For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના જેવાં જ લક્ષણો ધરાવતી બીમારીથી ગુજરાતનાં આ ગામોમાં ફફડાટ કેમ?

હાલ જ્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની મહામારીનો કેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે ગુજરાતની મહારાષ્ટ્ર સાથે જોડાયેલી સરહદ પરનાં ગામોમાં ટાઈફૉઇડના દર્દીઓ મળી આવ્યાના અહેવાલો વહેતા થયા છે.સ્થાનિક અખબારો અને પ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
કોરોના સંક્રમણ જેવાં જ લક્ષણો ધરાવતા રોગના કેસ ગુજરાત-મહારાષ્ટ્ર સરહદનાં ગામોમાં આવી રહ્યાં છે?

હાલ જ્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની મહામારીનો કેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે ગુજરાતની મહારાષ્ટ્ર સાથે જોડાયેલી સરહદ પરનાં ગામોમાં ટાઈફૉઇડના દર્દીઓ મળી આવ્યાના અહેવાલો વહેતા થયા છે.

સ્થાનિક અખબારો અને પત્રકારો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર ગુજરાતના તાપી જિલ્લાનાં સાયલા, વડલી, ભીલભવાલી અને નાસેરપુર ગામોમાં ટાઈફૉઇડના દર્દી મળી આવ્યા છે.

જોકે, સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે સોશિયલ મીડિયા અને અખબારોમાં વહેતા થયેલા અહેવાલો અને તસવીરો મહારાષ્ટ્રનાં ગામોનાં છે. ગુજરાતનાં ગામોમાં સતત ટેસ્ટિંગની કાર્યવાહી ચાલુ છે, છતાં ટાઈફૉઇડના કોઈ દર્દી મળી આવ્યા નથી.

https://www.youtube.com/watch?v=Wj56-6Mnjn4

નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલાં ગામોમાં સેંકડો લોકોને ટાઈફૉઇડ હોવાનો દાવો કરતાં વીડિયો અને અહેવાલો જોવા મળ્યા હતા. જેમાં દર્દીઓને ઝાડ નીચે સારવાર અપાઈ રહી હોવાનાં દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં.

અહીં એ વાત નોંધવી ઘટે કે ટાઈફૉઇડ અને કોરોનાનાં ઘણાં બધાં લક્ષણો એકસરખાં છે. તેથી ઘણાનાં મનમાં એવો ભય પણ ઊભો થયો છે કે ક્યાંક કોરોનાના કેસોને ટાઈફૉઇડના કેસો તરીકે ગણવામાં તો નથી આવી રહ્યા?

જોકે, આ સમગ્ર મામલે સ્થાનિક અધિકારીઓએ ગુજરાતની સીમામાં ટાઈફૉઇડનો એક પણ કેસ ન નોંધાયો હોવાની વાત પર ભાર મૂક્યો છે.


મહારાષ્ટ્ર સાથે જોડાયેલાં ગામડાંમાં જોવા મળ્યા કેસ?

ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે ટાઈફૉઇડના કેસ મળી આવ્યાની વાતમાં સત્ય કેટલું?

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનાં કેટલાંક ગામોમાં ટાઈફૉઇડના કેસો મળી આવ્યાના અહેવાલો સ્થાનિક મીડિયામાં જોવા મળ્યા હતા.

આ ગામો ગુજરાતનાં અમુક ગામો સાથે જોડાયેલાં હોઈ ગુજરાતમાં પણ આ સમાચાર ચિંતાનો વિષય બન્યા હતા.

આ બાબત અંગે સ્પષ્ટતા મેળવવા માટે જ્યારે અમે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઑફિસર નીતિન બોડકે સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે "જે ગામોમાં દર્દીઓ મળી આવ્યાની સૂચના મળી છે, ત્યાં અધિકારીઓને મોકલી દેવાયા છે. જેમની પાસેથી રિપોર્ટ મળ્યા બાદ જ ટાઈફૉઇડના કેસ છે કે કેમ? તે કન્ફર્મ કરી શકાશે."

તેમણે કહ્યું કે, "ફાઇનલ રિપોર્ટ આવ્યા બાદ જો ખરેખર ટાઈફૉઇડના કેસો મળી આવ્યા હશે તો અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય વિભાગની ટીમ મોકલી દેવાશે અને સ્થિતિ નિયંત્રણમાં રાખવાની કોશિશ કરાશે."

https://www.youtube.com/watch?v=k27SOU5-UAg

જોકે, નંદુરબાર જિલ્લાને અડકીને આવેલા ગુજરાતના તાપી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી હર્ષદ પટેલે જણાવ્યું કે "અહેવાલોમાં જે ગામોમાં ટાઈફૉઇડના દર્દીઓ મળી આવ્યાની વાત કરાઈ છે, ત્યાં અમે આરોગ્યવિભાગની ટીમ મોકલી આપી હતી."

"મંગળવારે કરાયેલા ટેસ્ટમાં કોઈ પણ દર્દી ટાઈફૉઇડગ્રસ્ત મળી આવેલ નથી. જે લોકોને સતત ટાઈફૉઇડનાં લક્ષણો જોવા મળી રહ્યાં છે તેમની નિયમિત તપાસ કરાઈ રહી છે."

"હજુ સુધી કોઈ કેસ સામે આવ્યા નથી. સમાચારોમાં જોવા મળેલાં દૃશ્યો મહારાષ્ટ્રનાં છે. ગુજરાતનાં કોઈ પણ ગામોમાં ટાઈફૉઇડના દર્દી મળી આવ્યા નથી. તેમ છતાં અમે સતત આ વિસ્તારોમાં ધનવંતરી રથ મોકલીને ટેસ્ટિંગની કાર્યવાહી કરી રહ્યા છીએ."


'આદિવાસી પટ્ટામાં છે ટાઈફૉઇડ અને મલેરિયાનો વાવર'

ગુજરાતમાં કોરોના બેકાબૂ

તાપી જિલ્લાના સ્થાનિક આગેવાન અને જિલ્લા પંચાયતના પ્રમુખ સૂરજભાઈ વસાવાએ કહ્યું હતું કે તાપી જિલ્લાના આદિવાસી પટ્ટામાં મલેરિયા અને ટાઈફૉઇડનો વાવર હોવાની ફરિયાદ છે.

જોકે, સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ દરમિયાન કોઈ પણ દર્દી ટાઈફૉઇડ પૉઝિટિવ મળી આવ્યા નથી.

મીડિયામાં આવેલા અહેવાલો પરથી જાણીને જ્યારે અમે તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે આ તમામ કેસો મહારાષ્ટ્રનાં ગામોના છે. તેમાં ગુજરાતનાં ગામોના ટેસ્ટ સામેલ નથી.

જોકે, તેઓ એ વાત કબૂલે છે કે, "બની શકે કે ગુજરાતનાં અમુક ગામોના એક-બે લોકો પોતાના સંબંધીઓને ત્યાં મહારાષ્ટ્ર જઈને આ ટેસ્ટ કરાવી આવ્યા હોય. પણ સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં તો આવાં કોઈ પણ કેસો નથી મળી આવ્યા."

જોકે, મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના સ્થાનિક પત્રકાર નીલેશ પાટીલે ટાઈફૉઇડના દર્દીઓના ઇલાજના સ્થળે જઈને અહેવાલ તૈયાર કર્યો હતો.

https://www.youtube.com/watch?v=1wDhpRYZyv4&t=9s

જેમાં નંદુરબારના ધાનોરા ખાતે સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાંથી કેટલાક લોકો ટાઈફૉઇડગ્રસ્ત હોવાનું સામે આવ્યું હતું.

જે બાદ ગામના આગેવાનોએ ખાનગી ડૉક્ટરની મદદ લઈ ગામના એક ખેતરમાં જ તંબુ તાણીને ઘરેથી ખાટલા અને ગાદલાં લાવી ટાઈફૉઇડગ્રસ્ત લોકોનો ઇલાજ કરાવવાનું શરૂ કરી દીધું હતું.

નોંધનીય છે કે આવી રીતે ઇલાજ કરાવનાર લોકોમાં ગુજરાતના તાપી જિલ્લાના નીઝર તાલુકાનાં અમુક ગામોના લોકો પણ સામેલ હતા.

નીલેશ પાટીલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે "આ લોકોનો ઇલાજ કરી રહેલા ડૉક્ટર સાથે જ્યારે અમે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે પાછલા 15 દિવસમાં આવી રીતે 900 લોકોનો ઇલાજ કર્યો છે. જેમાંથી 400 જેટલા લોકો નીઝર તાલુકાના પણ છે."

નીલેશ પાટીલ આગળ આ ઘટના વિશે વાત કરતાં કહે છે, "જ્યારે અમે લોકોને પૂછ્યું કે તેઓ કેમ આવી રીતે ખેતરમાં ખાનગી ડૉક્ટર પાસે ઇલાજ કરાવી રહ્યા છે?"

"તો તેમણે કહ્યું કે સરકારી હૉસ્પિટલોમાં અમને બીક છે કે અમને કોરોનાના દર્દી ગણી લેવાશે. જેથી અમે અહીં ઇલાજ કરાવી રહ્યા છીએ."


'લોકો બીકના કારણે કોરોનાનો રિપોર્ટ કરાવવા તૈયાર નથી'

કોરોના વાઇરસના કેસોમાં વધારો

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના ગુજરાત ચૅપ્ટરના પૂર્વ પ્રમુખ ડૉ. ચંદ્રેશ જરદોશ હાલ દેખાઈ રહેલા કોરોનાનો રિપોર્ટ માટે કે ઇલાજ કરાવવા ન જવાના વલણને ચિંતાજનક ગણાવે છે.

તેઓ કહે છે, "જ્યારે લોકોને સામાન્ય તાવ, ગળામાં કે શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા થાય ત્યારે તેઓ મલેરિયા કે ટાઈફૉઇડ જેવી અન્ય માંદગીઓના રિપોર્ટ કરાવે છે."

"નોંધનીય છે કે આ રિપોર્ટો પણ શરીરમાં કોરોનાના કારણે થતા ફેરફારો જેવા જ ફેરફારોને દર્શાવે છે. તેથી ઘણી વખત દર્દી દવા લઈને ઠીક થવા માટે ડૉક્ટરો પાસે જઈને ટાઈફૉઇડ જેવા રોગની દવા લે છે. આની પાછળ કોરોનાના ઇલાજની બીક પણ કારણભૂત છે."

"પરંતુ મોટા ભાગના કેસોમાં આવા દર્દીઓને કોરોના હોવાની પૂરેપૂરી શક્યતા હોય છે. તેમ છતાં તેઓ કોરોનાનો રિપોર્ટ કરાવવાથી ડરે છે."

કોરોના મહામારીના સમયે કોરોના જેવાં જ લક્ષણો ધરાવતી માંદગીના કારણે કોરોનાની બીક લાગવી એ સ્વાભાવિક છે.

https://www.youtube.com/watch?v=FCMB1qb_2Do

કંઈક આવું જ અમદાવાદના નિવાસી વીરેન્દ્ર ગારંગે સાથે પણ બન્યું હતું.

તેઓ બીબીસી ગુજરાતી સાથે પોતાના અનુભવ વિશે વાત કરતા જણાવે છે, "થોડા દિવસ પહેલાં મારા ગળામાં તકલીફ થઈ અને મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોય તેવું લાગ્યું. જ્યારે હું આ લક્ષણો સાથે સ્થાનિક ડૉક્ટરને બતાવવા ગયો, ત્યારે તેમણે કહ્યું કે મને ટાઈફૉઇડ છે."

તેઓ આગળ જણાવે છે, "જ્યારે મેં તેમને પૂછ્યું કે શું મારે કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ તો તેમણે એવી સલાહ ન આપી અને કહ્યું કે જો દવાથી ઠીક ન થાય તો આપણે આગળ વિચારીશું. ત્યાર બાદ તેમણે મને બે દિવસની દવા આપી. જેનાથી મારી તકલીફ ઠીક થઈ ગઈ."

વીરેન્દ્ર ગારંગેના કિસ્સામાં તો તેઓ ટાઈફૉઇડની દવાથી ઠીક થઈ ગયા પરંતુ ઘણી વખત સમાન લક્ષણોના કારણે ઘણા દર્દીઓમાં કોરોના શરૂઆતના તબક્કે જ રોકવાનું શક્ય બનતું ન હોવાનું નિષ્ણાત માને છે.

તેથી કોરોનાનાં લક્ષણો જણાતા દર્દીએ તરત જ કોરોનાનો રિપોર્ટ કરાવવો એ સલાહભર્યું પગલું હોય છે.


ટાઈફૉઇડ શું છે?

ગુજરાતમાં કોરોનાનો કેર

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની વેબસાઇટ પર મુકાયેલી માહિતી પ્રમાણે ટાઈફૉઇડ એ એક પ્રાણઘાતક રોગ છે. જે બૅક્ટેરિયમ સાલ્મોનેલા ટાઇફી નામના બૅક્ટેરિયાથી થાય છે.

મોટા ભાગે આ રોગ દૂષિત પાણી અને ભોજન મારફતે થાય છે.

ટાઈફૉઇડના દર્દીમાં તાવ, થાક, માથામાં દુખાવો, ઊલટી, પેટમાં દુખાવો, કબજિયાત અને ડાયેરિયા જેવાં લક્ષણો જોવા મળે છે. આ સિવાય કેટલાક દર્દીઓને ત્વચા સંબંધી તકલીફ પણ થાય છે.

કેટલાક ગંભીર કેસોમાં ટાઈફૉઇડના દર્દીનું મૃત્યુ પણ નીપજી શકે છે.

https://www.youtube.com/watch?v=PXQt-yE0Jr0

મોટા ભાગે ટાઈફૉઇડની માંદગીમાંથી બેઠા થવા માટે દર્દીને ઍન્ટિબાયોટિક્સ અપાય છે.

આ માંદગીની ચિંતાજનક વાત એ છે કે ઘણી વાર ટાઈફૉઇડના દર્દીને તમામ લક્ષણો મટી ગયાં હોવા છતાં તેમના શરીરમાં આ બૅક્ટેરિયાની હાજરી હોઈ શકે છે. જેનો અર્થ એ થયો કે એકદમ સામાન્ય લાગતી વ્યક્તિ પણ આ બૅક્ટેરિયા માટે વાહક બની શકે છે.

WHOના એક અંદાજ પ્રમાણે દર વર્ષે સમગ્ર વિશ્વમાં એકથી બે કરોડ લોકોને આ માંદગી લાગે છે. જે પૈકી 1,28,000થી 1,61,000 લોકો દર વર્ષે મૃત્યુ પામે છે.

જે લોકો સ્વચ્છ પાણી અને સ્વચ્છતાના અભાવનો સામનો કરે છે તેમને આ માંદગી થવાનો ભય સૌથી વધુ છે. આવા લોકોને આ ભયંકર માંદગી થવાની સૌથી વધુ શક્યતા છે. બાળકો માટે આ માંદગી ઘાતક પુરવાર થઈ શકે છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://youtu.be/Kxq5dxgTd8w

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Why is there a plague in these villages of Gujarat with a disease with the same symptoms as corona?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X