કોણ છે આ અલગ ખાલિસ્તાનનુ સપનુ જોનાર અમૃતપાલ સિંહ? બનાવી રહ્યો હતો ખુદની સેના, શોધી રહી છે પોલીસ
ખાલિસ્તાન અલગાવવાદી નેતા અને વારિસ પંજાબ દેના પ્રમુખ અમૃતપાલ સિંહને પકડવા માટે પંજાબમાં સર્ચ અભિયાન આજે પણ ચાલુ છે.

Khalistani leader Amritpal Singh: ખાલિસ્તાન અલગાવવાદી નેતા અને વારિસ પંજાબ દેના પ્રમુખ અમૃતપાલ સિંહને પકડવા માટે પંજાબમાં સર્ચ અભિયાન આજે પણ ચાલુ છે. જો કે, વારિસ પંજાબ દેના વકીલનો દાવો છે કે પોલીસે અમૃતપાલ સિંહની ધરપકડ કરી લીધી છે પરંતુ આની સૂચના હજુ સુધી આપવામાં આવી નથી. પંજાબ પોલીસ કહી રહી છે અમૃતપાલ ફરાર છે.
પંજાબ પોલીસે દાવો કર્યો છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને સ્થિતિ નિયંત્રણમાં છે. ખૂણે-ખૂણે પોલીસ ટીમ તૈનાત છે. એસએપી અને એસપીના નેતૃત્વમાં અર્ધસૈનિક બળોની કંપનીઓ આખા રાજ્યમાં ફ્લેગ માર્ચ કરી રહી છે. શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે શાંતિ સમિતિની બેઠકો કરવામાં આવી છે. અમૃતપાલ સામે શરુ થયેલ પંજાબ પોલીસના ક્રેક ડાઉન બાદ અત્યાર સુધી સમગ્ર પંજાબમાં વારિસ પંજાબ દે(WPD) સંગઠનના 112 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. તેમાંથી 78 શનિવારે જ્યારે 34 રવિવારે પકડાયા.
પરિવારને એનકાઉન્ટરનો ડર
બીજી તરફ અમૃતપાલ સિંહના પિતા તરસેમ સિંહ(61)એ ઈન્ડિયા ટુડે ટીવીને જણાવ્યુ કે પોલીસે તેમના દીકરાની ધરપકડ કરી લીધી છે પરંતુ ખુલાસો નથી કરી રહી. પરિવારને ડર છે કે અમૃતપાલ સિંહને એન્કાઉન્ટરમાં મારવામાં આવી શકે છે. પિતા તરસેમે કહ્યુ કે, 'મારો દીકરો આઈએસઆઈનો એજન્ટ નથી. તે માત્ર ધર્મનો પ્રચાર કરી રહ્યો હતો અને લોકોને ડ્રગ્સ છોડવામાં મદદ કરી રહ્યો હતો. પોલીસે ડ્રગ માફિયાઓ સામે કાર્યવાહી ન કરી પરંતુ જે વ્યક્તિ લોકોને જાળમાં ફસાવવાથી બચાવી રહ્યો હતો તેને હેરાન કરવામાં આવી રહ્યો છે.'
અમૃતપાલના વકીલનો પણ દાવો છે કે પોલીસ અમૃતપાલની ધરપકડ કરી ચૂકી છે. ધરપકડ બાદ 24 કલાકમાં તેને અદાલતમાં હાજર કરવાનો હતો પરંતુ આમ કરવામાં આવ્યુ નહિ. વકીલે અમૃતપાલના જીવનો જોખમ જણાવીને હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરી છે.
કોણ છે અમૃતપાલ સિંહ
અમૃતપાલ સિહ વારિસ દે પંજાબ નામના સંગઠનનો પ્રમુખ છે જેને અભિનેતા દીપ સિંધુએ શરુ કર્યુ હતુ. દીપ સિંધુના ગયા વર્ષે મોત બાદ અમૃતપાલ સિંહ આ સંસ્થાનો નેતા બની ગયો. તમને જણાવી દઈએ કે ખેડૂત આંદોલન દરમિયાન ગણતંત્ર દિવસ પર દીપ સિંધુની હિંસાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. અમૃતપાલ સિંહનો જન્મ પંજાબના જલ્લૂપુર ખેરામાં થયો હતો. તે સ્વયંભૂ ઉપદેશક છે જે પોતાને શીખ સમાજનો પ્રતિનિધિ ગણાવે છે. તેણે થોડા સમય પહેલા બ્રિટનમાં રહેતી એનઆરઆઈ કિરણદીપ કૌર સાથે લગ્ન કર્યા છે.
ભિંડરાવાલેને માને છે પ્રેરણા
અમૃતપાલ દાવો કરે છે કે તે યુવાનોને ડ્રગ્સની જાળમાંથી બહાર કાઢશે. આ ઘોષણા પછી પંજાબ અને ભારતના અન્ય ભાગોમાં તેના ફોલોઅર્સની સંખ્યા વધી ગઈ. અમૃતપાલ સિંહ ખાલિસ્તાની સમર્થક જરનૈલ સિંહ ભિંડરાવાલેના પોતાનો આદર્શ ગણાવે છે. એક રિપોર્ટ મુજબ તે ભિંડરાવાલે જેવા જ કપડા પહેરે છે. ઉલ્લેખનીય છે કે જરનૈલ સિંહ ભિંડરાવાલેને ઈન્દિરા ગાંધીની સરકાર દરમિયાન ઑપરેશન બ્લૂ સ્ટારમાં ઠાર મારવામાં આવ્યો હતો.
જો કે, સંત જરનૈલ સિંહ ભિંડરાનવાલાના ભત્રીજા જસબીર સિંહ રોડે વારિસ પંજાબ દે જાથેબંધીના વડા અમૃતપાલ સિંહથી અંતર જાળવ્યુ છે. જસબીર સિંહે કહ્યું કે તેમને અમૃતપાલ સિંહની વિચારધારા સાથે કોઈ લેવાદેવા નથી. અમૃતપાલ ભિંડરાવાલાની જગ્યા લઈ શકે નહીં. તેઓ એક અલગ વ્યક્તિત્વ હતા. તેમણે ક્યારેય ખાલિસ્તાન બનાવવાની માંગ કરી નથી.
ખેડૂત આંદોલનથી આવ્યો ચર્ચામાં
અમૃતપાલ સિંહે દુબઈમાં પોતાના પરિવારના ટ્રાન્સપોર્ટ બિઝનેસમાં 10 વર્ષ સુધી કામ કર્યુ. ખેડૂતો આંદોલન વખતે તે ચર્ચામાં આવ્યો. ગયા વર્ષે અમૃતપાલના સમર્થકોએ જલંધરમાં મૉડલ ટાઉન ગુરુદ્વારામાં તોડફોડ કરી હતી અને ખુરશીઓ અને સોફામાં આગ લગાવી દીધી હતી. કપૂરથલા જિલ્લાના બિહારીપુરા ગામ સ્થિત ગુરુદ્વારામાં પણ તોડફોડ કરવામાં આવી હતી. સમર્થકોનુ કહેવુ હતુ કે આ શીખ ધર્મની શિક્ષાઓ વિરુદ્ધ છે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહથી લઈને પંજાબના સીએમ ભગવંત માનને પણ અમૃતપાલ પડકાર આપી ચૂક્યો છે. તેણે પંજાબના યુવાનોને નશો છોડાવવાના નામે પોતાની સાથે જોડી રહ્યો હતો પરંતુ સાથે પંજાબના ખાલિસ્તાન લહેર પણ ઉભી કરી રહ્યો હતો. તેને સામે હેટ સ્પીચ સહિત ઘણા અન્ય મામલે કેસ નોંધાયેલા છે. વારિસ પંજાબ દેનો પ્રમુખ બનતા જ દેશની સરકાર અને સિસ્ટમને ચેલેન્જ કરવા લાગે છે. તેણે કેન્દ્રીય મંત્રી અમિત શાહને લલકારીને કહ્યુ હતુ કે ઈન્દિરા ગાંધીએ પણ કચડવાની કોશિશ કરી હતી, હવે અમિત શાહ પણ પોતાની ઈચ્છા પૂરી કરીને જોઈ લે.
અમૃતપાલ સિંહ તૈયાર કરી રહ્યો હતો પોતાની સેના
પંજાબ પોલીસનો દાવો છે કે જ્યારે અમૃતપાલ સિંહના મૂળ ગામ જલ્લુપુર ખેડામાં તેમના ઘરની તલાશી લેવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે પોતાની સેના તૈયાર કરી રહ્યો હતો. પોલીસનો દાવો છે કે અમૃતપાલ ભિંડરાવાલે ટાઈગર ફોર્સ જેવી સંસ્થા બનાવી રહ્યો હતો. પોલીસને તેના ઘરમાંથી એકેએફ ચિહ્નિત જેકેટ મળી આવ્યા છે. પોલીસે એકેએફનો અર્થ 'આનંદપુર ખાલસા ફોર્સ' હોવાનું જણાવ્યું છે. ઘરની દિવાલો પર એકેએફ લખેલું પણ જોવા મળ્યું હતું.
પરિવારે અમૃતપાલ સિંહને શોધવા માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી છે. જોકે પોલીસના જણાવ્યા મુજબ તે ફરાર છે. આ અરજી બંધારણની કલમ 226 હેઠળ દાખલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અમૃતપાલ સિંહને પોલીસે બળજબરીથી અટકાયતમાં લીધા છે.












Click it and Unblock the Notifications
