Flashback 2019: વર્ષની એ મોટી ઘટનાઓ જેણે બદલી દેશની રાજકીય તસવીર
આ વર્ષ કેટલાક મોટા નિર્ણયો અને રાજકીય ઘટનાક્રમો માટે યાદ રાખવામાં આવશે. છેલ્લા એક વર્ષમાં ઘણા એવા મોટા નિર્ણયો થયા છે, જેની ચર્ચા દાયકાઓથી કે સદીઓથી ચાલતી હતી. પરંતુ તેનો અમલ આ વર્ષે થયો છે. દાખલા તરીકે અયોધ્યા મુદ્દો હોય કે ટ્રિપલ તલાક કે પછી જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવવાનો મુદ્દો. સૌથી તાજો મુદ્દો છે નાગરિકતા સંશોધન કાયદો બનાવવાનો, જેનો દેશભરમાં જબરજસ્ત વિરોધ થઈ રહ્યો છે. ચાલો આખા વર્ષની આ મહત્વપૂર્ણ ઘટનાઓ જોઈએ, જે દાયકાઓ સુધી યાદ રહેવાની છે.

નાગરકિતા (સંશોધન) કાયદો
2019ના ડિસેમ્બર મહિનામાં નાગરિકતા સંશોધન કાયદો બન્યો, જે આ વર્ષની સૌથી મહત્વની રાજકીય ઘટનાઓમાંથી એક છે. નાગરિકતા સંશોધન બિલને લોકસભાએ 2 ડિસેમ્બરે પાસ કર્યું ફરી 4 ડિસેમ્બરે તેના પર રાજ્યસભાએ પણ મંજૂરીની મહોર મારી. આ કાયદા અંતર્ગત 31 ડિસેમ્બર, 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફ્ઘાનિસ્તાનથી ધાર્મિક ઉત્પીડનનો શિકાર થઈને ભારત આવેલા હિન્દુ, શીખ, ક્રિશ્ચન, જૈન, બૌદ્ધ અને પારસી સમુદાયના લોકોને નાગરિક્તા આપવાની જોગવાઈ છે. જો કે અસમ સહિત ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ગુવાહાટીથી લઈને પશ્ચિમ બંગાળ, દિલ્હીમાં જામિયા મિલિયા ઈસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પણ હિંસક વિરોધ જોવા મળ્યો. દેશના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ તેનો વિરોધ થઈ રહ્યો છે. કેટલાક લોકો આ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પણ ધા નાખી ચૂક્યા છે.

કર્ણાટકના નાટકનો અંત
આ જ મહિનામાં કર્ણાટકની વિધાનસભાની પેટા ચૂંટણીના પણ પરિણામ આવ્યા. જેમાં 15માંથી 12 સીટ જીતીને ચાર મહિના જૂની યેદિયુરપ્પા સરકારે પૂર્ણ બહુમત મેળવ્યો. ગત વર્ષે 15મેના રોજ થયેલી 222 વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં ભાજપે 104, કોંગ્રેસે 78 અને જેડીએસે 37 બેઠકો પર જીત મેળવી હતી. જે બાદ પહેલા યેદિયુરપ્પા સીએમ બન્યા, પરંતુ તેઓ વિશ્વાસમત મેળવે તે પહેલા જ રાજીનામુ ધરી દીધું. જે બાદ કોંગ્રેસ અને જેડીએસે ગઠબંધન કરીને સરકાર બનાવી અને કુમારસ્વામી સીએમ બન્યા.આ સરકાર માંડ ક વર્ષ સુધી ચાલી અને કોંગ્રેસના ધારાસભ્યોએ બળવો પોકાર્યો. આ દરમિયાન કોંગ્રેસના નેતા સ્પીકર પદ પર હતા, તેમણે બળવાખોરોને અયોગ્ય જાહેર કર્યા. કુમારસ્વામીની સરકાર પડી અને યેદિયુરપ્પાએ બહુમતી મેળવી. પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના ધારાસભ્યોની અયોગ્યતા યોગ્ય ઠેરવી તો પેટાચૂંટણીમાં તેમનું જીતવું યેદિયુરપ્પા સરકાર માટે મહત્વનું હતું, નહીં તો તેમની સરકાર પડી શકે તેમ હતી.

મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણ
આ વર્ષે 21 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં પણ વિધાનસભાની ચૂંટણી થઈ અને 24 ઓક્ટોબરે ચૂંટણીના પરિણામ આવ્યા. આ ચૂંટણીમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનને પૂર્ણ બહુમતી મળી. પરંતુ શિવસેનાએ ભાજપ સામે 50-05નો એટલે કે સીએમ પદ માટે અઢી અઢી વર્ષની ફોર્મ્યુલા મૂકી. હવે ભાજપ આ માટે તૈયાર નહોતું એટલે શિવસેનાએ કોંગ્રેસ-એનસીપી સાથે હાથ મિલાવ્યો. ચૂંટણીના પરિણામના દિવસો બાદ પણ કોઈ પાર્ટી કે સંગઠને સરકાર રચવાનો દાવો ન કર્યો તો રાજ્યપાલે સૌને વારાફરતી આવવાની તક આપી. પહેલા જ્યારે તમામ પાર્ટીઓ નિષ્ફળ રહી તો રાષ્ટ્રપતિ શાસન લગાવાયુ. પરંતુ મહારાષ્ટ્રનું રાજકારણ ત્યારે બદલાયુ જ્યારે 23 નવેમ્બરે વહેલી સવારે રાષ્ટ્રપતિ શાસન હટાવીને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદના અને એનસીપીના ધારાસભ્ય દળના નેતા અજિત પવારે ઉપમુખ્યપ્રધાન પદના શપથ લીધા. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટે વિશ્વાસ મત લેવા આદેશ આપ્યો. પરંતુ અજિત પવાર એનસીપીના ધારાસભ્યોનું સમર્થન ન મેળવી શક્યા, અને ફડણવીસ તેમજ તેમણએ રાજીનામુ આપવું પડ્યું. બાદમાં શિવસેના, એનસીપી, કોંગ્રેસે પોતાની વિચારધારાને બાજુમાં મૂકીને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર બનાવવાનો નિર્ણય કર્યો અને પહેલીવાર ઠાકરે પરિવારનો કોઈ વ્યક્તિ રાજ્યનો સીએમ બન્યો.

સેંકડો વર્ષ જૂના અયોધ્યા વિવાદનો ઉકેલ
9 નવેમ્બર આ એ તારીખ હતી, જ્યારે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો. દેશના તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીવાળી 5 સભ્યની બંધારણીય બેન્ચે 40 દિવસોની મેરાથોન સુનાવણી બાદ સદીઓ જૂના અયોધ્યાના રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદનો ઉકેલ આપ્યો. પાંચ વિદ્વાન જજોએ એકમતે રામ મંદિરના પક્ષમાં ચુકાદો આપ્યો. રામ જન્મભૂમિની 2.77 એકર વિવાદ જમીનનો માલિકી હક ખુદ ભગવાન રામ લલાને મળ્યો અને અદાલતે મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં જ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને 5 એકર જમીન આપવા સરકારને આદેશ આપ્યો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે રામ મંદિરના નિર્માણ અને સંચાલન માટે ટ્રસ્ટની રચના કરવા પણ આદેશ આપ્યો છે. વિવાદિત જમીનના વધુ એક દાવેદાર નિર્મોહી અખાડાને પણ ટ્રસ્ટમાં સામેલ કરવા કહેવાયું છે. આ ત્રણેય આદેશનું પાલન કરવા સરકારને 3 મહિનાનો સમય મળ્યો છે. સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક નિર્ણય વિરુદ્ધ 18 રિવ્યુ પિટિશન થઈ છે, જેને ચીફ જસ્ટિસ એસ. એસ. બોબડેની આગેવાનીવાળી બંધારણીય બેન્ચે ફગાવી દીધી છે.

હરિયાણામાં ફરી ભાજપ સરકાર
મહારાષ્ટ્રની સાથે જ હરિયાણામાં પણ વિધાનસભા ચૂંટણી થઈ અને 24 ઓક્ટોબરે પરિણામ આવ્યા. આ ચૂંટણી બાદ 90 બેઠકો ધરાવતી હરિયાણા વિધાનસભામાં ભાજપે 45 બેટક જીતી લીધી, જોકે બહુમત ન મળ્યો. પરંતુ જનનાયક જનતા પાર્ટીના 10 ધારાસભ્યોએ સાથ આપતા ભાજપે ફરી સરકાર બનાવી. મનોહરલાલ ખટ્ટર સતત બીજીવાર હરિયાણાના સીએમ બન્યા તો દુષ્યંત ચૌટાલા ડેપ્યુટી સીએમ બન્યા.

અર્થવ્યવસ્થામાં મંદી
આ વર્ષે બીજો કાર્યકાળ સંભાળ્યા બાદ પીએમ મોદીએ 2024માં દેસને 5 ટ્રિલિયનની ઈકોનોમી બનાવવાનું સપનું સેવ્યુ છે, પરતંતુ આજે કોઈ એવો દાવો ન કરી શકે કે આ લક્ષ્ય મેળવવામાં ભારતને કેટલી મહેનત કરવી પડશે. સતત 6 ત્રિમાસિક ગાળાથી જીડીપી ગગડી રહ્યો છે અને છેલ્લા ત્રિમાસિક ગાળામાં તે સૌથી નીચા સ્તર 4.5 ટકાએ પહોંચ્યો છે. ઓટોમોબાઈલ સેક્ટરમાં નાના વાહનોનું વેચાણ ઘટ્યા બાદ મંદીની ચર્ચા છે. ઘરેલુ વેચાણ ઘટવાથી મેન્યુફેક્ચરિંગ સેક્ટર ધીમુ પડ્યું છે. અર્થવ્યવસ્થાને વેગ આપવા સરકાર પ્રયત્નો કરી રહી છે, પરંતુ હાલ તો સંકટ તોળાઈ રહ્યું છે.

ચંદ્રયાન 2એ આશા જગાવી
આ વર્ષે 7 સપ્ટેમ્બરે ભારતીય મૂન મિશનના ચંદ્રયાન 2ના વિક્રમ લેન્ડરે 7 સપ્ટેમ્બરે ચંદ્રમાની દક્ષિણી સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું. આ મામલે ભારતની સાથે આખા વિશ્વની નજર હતી. પરંતુ છેલ્લી ઘડીએ થયેલી કોઈ ટેક્નિકલ ગરબડને કારણે લેન્ડર વિક્રમનો ઈસરો અર્થ સ્ટેશન સાથેનો સંપર્ક તૂટી ગયો, જેને કારણે મિશન અધુરુ રહ્યું. જો કે ચંદ્રાયન 2નું ઓર્બિટર પોતાનું કામ કરી રહ્યું છે અને આગામી વર્ષો સુધી તે ચંદ્રની કક્ષામાં પરતુ રહેશે. 2 સપ્ટેમ્બરે વિક્રમ સફળતાપૂર્વક તેનાથી છૂટુ પડ્યુ હતુ. ઈસરોનું કહેવું છે કે વિક્રમ ભલે સોફ્ટ લેન્ડિંગ ન કરી શક્યું હોય પરંતુ તેનાથી ઈસરોના મિશનનો મોટાભાગનું કામ પુરુ થયું છે. ભારનતા GSLV Mklll-M1થી 3,840 કિલો વજનના ચંદ્રયાન 2 સ્પેસક્રાફ્ટને 22 જુલાઈ લોન્ચ કરવામાં આવ્યું હતું.

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવાઈ
5 ઓગસ્ટ 2019ના રોજ મોદી સરકારે પોતાના કાર્યકાળનો સૌથી મહત્વનો રાજકીય નિર્ણય કર્યો. જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 હટાવી દેવાઈ અને જમ્મુ કાશ્મીર તેમજ લદ્દાખને અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત થઈ. આ નિર્ણય પહેલા જમ્મુ કાશ્મીરના તમામ મોટા નેતાઓને નજરબંધ કરવામાં આવ્યા અને રાજ્યમાં કમ્યુનિકેશનની સેવાઓ બંધ કરવામાં આવી. બાદમાં કેન્દ્ર સરકારના આ નિર્ણયને સંસદના બંને સદનમાં પસાર કરવામાં આવ્યો. બંધારણની આ કલમ હટાવાથી જમ્મુ કાશ્મીર હવે દેશના અન્ય રાજ્યો જેવું બની ચૂક્યુ છે. 31 ઓક્ટોબરથી જ્મ્મુ અને કાશ્મીર બે અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા છે. બંને જગ્યાએ ઉપરાજ્યપાલ શાસન વ્યવસ્થા સંભઆળી રહ્યા છે. હાલ જમ્મુ કાશ્મીરમાં એક વિધાનસભાની જોગવાઈ છે, પરંતુ તેની સ્થિતિ દિલ્હી અને પુડ્ડુચેરી જેવી છે.

ટ્રિપલ તલાકનો કાયદો
આ વર્ષે ફરી સત્તા મેળવ્યા બાદ મોદી સરકારનો સૌથઈ મોટો નિર્ણય ત્રિપલ તલાક કાયદો બનાવવાનો રહ્યો. ગત વખતે 2-2 વાર લોકસભામાં બિલ પાસ થયા બાદ રાજ્યસભામાં અટવાયુ હતુ. પરંતુ આ વર્ષે ટ્રિપલ તલાક જુલાઈ મહિનામાં બંને સદનમાં પાસ થયું અને છેલ્લા છ મહિનાથી તે કાયદો લાગુ છે. આ કાયદો બન્યા બાદ મુસલમાનોમાં એક સાથે અથવા ઈન્સટન્ટ ત્રિપલ તલાક આપવાની પ્રથા ગેરકાયદે બની ચૂકી છે. તીન તલાક બોલવું, લખવુ, SMS કે વ્હોટ્સ એપ કરવું ગેરકાયદે છે. પ્તનીને ત્રિપલ તલાક આપનાર કોઈ પણ વ્યક્તિને ત્રણ વર્ષની જેલની સજા ઉપરાંત દંડ થઈ શકે છે.

2019ની લોકસભા ચૂંટણી
આ વર્ષે એપ્રિલ-માં દેશમાં સામાન્ય ચૂંટણી થઈ. નેરન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપે પૂર્ણ બહુમત સાથે 2014 કરતા વધુ સાંસદો સાથે જીત મેળવી. આ વર્ષે લોકસભા ચૂંટણીમાં ફક્ત ભાજપે જ એકલા હાથે 303 બેઠકો જીતી. 23 મેના રોજ આવેલા પરિણામ બાદ 30 મેના રોજ મોદી સરકારે શપથ લીધી. આ બહુમતના દમ પર મોદી સરકારે બીજા કાર્યકાળમાં મોટા નિર્ણયો કર્યા છે. લોકસભા ચૂંટણીની સાથે જ ઓડિશા, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી પણ થઈ.

એન્ટી સેટેલાઈટ મિસાઈલનું સફળ પરીક્ષણ
આ વર્ષે 27 માર્ચના રોજ ભારતે એન્ટી સેટેલાઈટ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. ભારતનું આ પ્રકારનું આ પહેલું પરીક્ષણ હતું. જે અંતર્ગત ભારતીય મિસાઈલે અંતરિક્ષમાં લો ઓર્બિટમાં રહેલા ટાર્ગેટને સફળતા પૂર્વ વીંધી નાખ્યો જે લગભગ 300 કિલોમીટર દૂર હતો. પીએમ મોદીએ આ સફળ પરીક્ષણની જાહેરાત કરતા તેને મિશન શક્તિ નામ આપ્યું.

પાકિસ્તાનથી અભિનંદનની સફળ વાપસી
લગભગ 60 કલાક પાકિસ્તાનમાં રહ્યા બાદ 1 માર્ચે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સકુશળ ભારત પરત આવ્યા. 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાની ફાઈટર જેટ ભારતીય વાયુસીમામાં ઘૂસી આવ્યા અને ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની ફાઈટર જેટને લલકાર્યા. ત્યારે મિગ 21 સંભાલી રહેલા વિંગ કમાન્ડર અભિનંદને પોતાની બહાદુરી અને કુશળતા સાથે પાકિસ્તાનના વિમાન એફ 16ને તોડી પાડ્યું. જો કે આ ફાઈટ દરમિયાન તેમનું મિગ 21 ક્રેશ થયું અને અભિનંદન સરહદ પાર પાકિસ્તાન પહોંચી ગયા. જ્યાં તેમની અટકાયત કરવામાં આવી.

બાલાકોટમાં આતંકી કેમ્પ પર એરસ્ટ્રાઈક
જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPF કેમ્પ પર થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીની રાતે પાકિસ્તાની સરહદમાં ઘૂસે બાલાકોટમાં આવેલા જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પોનો સફાયો કરી નાખ્યો. જેને એર સ્ટ્રાઈકનું નામ અપાયું અને 300થી વધુ આતંકીઓ ઠાર થયાના હેવાલ હતા, જો કે પાકિસ્તાને આ ઘટનાને સમર્થન નથી આપ્યું. જો કે પહેલા તો પાકિસ્તાને કહ્યું કે જંગલમાં કેટલાક ઝાડ તબાહ થયા, પરંતુ બાદમાં ઈમરાન કહેતા દેખાયા કે ભારત બાલાકોટથી પણ મોટો હુમલો કરવાની તૈયારીમાં છે.

પુલવામામાં CRPFના કાફલા પર આતંકી હુમલો
આ વર્ષનો સૌથી મોટો આતંકી હુમલો 14 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયો. જૈશ એ મોહમ્મદના ફિદાયીન હુમલાખોરે કારથી CRPFની એક વેનને ઉડાવી દીધી. જેમાં CRPFના 40 જવાનો શહીદ થયા. આ ઘનટાના 13 દિવસની અંદર ભારતે બાલાકાતોમાં પાકિસ્તાની આતંકીઓનો સફાયો કરી નાખ્યો.