દિલ્હીના CM કેજરીવાલે આપી ઇલેક્ટ્રિક ઓટોરિક્ષાને લીલી ઝંડી, કહ્યું 3,500 લોકોને મળશે રોજગાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે આઈપી ડેપોમાંથી ઈલેક્ટ્રિક ઓટોરિક્ષાને લીલી ઝંડી બતાવીને તેને લોન્ચ કરી હતી.
નવી દિલ્હી, 31 માર્ચ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે આઈપી ડેપોમાંથી ઈલેક્ટ્રિક ઓટોરિક્ષાને લીલી ઝંડી બતાવીને તેને લોન્ચ કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ઈ ઓટો 3,500 લોકો ચલાવશે. આનાથી 3,500 લોકોને રોજગાર મળશે, જેમાંથી 500 મહિલાઓ છે. જે એક બહુ ગર્વની વાત છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અવસર પર કહ્યું કે, દિલ્હી સરકાર દ્વારા બનાવવામાં આવેલી ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) પોલિસીની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ રહી છે. દિલ્હીને દેશની EV રાજધાની માનવામાં આવે છે. લોકો વધુને વધુ ઇવી ખરીદી રહ્યા છે. આ વર્ષે તેમના દ્વારા ખરીદવામાં આવેલા કુલ વાહનોમાંથી 10 ટકા ઇલેક્ટ્રિક વાહનો હતા.
બીજી તરફ બુધવારના રોજ કેજરીવાલના સરકારી આવાસ પર થયેલી તોડફોડ પર દિલ્હીના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જો દુનિયાની સૌથી મોટી અને સત્તાધારી પાર્ટી દિલ્હીમાં આવી ગુંડાગીરી કરશે, તો તે દેશના યુવાનોને શું સંદેશ આપશે? દેશ આ રીતે પ્રગતિ કરી શકે નહીં.
30 માર્ચના રોજ થયો હતો હુમલો
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના ઘર પર 30 માર્ચના રોજ કેટલાક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેની જાણકારી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી છે. મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી કેજરીવાલના ઘર પર હુમલો કરતી વખતે અસામાજિક તત્વોએ સીસીટીવી કેમેરા અને સુરક્ષા અવરોધો તોડી નાખ્યા હતા.
ભાજપ પર તોડફોડનો આરોપ
આવા સમયે ભાજપ પર આ તોડફોડનો આરોપ લગાવતા સિસોદિયાએ લખ્યું કે, ભાજપના ગુંડાઓ મુખ્યમંત્રીના ઘરની તોડફોડ કરતા રહ્યા હતા. ભાજપ પોલીસ તેમને રોકવાને બદલે ઘરના દરવાજા સુધી લઈ આવી હતી. સિસોદિયાએ દિલ્હી પોલીસ પર પણ નિશાન સાધ્યું હતું.
આવા સમયે, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મનીષ સિસોદિયા સિવાય, આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓએ પણ ટ્વિટ કરીને આ ઘટના માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. આ સાથે જ દિલ્હી પોલીસ પર આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે, તેમની હાજરીમાં આ હુમલો કરવામાં આવ્યો છે.
50 લોકોની અટકાયત કરાઇ
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના ઘર પર થયેલા હુમલા અંગે માહિતી આપતાં દિલ્હી ઉત્તર ડીસીપીએ કહ્યું કે, બીજેવાયએમનો વિરોધ ચાલી રહ્યો હતો, જેમાં કેટલાક દેખાવકારોએ હોબાળો મચાવ્યો હતો અને સીસીટીવી પર હુમલો કરતા મુખ્યમંત્રીના આવાસની બહાર રંગ ફેંક્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનાના સંબંધમાં 50 લોકોની અટકાયત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
