મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે પડધરીમાં દિવ્યાંગોને સાધન સહાય વિતરણ
Rajkot : રાજ્યના સામજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને આજે પડધરીમાં દિવ્યાંગજનો માટે સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીના હસ્તે દિવ્યાંગોને સાધન સહાય આપવામાં આવી હતી.
આ સાથે મંત્રી ભાનુબેને દિવ્યાંગોને લાગણીસભર શબ્દોથી હિંમત આપીને પોતાની વિશિષ્ટ ક્ષમતાઓને ઉજાગર કરવા પ્રેરિત કર્યા હતા. આ તકે મંત્રીના હસ્તે કેમ્પ માટે દિવ્યાંગોના સર્વેથી લઈને સાધન સહાય વિતરણ સુધીની જહેમત ઉઠાવનારા વિવિધ વિભાગોના કર્મચારીઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
પડધરીમાં આજે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, RECPDCL તથા એલિમ્કોના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પડધરી તાલુકાના 123 દિવ્યાંગોને રૂપિયા 17.52 લાખની કિંમતના 254 વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે મંત્રી ભાનુબેન બાબરીયાએ લાગણીસભર રીતે જણાવ્યું હતું કે, આપણને નાની ઈજા પહોંચે તો પણ સતત પીડા થાય, તેની ચિંતા થયા કરે, તો જે બાળક દિવ્યાંગ છે, તેમના માતા-પિતાને કેટલી મુશ્કેલીઓ થતી હશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે આ વાતની ચિંતા કરીને દિવ્યાંગોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ શબ્દને બદલે દિવ્યાંગ શબ્દ આપ્યો છે, તેનો ઉલ્લેખ કરતાં મંત્રીએ કહ્યું હતું કે, દિવ્યાંગનો અર્થ જ છે કે, જેનું કોઈ અંગ દિવ્ય છે, જેનામાં કોઈને કોઈ દિવ્ય શક્તિનો વાસ છે. આથી પોતાને કોઈનાથી પાછળ ન સમજતાં વિશિષ્ટ સમજીને પોતાની ખૂબીઓ ઉજાગર કરવાની પ્રેરણા અને હિંમત પણ તેમણે આપી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનેક વિધ યોજનાઓ બનાવીને જમીન પર ઉતારી છે. જેનું પરિણામ છે કે, પડધરીના છેવાડાના દિવ્યાંગોને આજે ઘરઆંગણે સરકારી યોજનાના લાભ મળી રહ્યો છે. આ સાથે દિવ્યાંગોને ઘરઆંગણે લાભ પહોંચાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર સહિત તમામ વિભાગોએ ઉઠાવેલી જહેમત બદલ ધન્યવાદ પાઠવ્યા હતા.
આ તકે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ આ વિવિધ સાધન સહાયથી દિવ્યાંગોના જીવનમાં ઉજાશ આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, આ કેમ્પ પૂર્વે પડધરીમાં જ દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. જેના માટે પડધરી તાલુકાના નોંધાયેલા તમામ 417 દિવ્યાંગોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ક્યા દિવ્યાંગને ક્યા સાધનોની જરૂર છે, તેનું મૂલ્યાંકન કરાયું હતું. એ પછી 123 પાત્રતા ધરાવતા દિવ્યાંગોની યાદી તૈયાર કરીને આજે તેમને સહાય વિતરણ કરાઈ રહી છે. આ માટે ઉઠાવેલી વિશેષ જહેમત બદલ વિવિધ વિભાગોના કર્મચારીઓ-અધિકારીઓનો તેમણે આભાર માન્યો હતો.
કલેક્ટરે સૌને આશ્વાસન આપ્યું હતું કે, આ કેમ્પ પૂર્વે પડધરી તાલુકાના તમામ દિવ્યાંગો સુધી પહોંચ્યા છીએ અને સર્વે કર્યો છે. આગામી દિવસોમાં રાજકોટ જિલ્લામાં અન્ય તાલુકાઓમાં સાધન સહાય મૂલ્યાંકન માટે દિવ્યાંગોના સર્વેની ઝુંબેશ ચાલુ રહેશે તેમજ બે તાલુકામાં ટૂંક સમયમાં જ સાધન સહાય વિતરણ કેમ્પ થવા જઈ રહ્યા છે, એમ ઉમેર્યું હતું. આ તકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થના સેરસિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં પડધરી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ હેતલબેન ચાવડા, ગ્રામ્ય પ્રાંત અધિકારી (ઈન્ચાર્જ) તથા જિલ્લા પૂરવઠા અધિકારી રાજશ્રી વંગવાણી, પડધરી મામલતદાર કે. જી. ચુડાસમા, તાલુકા વિકાસ અધિકારી જી. બી. ભીમાણી, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. વૈભવ ગોરિયા, પડધરી ગ્રામના સરપંચ વિજય પરમાર, RECPDCLના ચીફ મેનેજર સેમ્લ્યુઅલ ક્રિસ્ટી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
