એવા સમયે થયો જ્યારે અમેરિકા અને તેના સહયોગી દેશોની સેનાઓ ઈરાનના હવાઈ હુમલાને રોકવાનો પ્રયાસ કરી રહી હતી. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે મિડલ ઈસ્ટનો આ સંઘર્ષ હવે સીધો અમેરિકી સેના માટે ભારે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે.

ઈરાની હુમલામાં બે અમેરિકી સૈનિકોના મોત
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના જણાવ્યા અનુસાર, ૧૭ જુલાઈના રોજ જોર્ડનમાં ઈરાન તરફથી મોટો બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકી સુરક્ષા દળો આ હુમલાને નિષ્ફળ બનાવવામાં લાગ્યા હતા, પરંતુ તે દરમિયાન બે અમેરિકી જવાનોએ જીવ ગુમાવ્યો હતો. CENTCOM એ શનિવારે એક નિવેદન જાહેર કરીને આ અંગેની માહિતી આપી છે. જો કે, અમેરિકી સેનાએ જણાવ્યું છે કે હાલમાં શહીદ થયેલા સૈનિકોની ઓળખ જાહેર કરવામાં આવશે નહીં. પ્રોટોકોલ મુજબ પહેલા તેમના પરિવારોને સત્તાવાર જાણ કરવામાં આવશે, ત્યારબાદ જ તેમના નામ સાર્વજનિક કરાશે.
એક સૈનિક હજુ પણ ગુમ, સર્ચ ઓપરેશન ચાલુ
અમેરિકી સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, હુમલા બાદ એક અમેરિકી સૈનિક હજુ પણ ગુમ છે. તેને શોધવા માટે સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. હાલ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે તે સૈનિક હુમલામાં માર્યો ગયો છે, ઘાયલ થયો છે કે પછી અન્ય કોઈ જગ્યાએ ફસાઈ ગયો છે. અમેરિકી સેનાએ જણાવ્યું કે જ્યાં સુધી સર્ચ ઓપરેશન પૂરું ન થાય ત્યાં સુધી આ બાબતે વધુ વિગતો શેર કરવામાં આવશે નહીં.
ચાર ઘાયલ સૈનિકો સારવાર બાદ ફરજ પર પરત ફર્યા
આ ભીષણ હુમલામાં અન્ય ચાર અમેરિકી સૈનિકો પણ ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે જોર્ડનની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે તમામ ઘાયલ સૈનિકોની સ્થિતિ હવે સારી છે અને સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ સિવાય અન્ય કેટલાક સૈનિકોને નજીવી ઈજાઓ થઈ હતી, જેમની ઘટનાસ્થળે જ સારવાર કરવામાં આવી હતી. આ તમામ જવાનો હવે પાછા પોતાની ડ્યુટી પર જોડાઈ ગયા છે.
પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ
જોર્ડનમાં થયેલો આ હુમલો દર્શાવે છે કે પશ્ચિમ એશિયાનો સંઘર્ષ હવે અત્યંત ગંભીર વળાંક પર પહોંચી ગયો છે. છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલી આ લડાઈમાં પહેલીવાર અમેરિકી સેનાને આટલું મોટું પ્રત્યક્ષ નુકસાન વેઠવું પડ્યું છે. બે સૈનિકોના મોત અને એક સૈનિક ગુમ થવાની પુષ્ટિ થયા બાદ હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકી પ્રશાસન પર ઈરાન વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરવાનું દબાણ વધી ગયું છે. આ પરિસ્થિતિને જોતા આગામી દિવસોમાં આ વિસ્તારમાં તણાવ અને યુદ્ધ વધુ ભડકે તેવી આશંકા સેવાઈ રહી છે.












Click it and Unblock the Notifications
