સુરતમાં ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીની આડમાં ડ્રગ્સની ફેક્ટરની ઝડપાઈ
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી પોલારિસ શોપિંગ મોલમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ મોટી કાર્યવાહી કરી છે. અહીં ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીના બહાને ચાલતા ગેરકાયદેસર ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટનો પોલીસે પર્દાફાશ કરીને ત્રણ લોકોની ધરપકડ કરી છે.
આ સમગ્ર કૌભાંડના તાર છેક લંડન સુધી જોડાયેલા હોવાનું સામે આવતા સુરત પોલીસ પણ ચોંકી ઉઠી છે.

પોલીસે બાતમીના આધારે અમરોલીના ૨૧ વર્ષીય જીલ ઠુમ્મર નામના યુવકની ૨૩૬ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ ડ્રગ્સ બહારથી મંગાવવાને બદલે સુરતની જ એક લેબમાં તૈયાર કરવામાં આવ્યું હતું. આ માહિતિના આધારે પોલીસે લેબોરેટરી પર દરોડા પાડી તપાસ તેજ કરી હતી.
લેબમાં ફૂડ ટેસ્ટિંગના બદલે આધુનિક મશીનરી અને કેમિકલની મદદથી ઉચ્ચ ગુણવત્તાનું મેફેડ્રોન ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી આશરે ૨.૯૨ લાખ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ, રિએક્ટર્સ અને અન્ય જોખમી કેમિકલ્સનો જથ્થો જપ્ત કર્યો છે.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં કેમિકલ વિજ્ઞાનના જાણકાર લેબોરેટરી ટેકનિશિયનોનો પણ સમાવેશ થાય છે જેઓ આ કામમાં માહેર હતા.
તપાસમાં ખુલાસો થયો છે કે આ લેબનો મુખ્ય સૂત્રધાર જનક જદાણી હાલ લંડનમાં બેસીને આખું નેટવર્ક ચલાવી રહ્યો છે. જનક લંડનથી જ નાણાકીય સહાય, કેમિકલ ફોર્મ્યુલા અને ડ્રગ્સ બનાવવાની તમામ સૂચનાઓ લેબના સંચાલકોને આપતો હતો. આ ડ્રગ્સ સુરતના વીઆઈપી વિસ્તારોમાં પેડલરો દ્વારા સપ્લાય કરવામાં આવતું હોવાની પોલીસને પ્રબળ શંકા છે.
વિદેશી કનેક્શન સામે આવતા હવે સુરત પોલીસ આ મામલે કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવાની તૈયારી કરી રહી છે. લંડન બેઠેલા મુખ્ય આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઇન્ટરપોલની મદદ લેવા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. શહેરના પોશ વિસ્તારમાં મોલની અંદર ચાલતી આ ડ્રગ્સ ફેક્ટરી ઝડપાતા ડ્રગ માફિયાઓમાં ભારે ફફડાટ મચી ગયો છે.












Click it and Unblock the Notifications
