
કેપ્ટનના સિદ્ધુ રાષ્ટ્રવિરોધી હોવાના આરોપ મુદ્દે ગાંધી પરિવાર ચૂપ કેમ:જાવડેકર
ભારતીય જનતા પાર્ટીએ પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ પર પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહના સનસનાટીભર્યા અને ગંભીર આરોપો પર કોંગ્રેસ હાઇકમાન્ડ અથવા ગાંધી પરિવાર સામે સીધો મોરચો ખોલ્યો છે. પાર્ટીના નેતા પ્રકાશ જાવડેકરે સવાલ કર્યો છે કે, જ્યારે કેપ્ટને સિદ્ધુને રાષ્ટ્રવિરોધી ગણાવ્યા છે ત્યારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આવા ગંભીર વિષય પર હજુ સુધી ચૂપ કેમ છે? તેમના મૌનનો અર્થ શું છે?
ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ હાઇકમાન્ડ પર નિશાન સાધતા કહ્યું કે, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યા છે. આ ખૂબ જ ગંભીર આરોપ છે. ભાજપ કોંગ્રેસને માત્ર એક જ સવાલ પૂછી રહી છે કે આ અંગે સોનિયા, રાહુલ અને પ્રિયંકા કેમ ચૂપ છે? નોંધપાત્ર બાબત એ છે કે શનિવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિંદરે કહ્યું હતું કે, જો કોંગ્રેસ હાઇકમાન્ડ નવજોત સિંહ સિદ્ધુને મુખ્યમંત્રી બનાવવાનો પ્રયાસ કરશે તો તે તેનો વિરોધ કરશે. તેમને આરોપ લગાવ્યો કે સિદ્ધુના પાકિસ્તાની પીએમ ઇમરાન ખાન અને પાકિસ્તાન આર્મી ચીફ કમર જાવેદ બાજવા સાથે સંબંધ છે. તેમણે સિદ્ધુને રાષ્ટ્રવિરોધી પણ ગણાવ્યા અને કહ્યું હતું કે, તે ભૂતપૂર્વ સૈનિક હોવાને કારણે તેને સહન કરી શકતા નથી.
બીજી તરફ ભાજપના પ્રવક્તા એનવી સુભાષે આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસ તમામ રાજ્યોમાં તેના નેતાઓને અપમાનિત કરી રહી છે. તેમણે કહ્યું કે, તમામ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પાર્ટી હાઇકમાન્ડના ઉદાસીન વલણને કારણે તમામ કોંગ્રેસી નેતાઓ અપમાનિત થઈ રહ્યા છે અને હાઈકમાન્ડ માત્ર તેના પરિવારના શાસનની ચિંતા કરે છે, 135 વર્ષ જૂની પાર્ટીની નહીં. તેમણે કહ્યું કે તેના કારણે તમામ મંત્રીઓ અને પાર્ટી કાર્યકરો કોંગ્રેસ છોડી રહ્યા છે. સુભાષના મતે, આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને પંજાબ કે ઉત્તર પ્રદેશમાં એક પણ બેઠક મળશે નહીં.
ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, ભાજપ આગામી વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે જીતશે. કારણ કે અમે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ વિકાસ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ પાર્ટીના નેતાપદેથી રાજીનામું આપવું જોઈએ. તેમણે કહ્યું કે, કોંગ્રેસે પારિવારિક વ્યવસાય બંધ કરવો જોઈએ અને અન્ય નેતાઓને પાર્ટી ચલાવવાની તક આપવી જોઈએ.