For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રનાં 50 ગામ ગુજરાતમાં ભળવા માટે આંદોલન કેમ કરવા માગે છે?

મહારાષ્ટ્રનાં 50 ગામ ગુજરાતમાં ભળવા માટે આંદોલન કેમ કરવા માગે છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
સુરગાણા તાલુકા સીમા સંઘર્ષ સમિતીના આગેવાનોએ ગુજરાતના નવસારી જિલ્લાના વાસદા ખાતે જિલ્લા અધિકારીને આવેદનપત્ર આપીને પોતાની માગ પૂરી કરવા રજુઆત કરી હતી.

મહાગુજરાત ચળવળ બાદ 1લી મે 1960ના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી.

આજે 62 વર્ષ બાદ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદના ગામોમાં શરૂ થયેલી એક ચળવળને કારણે ફરી બંને રાજ્યની સરહદની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નાસિક જિલ્લાનાં આદિવાસી વિસ્તારના 50 ગામડાં તેમને ગુજરાત રાજ્યમાં સમાવવાની માગણી કરી રહ્યાં છે.

આ ગામોના લોકોએ સુરગાણા તાલુકા સીમા સંઘર્ષ સમિતિ(એસએસએસ)ની રચના કરી છે, જેણે 50 હજારથી વધારેની વસતી ધરાવતા આ ગામડાંનો ગુજરાતમાં સમાવેશ કરવા માટે સંઘર્ષ શરૂ કર્યો છે.

સુરગાણા તાલુકા સીમા સંઘર્ષ સમિતિના આગેવાનોએ ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા ખાતે જિલ્લા અધિકારીને આવેદનપત્ર આપીને પોતાની માગણી પૂરી કરવા રજૂઆત કરી હતી.

અગામી દિવસોમાં આ મુદ્દો વધુ ચર્ચા જગાવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગ્રે લાઇન

સુરગાણા તાલુકા સીમા સંઘર્ષ સમિતિ બનાવી

ચિંતામણી ગાવિત મહારાષ્ટ્ર સરકારના નાશિક જિલ્લાના પ્રભારી મંત્રી દાદા ભૂસે સાથેની બેઠક બાદ

સુરગાણા તાલુકા સીમા સંઘર્ષ સમિતિના પ્રમુખ ચિંતામણી ગાવિત બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "અમારા વિસ્તારમાં સ્વાસ્થ્ય સુવિધાઓનો અભાવ છે તેમજ શિક્ષણ વ્યવસ્થા પણ ખાડે ગયેલી છે. અમારા વિસ્તારમાં રોડ રસ્તા ખુબ જ ખરાબ છે. અમારા વિસ્તારનો વિકાસ થયો નથી. અમારી પાસેના ગુજરાત રાજ્યમાં આવેલા ગામોનો વિકાસ અમારા વિસ્તાર કરતા વધારે સારો છે. અમારા વિસ્તારમાં વીજળીનો પણ અભાવ છે. અમને પૂરતો વીજ પુરવઠો મળી રહ્યો નથી. જેના કારણે અમારે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે."

તેઓ ઉમેરે છે, "આ ગામડાઓના મોટાભાગના લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે ગુજરાતના શહેરો પર નિર્ભર છે. અમે વિરોધ શરુ કર્યો તો સ્થાનિક કર્મચારીઓ અને નેતાઓએ અમારી સાથે મુલાકાત કરી હતી અને કાર્યવાહીનું આશ્વાસન આપ્યુ હતું પરંતુ જો અમારી માંગ પૂરી નહીં થાય તો અમે ચળવણને ઉગ્ર બનાવીશું."

ભાષા, વસ્તી અને રોટીબેટી તેમજ અન્ય સામાજિક રિવાજના પ્રશ્ન અંગે ચિંતામણી ગાવિત કહે છે, "ગુજરાતના વિસ્તારમાં બોલાતી ભીલી બોલી જ અમારી ભાષા છે. ગુજરાતની વિવિધ જ્ઞાતિઓ જેવી કે ગાવિત, ચૌધરી, દેશમુખ, જાદવ વગેરે જ્ઞાતિના લોકો અહીં રહે છે. ગુજરાત સાથે અમારા વિસ્તારનો રોટી અને બેટીનો વ્યવહાર પણ છે. અમારા વિસ્તારની દીકરીઓ ગુજરાતમાં પરણાવીએ છીએ અને ગુજરાતની દીકરીઓ અમારા વિસ્તારમાં પરણાવવામાં આવે છે. અમારા સામાજિક રિવાજો પણ લગભગ સરખા જ છે. અમે ગુજરાતમાં આવવા માંગીએ છીએ. આ માટે અમે અમારા ગામોને ગુજરાતમાં ભેળવવા માટેની કવાયત શરૂ કરી છે અને સીમા સંઘર્ષ સમિતિ બનાવી છે."

સુરગાણા તાલુકાનો નક્શો

સીમા સંઘર્ષ સમિતીએ આપેલાં આવેદનપત્રમાં મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સુરગાણા તાલુકાના સરહદી વિસ્તારના ગામોને ગુજરાતમાં સમાવવાની માંગણી ઉચ્ચારી છે સાથે તેમણે આવેદનપત્રમાં રજૂઆત કરી છે કે, "ગુજરાતના સરહદી ગામોના વિસ્તારો અને મહારાષ્ટ્રના સરહદી ગામોનો વિસ્તારોમાં સુવિધા અને વિકાસ પ્રવૃત્તિમાં ઘણો તફાવત છે. ગુજરાતમાં સરહદી વિસ્તારોના નાગરિકો માટે રસ્તા, આરોગ્ય, પાણી, સંદેશાવ્યવહાર, વીજળી પુરવઠો વગેરે સારી સ્થિતિમાં છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સુરગાણા તાલુકાના ગામોમાં રસ્તાઓની હાલત અત્યંત બિસમાર છે. 24 કલાક વીજ પુરવઠો નથી. દર વર્ષે પાણીની અછત સર્જાય છે. સિંચાઈ યોજનાઓ નથી તેથી ખેતી વરસાદના પાણી પર આધારિત છે. મજૂર સ્થળાંતર અટક્યું નથી. જે સર્વાંગી વિકાસ થવો જોઈતો હતો તે થયો નથી."

તેમણે આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે, "મે, 1961માં ગુજરાત અને મહારાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યા તે પહેલાં વઘઈ, આહવા અને ડાંગ મુંબઈ રાજ્યનો ભાગ હતા. ડાંગ સેવા મંડળ નાસિકના તત્કાલીન નિયામક કે. દત્તાત્રેય મલ્હારરાવ બિડકર દાદાએ વઘઈ તાલુકાના રંભાસ, આહવા ખાતે મરાઠી શાળાઓ શરૂ કરી હતી. તે શાળાઓને ગુજરાત સરકારમાં તબદીલ કરવામાં આવી હતી. મોરારજી દેસાઈએ ડાંગના જંગલ વિસ્તારને સાપુતારા સાથે ગુજરાત રાજ્યમાં ભેળવી દીધો હતો જ્યારે સરહદી વિસ્તારને મહારાષ્ટ્રમાં ઉમેરી દીધો હતો. આજે પણ ગુજરાત રાજ્યની સરહદે આવેલાં સુરગાણા તાલુકાનો ભાગ અત્યંત દુર્ગમ, અવિકસિત, પછાત અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઉપેક્ષિત છે. અહીંના નાગરિકો મૂળભૂત સુવિધાઓથી વંચિત છે."

આરોગ્ય સેવાનો ઉલ્લેખ કરતા આવેદનપત્રમાં વધુમાં ઉમેર્યું છે કે, "ગુજરાત રાજ્યમાં આરોગ્ય સેવા સત્વરે પૂરી પાડવામાં આવે છે, ખૂબ જ ઝડપી ગતિએ દર્દીની સંભાળ લેવા માટે ઍમ્બ્યુલન્સ પૂરી પાડવામાં આવે છે. હૉસ્પિટલ સુવિધાઓ વિકસાવવવામાં આવી છે. ખાનગી, સરકારી, સેવાભાવી સંસ્થાઓ દ્વારા નજીવી ફીમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. મહારાષ્ટ્રમાં જિલ્લાની હૉસ્પિટલોમાં દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી. મહારાષ્ટ્રમાં યોગ્ય સારવાર મળતી નથી, જેથી સરહદી વિસ્તારના તમામ નાગરિકો આરોગ્યની સેવાઓ મેળવવા માટે ગુજરાત આવે છે."

શિક્ષણ અને કૃષિ અંગે આવેદનપત્રમાં જણાવ્યું છે કે, "શિક્ષણ ક્ષેત્રને ધ્યાનમાં લઈએ તો મહારાષ્ટ્રના સુરગાણા તાલુકામાં હજુ પણ આઈટી, ઍગ્રિકલ્ચર કૉલેજ, મેડિકલ કૉલેજ જેવી ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ નથી. આ તમામ પ્રકારની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની સુવિધાઓ ગુજરાતના દૂર કહેવાતાં શહેરોમાં ઉપલબ્ધ છે. કૃષિ સિંચાઈને ધ્યાનમાં લઈએ તો સુરગાણા તાલુકામાં સરેરાશ 2000થી 2200 મિલિમિટર વરસાદ પડે છે. વૅસ્ટર્ન ચેનલ નદીઓ નજીકના અરબી સમુદ્રમાં પાણી વહન કરે છે. આ નદીઓ પર કોઈ ડૅમ કે સિંચાઈની યોજનાઓ નથી અથવા સાંકળ સિમૅન્ટ ડૅમ બાંધવામાં આવ્યા નથી. તેથી ખેતી માટે સિંચાઇનું પાણી ઉપલબ્ધ નથી. ગુજરાત રાજ્યમાં નાર, પાર, અંબિકા, કાવેરી, તાન, માન, દમણગંગા એ જ નદીઓ પર સિંચાઈ યોજનાઓ બનાવવામાં આવી છે. જે મહારાષ્ટ્રમાં જોવા મળતું નથી."

ગ્રે લાઇન

ગામોની સમસ્યા અને સંસ્કૃતિ

ચિંતામણી ગાવિત મહારાષ્ટ્ર સરકારના નાશિક જિલ્લાના પ્રભારી મંત્રી દાદા ભૂસે સાથેની બેઠક બાદ

આ ગામોની પાણીની સમસ્યા અંગે આવેદનપત્રમાં જણાવ્યું છે કે, "ઉનાળા દરમિયાન ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારના એકપણ ગામમાં પાણીની અછતની સ્થિતિ નથી. નળથી પાણી પુરવઠો પુરો પાડવાની યોજના દ્વારા દરેક ગામને પાંચથી સાત કિલોમિટર સુધી પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. સુરગાણા તાલુકાના ત્રીસથી ચાલીસ ગામોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. મોબાઇલ સેવાઓના સંદર્ભમાં મહારાષ્ટ્ર સરકારે આ સરહદી ગામોને મોબાઇલ ફોન સેવાઓ પ્રદાન કરી નથી. હજુ પણ 75 ટકા તાલુકામાં મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ નથી. ગુજરાત રાજ્યના નેટવર્કની રેન્જ શોધવા માટે વૃક્ષ કે ઊંચી ટેકરી કે ઘરની છત પર ચઢવું પડે છે."

આવેદનપત્રમાં વીજળી અંગે જણાવ્યું છે કે, "વીજળીની વાત કરીએ તો, તાલુકાના સરહદી વિસ્તારના ગામોમાં વરસાદી ઋતુમાં એક અઠવાડીયા સુધી વીજળી હોતી નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં 24 કલાક પૂરો વીજ પુરવઠો મળ્યો નથી. તાલુકામાં ગમે ત્યારે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. દેવસણે ખાતે મોટું પાવર સ્ટેશન બનાવવામાં આવે તો આ વીજ સમસ્યા હલ થઈ શકે તેમ છે પરંતુ તે સંદર્ભે કોઈ પ્રયાસ કરવામાં આવતા નથી પરંતુ પડોશી રાજ્ય ગુજરાતમાં વીજ પુરવઠો સામાન્ય રીતે વિક્ષેપિત થતો નથી. સુરગાણા તાલુકાના છેવાડાના વિસ્તારોમાં આવી સુવિધા ક્યારે મળશે? ગુજરાત રાજ્યમાં ખેડૂતો કે મજૂરો આત્મહત્યા કરતા નથી તેથી આ મહારાષ્ટ્રના સરહદી ગામોને ગુજરાત રાજ્યમાં ઉમેરવા જોઈએ."

આ ગામોમાં આદિવાસી સંસ્કૃતિને લઈને આવેદનપત્રમાં વિગતે જણાવ્યું છે કે, "ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજ આદિવાસી પહેરવેશ, રીતિ-રિવાજો, પરંપરાઓ, બોલી, સંસ્કૃતિ, રહેણીકરણી, વિનિમય, રોટી બેટીનો વેપાર, સગા-સંબંધીઓ વગેરેની દ્રષ્ટિએ એકરૂપ હોવાથી આ ભાગને ગુજરાત રાજ્ય સાથે જોડવો જોઈએ. સુરગાણા તાલુકાના સરહદી વિસ્તારના આદિવાસી લોકોનો સંપર્ક શિક્ષણ ક્ષેત્ર સિવાય સંપૂર્ણપણે ગુજરાત રાજ્ય સાથે સંબંધિત છે. આ વિસ્તારના 70 ટકા નાગરિકોનો તાલુકા સાથે કોઈ સંપર્ક નથી. અમુક સરકારી અથવા શૈક્ષણિક, મહેસૂલી કામો ઉપરાંત, અન્ય કૃષિ ઓજારો, યાંત્રિક, મશીનરી, બાંધકામ સામગ્રી, તમામ કાર્યો ગુજરાત રાજ્ય સાથે સંબંધિત છે તો ગુજરાત રાજ્ય સાથે સો ટકા સંપર્ક છે. કેટલાક ભાગોને તા. 1 મે 1961 પહેલાની જેમ ગુજરાત રાજ્ય સાથે જોડી દેવા જોઈએ. જેથી કરીને અમને ગુજરાત રાજ્ય જેવી ભૌતિક સુવિધાઓ મળે અને અમારી અને આવનારી પેઢી માટે ઉપયોગી બને તેવો વિકાસ સાધી શકાય."

ઉલ્લેખનીય છે કે, ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાનીમાં મહાગુજરાત ચળવળ બાદ તા.1લી મે 1960ના રોજ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતુ. આ પહેલાં મહારાષ્ટ્ર અને ગુજરાત બંને બોમ્બે પ્રોવિન્સનો ભાગ હતા.

ભાષા આધારે રાજ્યની રચના મુદ્દે ગુજરાતમાં ભારે સંઘર્ષ થયો હતો પછી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી જોકે, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય અલગ બન્યા બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે કેટલાક વિસ્તારોને લઇને પણ વિચાર-વિમર્શ થયો હતો.

બીબીસી ગુજરાતી

શું આ મુદ્દે રાજકારણ થઈ રહ્યું છે?

નાશિક જિલ્લાના પ્રભારી મહારાષ્ટ્ર સરકારના મંત્રી દાદા ભૂસે

ગાવિતે જણાવ્યું કે, જે પ્રકારે તેમણે વાંસદાના મામલતદારને આવેદનપત્ર આપ્યું છે, તે જ પ્રકારે તેમણે સુરગાણા તાલુકાના મામલતદારને પણ આ પ્રકારનું આવેદપત્ર આપ્યું છે. આ મુદ્દે તેમણે મહારાષ્ટ્ર સરકારના નાસિક જિલ્લાના પ્રભારી મંત્રી દાદા ભૂસે સાથે પણ બેઠક કરી હતી. દાદા ભૂસે મહારાષ્ટ્રની સરકારમાં બંદર વિકાસ અને ખાણ વિભાગના મંત્રી છે.

આ વિશે બીબીસીના નાસિકના સંવાદદાતા પ્રવીણ ઠાકરેએ આ બેઠકની પુષ્ટિ કરીને માહિતી આપતા કહ્યું હતું કે, “બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મંત્રી દાદા ભૂસે કહ્યું હતું કે, આ મુદ્દે રાજકારણ થઈ રહ્યું છે. ચિંતામણી ગાવિત રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના તાલુકાના આગેવાન છે. મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, 50 ગામોમાંથી 12 ગામના સરપંચોએ આ માંગણીમાંથી પાછળ હટી જતાં જણાવ્યું હતું કે, તેમના ગામોની આ સમસ્યાઓ તો છે, તેમ છતાં તેઓ મહારાષ્ટ્ર સાથે જ જોડાઈ રહેવાનું પસંદ કરશે.”

ચિંતામણી ગાવિત રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સુરગાણા તાલુકાના પ્રમુખ છે. પરંતુ તેઓ ગુજરાત સાથે 50 ગામોને ભેળવવાની માંગણીમાં કોઈ રાજકારણ ન હોવાનો દાવો કરી રહ્યા છે.

તેમણે કહ્યું, “આ એક મહત્ત્વનો મુદ્દો છે અને અમારી જરૂરિયાતનો મુદ્દો છે. મારી રાજકીય ઓળખ કે પક્ષ સાથેનું જોડાણ અમારી માંગણી માટેના સંઘર્ષને અડચણરૂપ ન બને તે માટે હું પક્ષમાંથી પણ રાજીનામું આપીને અમારી માંગણીને પૂરી કરવામાં મારૂં ધ્યાન કેન્દ્રીત કરવાનો છું.”

ગુજરાતનું વહીવટીતંત્ર શું કહે છે?

કલેક્ટર અનુસાર, આ પ્રકારના કેસમાં ભારતીય બંધારણની કલમ 3 મુજબ એક રાજ્યમાંથી બીજા રાજ્યની સરહદ ભળવાની વાત હોય ત્યારે બંને રાજ્યની વિધાનસભામાં ઠરાવ પસાર કરવામાં આવે છે શકે છે.

દક્ષિણ ગુજરાતના ડાંગ-આહવા અને મહારાષ્ટ્રના નાસિક જિલ્લાને અડીને આવેલા સરહદી વિસ્તારોમાં મોટાભાગે આદિવાસી સમુદાયના ગામો છે. હવે મહારાષ્ટ્રના સરહદી ગામો ગુજરાતમાં ભળવા માટે સંઘર્ષ શરુ કર્યો છે તે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

આ મુદ્દે અમે વધુ વિગતો માટે વહીવટીતંત્રનો સંપર્ક કર્યો. વાસદા તાલુકાના મામલતદાર એમ. એસ. વસાવાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "નાસિક જિલ્લાના સરગણા તાલુકાના કેટલાક ગામોના લોકો દ્વારા મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં જોડાવા માટે અમને આવેદનપત્ર આપ્યું છે. આ ગામોના લોકોની પ્રાથમિક સુવિધાઓના અભાવે ગુજરાતમાં જોડાવાની માંગ છે. જોકે, આ નીતિ વિષયક નિર્ણય છે. જેથી અમે આ આવેદનપત્ર કલેક્ટર કચેરીમાં મોકલી આપ્યું છે."

આવેદનપત્રની સ્થિતિ જાણવા માટે અમે નવસારી કલેક્ટર કચેરીનો સંપર્ક કર્યો. નવસારી કલેકટર અમિત પ્રકાશ યાદવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "અમને આ પ્રકારના કોઈ પણ મૅમોરૅન્ડમ આપવામાં આવે તો અમે તેને ગુજરાત સરકારને મોકલતા હોઈએ છીએ. આ મુદ્દો હજુ અમારા ધ્યાનમાં આવ્યો નથી. સામાન્ય રીતે આ પ્રકારના કેસમાં ભારતીય બંધારણની કલમ 3 મુજબ એક રાજ્યમાંથી બીજા રાજ્યની સરહદ ભળવાની વાત હોય ત્યારે બંને રાજ્યની વિધાનસભામાં ઠરાવ પસાર કરવામાં આવે છે ત્યારબાદ આ અંગે પ્રક્રિયા થઈ શકે છે."

રેડ લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.

YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

Twitter પર બીબીસી ગુજરાતીની ફૉલો કરવા અહીં ક્લિક કરો.

રેડ લાઇન
English summary
Why do 50 villages of Maharashtra want to agitate to join Gujarat?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X