ગિરનારની પરિક્રમામાં સ્વચ્છતા રહે તે માટે દેખરેખ રખાશે: જૂનાગઢ કલેક્ટર
જૂનાગઢ: આગામી તા.૨૩ નવેમ્બર થી તા .૨૭ નવેમ્બર સુધી યોજાનારી પરંપરાગત ગિરનારની લીલી પરિક્રમા ની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર એ પૂર્ણ કરી છે.

જૂનાગઢ કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજે ગિરનારની પરિક્રમાની તૈયારી અંગેની બીજી બેઠક મળી હતી જેમાં કલેકટર સહિતના જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને સાધુ સંતો તેમજ અન્ન ક્ષેત્રોના પ્રતિનિધિઓ એ યાત્રાળુ માટે જરૂરી વ્યવસ્થાઓ સુવિધા અંગે સંવાદ કરી પરિક્રમા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને યાત્રાળુઓને અગવડતા ન પડે તે માટે આખરી આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ગિરનારની લીલી પરિક્રમામાં યાત્રાળુઓની કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સંબંધિત વિભાગોએ આયોજન કર્યું છે અને તેઓએ પોતે પણ ગિરનારની પરિક્રમા ના રૂટનું અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું છે.
જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી ગીતાબેન પરમારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અને ગિરનારની પરિક્રમામાં ખાસ કરીને ભવનાથ વિસ્તારમાં સ્વચ્છતા રહે , પીવાના પાણીની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કરાયેલા યોજનાની વિગતો આપી હતી.
ગિરનારની લીલી પરિક્રમામાં જંગલ સ્વચ્છ રહે ,રૂટ ઉપર ક્યાંય કચરો ન થાય તેમજ અન્ય ક્ષેત્રો દ્વારા ગંદકી કરવામાં ન આવે અને તે માટેની વ્યવસ્થામાં તંત્રને સહયોગ આપવામાં આવે તે માટે કલેક્ટરશ્રી અનુરોધ કર્યો હતો અને સ્વચ્છતા ની તમામ કામગીરી પર દેખરેખ રાખવામાં આવશે તેમ પણ કલેકટરે જણાવ્યું હતું. અન્ન ક્ષેત્રો સહિતના સંસ્થાઓએ પરિક્રમામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જન જાગૃતિ અને સંસ્થાઓ દ્વારા પણ પૂરતા પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં મહંત શ્રી હરિ ગીરીબાપુ, શ્રી મહેશગીરી બાપુ તેમજ શ્રી મહાદેવ ગીરીબાપુ સહિતના સંતો મહંતોએ જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત દામોદર કુંડ સહિત વિવિધ સ્થળોએ સ્વચ્છતા જળવાઈ રહે તેમજ ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવે તે માટે સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ સૂચનો કર્યા હતા.
ગિરનારની પરિક્રમા યાત્રાળુઓને હાર્ટ એટેક આવે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ કરાશે. આ ઉપરાંત કર્મચારી અધિકારીઓને સીપીઆરની ટ્રેનીંગ પણ અપાશે. પોલીસ વિભાગ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવશે આ ઉપરાંત એસડીઆર એફ ની બે ટીમો પણ મંગાવવામાં આવી છે તેમ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. વન વિભાગ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત અને માર્ગો મરામત અને અન્ય સુવિધાઓ ની પણ તૈયારી કરવામાં આવી છે. બસ સ્ટેશન થી ભવનાથ સુધી એસટી વિભાગ દ્વારા 50 મીની બસ મૂકવામાં આવશે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં 150 થી વધુ એકસ્ટ્રા બસ મુકવાનું પણ આયોજન છે.
આ બેઠકમાં યાત્રાળુઓ બહુ વહેલી પરિક્રમા શરૂ ન કરી દે અને પરિક્રમા ના રુટ પર જ પરિક્રમા કરે તે માટે અપીલ કરવામાં આવી હતી.
આ મિટિંગમાં મહંત શ્રી હરિગીરીબાપુ, શ્રી શૈલજાદેવીજી, મહાદેવ ભારતીબાપુ, મહંત મહાદેવ ગીરીજી, મુચકુંદ જગ્યાના મહંત શ્રી મહેન્દ્રાનંદગીરીજી, તેમજ અન્ય સંતો મહંતો આ ઉપરાંત ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા, માજી ધારાસભ્ય ભીખાભાઈ જોશી, અગ્રણી સર્વશ્રી યોગીભાઈ પઢિયાર, નિર્ભયભાઈ પુરોહિત, અશ્વિનભાઈ મણીયાર, બટુકભાઈ મકવાણા, ભાવેશભાઈ વેકરીયા, ખોડીયાર રાસ મંડળ સંસ્થાના અગ્રણીઓ, તેમજ અન્ય ક્ષેત્રોના પ્રતિનિધિઓ ગ્રાન્ટ અધિકારીઓમાં નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી, ડીવાયએસપી શ્રી ઠક્કર, અધિક કલેક્ટર શ્રી પી.જી. પટેલ, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
