અમરેલીમાં સિંહ ખેત મજૂર પર સિંહનો હુમલો, વિસ્તારમાં ભયનો માહોલ
અમરેલી જિલ્લાના વિઠ્ઠલપુર ગામ પાસે ખેતીના કામમાં વ્યસ્ત એક 27 વર્ષીય ખેતમજૂર પર સિંહે હુમલો કરતાં તે ઘાયલ થયો હતો. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યપ્રદેશના વતની આ યુવાન ખેતમજૂર તેના પરિવારના સભ્યો સાથે સવારે લગભગ 10.30 વાગ્યાની આસપાસ ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે જ સમયે અચાનક એક સિંહ ખેતરમાં ઘૂસી આવ્યો હતો અને હુમલો કર્યો હતો.

પોલીસ અને વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, સિંહના અચાનક દેખાવાથી અને હુમલાથી ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સિંહે યુવકને કમરના ભાગે ઇજા પહોંચાડી હતી અને ત્યારબાદ તે સ્થળ પરથી નાસી ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા આસપાસના ગામોના રહેવાસીઓને સાવચેત રહેવા અને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
ઘાયલને સારવાર માટે અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેમની હાલત હાલમાં સ્થિર છે અને તેમને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી.












Click it and Unblock the Notifications
