Rajkot AIIMS: રાજકોટ એઇમ્સનું 79 ટકા બાંધકામ પૂર્ણ, કેન્દ્ર સરકારે આપી માહિતી
Rajkot AIIMS : રાજકોટમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું 79 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે, તેમ સંસદના ચાલુ શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. એમબીબીએસના વર્ગો શરૂ થયા છે, અને આરોગ્ય સંસ્થામાં ઓપીડી સેવાઓ પણ કાર્યરત કરવામાં આવી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવાર દ્વારા મંગળવારના રોજ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આ વાત કહી.

ડૉ. ભારતી પ્રવિણ પવારે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (PMSSY) હેઠળ સમગ્ર દેશમાં 22 નવી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)ની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે.
ડૉ. ભારતી પ્રવિણ પવારે જણાવ્યું હતું કે, મંજૂર કરવામાં આવેલા 22 AIIMSમાંથી 6 AIIMS ભોપાલ (મધ્યપ્રદેશ), ભુવનેશ્વર (ઓડિશા), જોધપુર (રાજસ્થાન), પટના (બિહાર), રાયપુર (છત્તીસગઢ) અને ઋષિકેશ (ઉત્તરાખંડ) ખાતે 2012માં કાર્યરત થઈ છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના જામનગર રોડ પર આવેલા ખંડેરી અને પરા પીપળીયા ગામની રેવન્યુ વિસ્તારમાં 201 એકર જમીન પર રાજકોટ એઈમ્સ હોસ્પિટલની મુખ્ય ઇમારત સહિત કુલ 25 બિલ્ડિંગ અંદાજિત રૂપિયા 1,195 કરોડના ખર્ચે બની રહી છે.
રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં ઓપીડી શરૂ થઈ ગઈ હોવા છતાં હોસ્પિટલ શહેરથી ઘણી દૂર આવેલી હોવાથી હાલમાં તેને ખૂબ જ નીરસ પ્રતિસાદ મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં દરરોજ માત્ર 100 જેટલા દર્દીઓ ઓપીડી સેવા માટે આવે છે.
જિલ્લા સત્તાધિકારીના જણાવ્યા મુજબ, AIIMS રાજકોટે દર્દીઓના તમામ પાસાઓની કાળજી લેવા માટે પૂરતી સંખ્યામાં ફેકલ્ટી, વરિષ્ઠ અને જુનિયર રેસિડેન્ડ, નર્સો, પેરામેડિકલ સ્ટાફ અને હોસ્પિટલ સપોર્ટ સ્ટાફની નિમણૂક કરી છે. રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં પાંચ માળ છે, જેમાં રેડિયોથેરાપીની સુવિધા બેઝમેન્ટમાં હશે, જ્યારે ડૉકટર્સનો રૂમ, લેબોરેટરી કન્સલ્ટન્ટ રૂમ, ફાર્મસી સ્ટોર ગ્રાઉન્ડ ફ્લોર પર હશે.
ICU, વિવિધ વોર્ડ, કન્સલ્ટન્ટ રૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ ઓપરેશન થિયેટર પહેલા માળે હશે. લેક્ચરર્સ રૂમ, વિવિધ વોર્ડ, ઓપરેશન થિયેટર બીજા માળે હશે, જ્યારે વોર્ડ અને ડોક્ટર્સ રૂમ ત્રીજા, ચોથા અને પાંચમા માળે હશે.
ગુજરાતની પ્રથમ રાજકોટ એઈમ્સ હોસ્પિટલ ટૂંક સમયમાં બેડની સુવિધા પૂરી પાડવાનું શરૂ કરી શકે છે. રાજકોટ એઈમ્સ હોસ્પિટલ ડિસેમ્બરના અંત સુધીમાં શરૂ થવાની શક્યતા છે. જેમાં 250 બેડની સુવિધા ઉપલબ્ધ થશે. સૌરાષ્ટ્રના 12 જિલ્લાના દર્દીઓ રાજકોટ એઈમ્સ હોસ્પિટલ સારવાર લેશે.












Click it and Unblock the Notifications
