રાજકોટમાં સિમેન્ટ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
રાજકોટ જિલ્લામાં સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા ત્રણ મજૂરો સોમવારની વહેલી સવારે કામ કરી રહ્યા હતા, ત્યારે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા હતા. ગોંડલ-જેતપુર હાઈવે પર આવેલા હાઈ બોન્ડ સિમેન્ટના યુનિટમાં સવારે 5 કલાકેની આસપાસ આ ઘટના બની હતી.
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓમાં ગીર-સોમનાથ જિલ્લાના દેવલપુર ગામના રહેવાસી આશિષ સોલંકી (25), સુત્રાપાડા શહેરનો રાહુલ પંપાણીયા (22) અને ઉત્તર પ્રદેશનો વતની અમર વિશ્વકર્મા (33) છે. ગોંડલ પોલીસે જણાવ્યું કે, તમામ સિમેન્ટ ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા હતા.
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી એસજી કેસવાલાએ જણાવ્યું હતું કે, બધા નાઇટ શિફ્ટમાં કામ કરી રહ્યા હતા. વહેલી સવારે, તેઓ જ્વલનશીલ પ્રવાહીથી ભરેલી કેમિકલ ટાંકીનું વેલ્ડિંગ કામ કરી રહ્યા હતા. તે સમયે જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
ગોંડલ તાલુકા પોલીસે જણાવ્યું હતું કે, અન્ય બે લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ગોંડલ તાલુકા પોલીસે IPC કલમ 304 (એ) અને 114 હેઠળ બે ઈજનેરો - વિશાલ કાચેલા અને માલવ પટેલ સામે ગુનો નોંધ્યો હતો. તપાસ અધિકારી કેસવાલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, ઈજનેરોની બેદરકારીના કારણે આ અકસ્માત થયો હતો. યોગ્ય પરવાનગી વગર અને નિષ્ણાતોની ગેરહાજરીમાં શરૂ કરાયેલા કામમાં તેમની બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.