મુંબઇની જેમ ગુજરાતમાં મેઘરાજા વહેલી ધડબડાટી બોલાવશે?
અમદાવાદ, 8 જૂન : સામાન્ય રીતે મહારાષ્ટ્રના મુંબઇમાં ચોમાસાના પ્રથમ વરસાદની નિયત તારીખ 10 જૂન છે. જોકે શુક્રવારે 7 જૂનના રોજ મુંબઇમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને સૌ મુંબઇવાસીઓને ખુશ કરી દીધા હતા. મહારાષ્ટ્રમાં વરસાદ વહેલો આવતા અમદાવાદમાં પણ મેઘરાજા વહેલી એન્ટ્રી કરીને લોકોને ગરમીમાંથી મુક્તિ આપે એવી શક્યતાઓ વધી ગઇ છે.
7 જૂને વરસાદે મુંબઈ, થાણે, નવી મુંબઈ સહિત કોંકણ પટ્ટાવિસ્તાર તેમજ પશ્ચિમ મહારાષ્ટ્રના અનેક ભાગોમાં આજે વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે પધરામણી કરી છે. આને લીધે અસહ્ય ઉકળાટમાંથી લોકોને ઘણી રાહત થઈ છે. જો કે આ વરસાદ અંગે હવામાન વિભાગે કહ્યું છે કે આ ચોમાસા પૂર્વેનો વરસાદ છે. ચોમાસાનો વરસાદ શરૂ થવાને હજી બે દિવસની વાર છે. ખરું ચોમાસુ 10 જૂનના રોજ શરૂ થશે.
મુંબઈમાં બપોર પછી વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી હતી. તેનાથી લોકોને એક બાજુ આનંદની લાગણી થઈ હતી તો બીજી બાજુ છત્રી રેનકોટ લીધા વગર સવારથી નીકળી પડેલા નોકરિયાતો અને ધંધાર્થીઓ, વિદ્યાર્થીઓને ઘેર જવામાં ભીંજાઈને જવાની ફરજ પડી હતી. મોડી સાંજ પછી ગાજવીજ સાથે વરસાદના મોટા ઝાપટા તૂટી પડ્યા હતા. તેને લીધે નિચાણવાળા ભાગોમાં પાણી ભરાતાં ટ્રાફિક ધીમો પડી ગયો હતો.
બીજી તરફ ગુજરાતમાં ચોમાસાની સિઝનના પ્રારંભે જ મેઘરાજાએ સંઘ પ્રદેશના દમણ અને સેલવાસ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મન ભરીને બેટિંગ કરતા અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા














છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં આમોદ 15 મીમી, અંકલેશ્વર 3 મીમી, જંબુસર 32 મીમી, ઝગડિયા 23 મીમી અને વાગરા 35 મીમી વરસાદ નોંધાયેલ છે. નર્મદા જિલ્લાના તાલુકાઓમાં ડેડિયાપાડા 17 મીમી, નાંદોદ 5 મીમી, સાગબારા 19 મીમી અને તિલકવાડા 10 મીમી વરસાદ નોંધાયેલ છે. જયારે તાપી જિલ્લાના તાલુકાઓમાં મુખ્યત્વે વાલોદ 7 મીમી અને વ્યારા 18 મીમી વરસાદ નોંધાયેલ છે.
સુરત જિલ્લામાં બારડોલી 60 મીમી, ચોર્યાસી 64 મીમી, કામરેજ 55 મીમી, મહુવા 16 મીમી, માંડવી 10 મીમી, પોલપાડ 14 મીમી, પલસાણા 85 મીમી, સુરત સીટીમાં 58 મીમી અને ઉમરપાડા 28 મીમી વરસાદ નોંધાયેલ છે.
નવસારી જિલ્લાના તાલુકાઓમાં ચીખલી 47 મીમી, ગણદેવી 30 મીમી, જલાલપોર 63 મીમી, નવસારી 29 મીમી અને વાંસદા 22 મીમી વરસાદ નોંધાયેલ છે. રાજયના અન્ય તાલુકાઓ પૈકી વલસાડ જિલ્લામાં મેઘરાજાએ અતિ હેત વરસાવ્યું છે. જેમાં ધરમપુર 30 મીમી, પારડી 144 મીમી, અને વલસાડ 69 મીમી વરસાદ નોંધાયેલ છે.
મધ્ય ગુજરાતની વાત કરીએ તો અહિંના વિસ્તારો પૈકી આણંદ જિલ્લાના તાલુકાઓમાં આંકલા 15 મીમી, બોરસદ અને તારાપુર 2-2 મીમી વરસાદ નોંધાયેલ છે. વડોદરા જિલ્લાના તાલુકાઓમાં છોટાઉદયપુર 5 મીમી, ડભોઇ 3 મીમી, અરજણ 9 મીમી, સીનોર 7 મીમી અને વડોદરા 27 મીમી વરસાદ નોંધાયેલ છે.
પંચમહાલ જિલ્લાના તાલુકાઓમાં હાલોલ 61 મીમી, ગોઘંબા-કલોલ 2-2 મી. મી. વરસાદ નોંધાયેલ છે. તો દાહોદ જિલ્લાના તાલુકાઓમાં દાહોદ 5 મીમી, દેવગઢવારીયા 10 મીમી અને ધનપુરા 3 મીમી વરસાદ નોંધાયેલ છે.
ઉતર ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી મેઘરાજા અહિં વિરામ છે.રાજયના 17 જિલ્લાના 97 તાલુકામાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે. આ લખાય છે ત્યારે સવારે 10 કલાકે હજુ પણ સંઘપ્રદેશના દમણ અને સેલવાસ સહીત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળો સૂર્યદેવ સાથે સંતાકૂકડી રમી રહયા છે.












Click it and Unblock the Notifications
