કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ CMને પત્ર લખ્યો, ખેડૂતો માટે ઉઠાવ્યા સવાલ
Kisan Congress Chairman Palbhai Ambalia : કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ CMને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ખેડૂતો માટે અનેક સવાલ ઉઠાવ્યા છે. આ પત્રમાં પાલભાઈએ પાક નુકસાની સર્વે બાબતે સવાલ ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 24 તારીખે વરસાદ બંધ થયા બાદ, તેમણે 29 તારીખે સર્વેનો પત્ર બહાર પડ્યો હતો.
પાલભાઈ આંબલીયાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં લખ્યું છે કે, ખેડૂતોએ અરજી કરવાના આદેશ પરિપત્રમાં શા માટે કરાયો ?? ખેડૂતોએ GPS કોરડીનેટ, લોકેશન સાથે ફોટો શા માટે આપવાનો ??
5 દિવસ સુધી ખેડૂતોને અરજી કરવાની મુદ્દત આવું શા માટે ?? શું બધા ખેડૂતો પાસે હાઈટેક મોબાઈલ ઉપલબ્ધ હોય ??
25 તારીખથી સર્વેની કામગીરી કરવાની જગ્યાએ 5 તારીખ સુધી શા માટે વિલંબ કરવામાં આવે છે ?? ઘેડમાં સાર્વત્રિક નુકશાની છે તો દરેક ખેડૂતે અરજી શા માટે કરવાની ??
શું જૂનાગઢ કલેકટર ખેડૂતો સાથે બદલો લ્યે છે ?? 29 તારીખે હજારો ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર લેવા નીચે આવવા મજબુર કર્યા તેનો બદલો લઈ રહ્યા છે ???
સરકાર ખરેખર શુદ્ધ આશય સાથે ખેડૂતોને મદદ કરવા માંગે છે કે સર્વેના નામે નાટક કરવા માંગે છે ??

તેમણે પત્રમાં લખ્યું હતું કે, જય કિસાન સાથ જણાવવાનું કે, જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષની સરખામણી એ અત્યારે 100% કરતા વધારે વરસાદ નોંધાયો છે અમુક અમુક તાલુકામાં 150 ટકા કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે વર્ષ 2016 નો કેન્દ્ર સરકારના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઇએ. રાજ્ય સરકારે આ જિલ્લાઓને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર તો નથી કર્યા પણ જે પાક નુકસાની અને જમીન ધોવાણના સર્વેની કામગીરી કરવામાં આવે છે તેમાં અધિકારીઓ ક્યાંક પોતાની રીતે મનમાની કરતા હોયતેવી અનેક ફરિયાદો છેલ્લા 2 દિવસમાં મળી છે
જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ડીડીઓ અને જૂનાગઢ કલેકટર ના નામ જોગ જાહેર કરેલ પત્ર દ્વારા કરવામાં આવેલ સર્વેના આદેશ પત્રમાં લખ્યું છે કે "સમય મર્યાદામાં રજૂઆત મળેલ તમામ ખેડૂતોના ખેતરોનું સર્વે કરવાનું રહેશે" તેમની નીચેની કેડરના અધિકારીઓએ આ જ પત્રનું એની રીતે અર્થઘટન કરી એક ફોર્મ બનાવ્યું ને દરેક ગામ જોગ જાહેર નોટિસ બનાવી ગામેગામ આ નોટિસો ચિપકાવી કે "જેને નુકશાન થયું હોય તે નિયત નમુનાની અરજીમાં ફોર્મ ભરી નિયત સમય મર્યાદામાં અમારી સુધી પહોંચાડે" તેમનીયે નીચેની કેડરના એટલે કે કર્મચારીઓએ દરેક ગામમાં ખેડૂતોને મૌખિક સૂચના આપી કે "તમારા અરજી ફોર્મની સાથે તમારા પાક નુકશાની વાળા ખેતરના ફોટો, ખેતરના અક્ષાશ રેખાંશ પણ સાથે હોવું જોઈએ અને ખેતરનું લોકેશન પણ લેતા આવજો"
મહોદયશ્રી આ રીતે સરકારના કર્મચારીઓ નોટિસ ચીપકાવવા જાય એક દિવસ બગડે, 5 દિવસની મુદત સુધી અરજીઓ આવે તેની રાહ જુએ અને ત્યારબાદ સર્વેની કામગીરી ચાલુ થાય ત્યારે કેટલાક સવાલ ઉપસ્થિત થાય છે જે રાજ્ય સરકારનો ખેડૂતો પ્રત્યે અભિગમ કે ઈરાદો સ્પષ્ટ કરે છે જેમકે......
1) 24 જુલાઈથી જૂનાગઢ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે કેટલાક વિસ્તારોમાં(ઘેડ વિસ્તાર ને બાદ કરતાં) 25 જુલાઈથી પણ સર્વેની કામગીરી ચાલુ કરી શકાય તેમ સ્થિતિ હતી તો ત્યાં સર્વેની કામગીરી કેમ ચાલુ ન કરાઇ ??
2) સર્વેની કામગીરી કરવાને બદલે ખેડૂતો પાસેથી અરજી મંગાવવી, તેમની પાસેથી શક્ય ન હોય તેવી વિગતો માંગવી મતલબ જાણી જોઈને સર્વેમાં મોડું કરવા પાછળ સરકારનો આશય શું હોઈ શકે ??
3) ઘેડ વિસ્તારોમાં જ્યાં સાર્વત્રિક નુકશાની છે ત્યાં દરેક ખેડૂતો પાસે અરજી મંગાવવી મતલબ ખેડૂતોને હેરાન કરવા સિવાય નો સરકારનો આશય શું હોઈ શકે ??
4) બધા ખેડૂતો પાસે આધુનિક ફોન હોય એ સંભવ નથી કે જેથી તેઓ અક્ષાશ રેખાંશ વાળા ફોટો લોકેશન આપી શકે ત્યારે ખેડૂતો પાસે આવી ગેર વ્યાજબી અપેક્ષા શા માટે રાખવામાં આવે છે ??
5) જે કામ સર્વેયરો એ કરવાનું છે જેમ કે ફોટોગ્રાફી/વિડિઓ ગ્રાફી, લોકેશન, જીપીએસ કોરડીનેટ એ કામ ખેડૂતો પાસે શા માટે કરાવાય છે ??
6) 10 દિવસની મુદતમાં અરજી મંગાવી પછી સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવે તો 24 તારીખ થી વરસાદે વિરામ લીધો, 29 તારીખે 5 દિવસની મુદ્દત વાળી નોટિસો લગાવી 5 દિવસ રાહ જોઈ અરજી આવ્યા પછી છઠ્ઠા દિવસે સર્વેનું કામ ચાલુ કરે અને જે ગામમાં છેલ્લા ખેડૂતનો સર્વેમાં વારો 15 દિવસે આવે ત્યારે 24 તારીખથી 29 નોટિસ પછી પાંચ દિવસ મુદત પછી 15 દિવસ સર્વે કરતા લાગે એટલે છેલ્લા ખેડૂતનો વારો 25 માં દિવસે આવે ત્યારે સવાલ એ છે કે ખેડૂતો સર્વે કરવા આવે તેના માટે 25 દિવસ ખેતર ખાલી રાખે કે વાવણી કરી દયે ??
6) શું સરકાર ખેડૂતોના પાક નુકશાની, જમીન ધોવાણનું સર્વે કરવાના નાટક જ કરવા માંગે છે કે સરકાર શુદ્ધ ઈરાદાથી ખેડૂતોને મદદ કરવા માંગે છે ??
7) ઘેડ વિસ્તારના 5 થી 6 હજાર ખેડૂતો જૂનાગઢ કલેકટરશ્રીને ઘેડના પ્રાણ પ્રશ્નોની રજુઆત કરવા જૂનાગઢ આવ્યા કલેકટરશ્રી, RAC કે ડેપ્યુટી કલેકટર નીચે આવી ખેડૂતોનું આવેદનપત્ર સ્વીકારે તેવી હજારો ખેડૂતોની સતત 2.30 કલાક માંગ સાથે તેઓ વરસતા વરસાદમાં નીચે રાહ જોતા રહ્યા પણ ત્રણ પૈકી એકપણ અધિકારી 2.30 કલાક સુધી આવેદનપત્ર સ્વીકારવા નીચે ન આવ્યા તે ન જ આવ્યા. છેલ્લે ખેડૂતોએ લોકશાહીનું અહિંસક હથિયાર અખત્યાર કર્યું અને જાહેર કર્યું કે ""જો ઉપરોક્ત ત્રણ પૈકી કોઇપણ એક અધિકારી 10 મિનિટમાં આવેદનપત્ર સ્વીકારવા નીચે નહિ આવે તો અમો અન્નજળ નો ત્યાગ કરીશું"" અને જનતાના સેવક એવા કલેક્ટરે ડેપ્યુટી કલેક્ટરને ત્રીજી મિનિટે ખેડૂતોની રજુઆત સાંભળવા નીચે મોકલવા પડ્યા. શું આ ઘટનાને જૂનાગઢ કલેકટરશ્રી એ પોતાના અહમ કે ઈગો સાથે સરખાવ્યો છે ??
જૂનાગઢ કલેકટરશ્રી પોતાનો અહમ ઘવાયો એવું સમજી જૂનાગઢ જિલ્લાના અને ખાસ ઘેડ વિસ્તારના ખેડૂતો સાથે આ રીતે ગોકળગાય ગતિએ સર્વેની કામગીરી કરી બદલો લેવા માંગે છે ??
મહોદયશ્રી આપશ્રીને નમ્ર અરજ છે કે આ નોટિસો લગાવવી, અરજીઓ મેળવવી અને તેમાં 10 દિવસ બરબાદ કર્યા વગર સર્વેની જે ટીમ ફાળવવામાં આવી છે તેને આદેશ કરવામાં આવે કે ખેડૂતોના ખેતરોમાં આજે જ પહોંચો અને જ્યાં નુકશાની છે તેની વિના વિલંબે સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવે મહોદયશ્રી જૂનાગઢ અને પોરબંદર ઘેડ વિસ્તારમાં સર્વે કરવા જેવું કંઈ બચ્યું જ નથી ઘેડ વિસ્તારમાં ઓછામાં ઓછું 60 થી 70 હજાર કરોડનું નુકશાન થયું છે અને જેતપુરનું ઔદ્યોગિક વસાહત કેમિકલ ઊબેણ નદીમાં છોડી અમારા પાક ખેતરો બરબાદ કરે છે તેની તો ગણતરી પણ થઈ શકે તેમ નથી ત્યારે સરકાર બધું જ નુકસાન ભરપાઈ ન કરી શકે એ સમજી શકાય પણ ફૂલ નહિ તો ફૂલની પાંખડી સમાન ઓછામાં ઓછું 500 થી 600 કરોડનું સ્પેશિયલ પેકેજ ઘેડ વિસ્તાર માટે આપવામાં આવે અને ઊબેણમાં ઝેરી કેમિકલ ઠાલવવાનું સદંતર બંધ કરવામાં આવે જો સરકાર દ્વારા તાત્કાલિક ઉપરોક્ત આદેશ રદ્દ કરી આજથી જ સર્વેની કામગીરી ચાલુ કરવામાં નહિ આવે તો ફરીથી જૂનાગઢ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી અમો ખેડૂતો ગાંધી ચીંધ્યા માર્ગે કલેક્ટર કચેરીએ ઉપવાસ આંદોલન પર બેસી જઈશું.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
