વડોદરાના ચાણસદ ખાતે મુખ્યમંત્રીએ નારાયણ સરોવરનું લોકાર્પણ કર્યુ
વડોદરા : પ્રમુખ સ્વામીના જન્મ સ્થળ વડોદરા જિલ્લાના ચાણસદમાં ગુજરાત પ્રવાસન નિગમ લિમિડેટ અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંયુક્ત સહયોગથી નિર્માણ પામેલા નારાયણ સરોવરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ વિધાન સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

નારાયણ સરોવરનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિના ત્રણ આધારસ્તંભ સંત, શાસ્ત્ર અને મંદિરને મજબૂત કરવાનું યુગકાર્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે થયું છે.
રાજ્યના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, તેમ જણાવતા મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, આ વર્ષે બજેટમાં અમૃત 2.0 અંતર્ગત તળાવોના વિકાસ અને પાણી-પુરવઠાના કામો માટે 1454 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીને તેને સંગ્રહ કરવાનો અનુરોધ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભગવાન મહાવીરે પણ પાણીને ઘીની જેમ વાપરવાની સલાહ આપી છે.
અહીં મુખ્યમંત્રીએ પ્રમુખ સ્વામીના જન્મસ્થળે નવનિર્મિત નારાયણ સરોવરનું લોકાર્પણ કરતા ધન્યતા અને સદ્ભાગ્યની લાગણી અનુભવતા જણાવ્યુ કે, પ્રમુખ સ્વામીના શૈશવકાળના સંસ્મરણો ધરાવતા આ તળાવનું રિડેવલેપમેન્ટ રાજ્ય સરકારના પ્રવાસન નિગમ અને બીએપીએસ સંસ્થાના સહકારથી કરવામાં આવ્યું છે.
અહીં મુખ્યમંત્રીએ બીએપીએસના સમાજસેવાના કાર્યોની સરાહના કરતા જણાવ્યું કે, આ સંસ્થાએ રાજ્ય સરકાર સાથે રહીને પ્રજાજનો માટે અનેકવિધ કાર્યો કરવા સાથે કોરોનાકાળમાં પણ લોકસેવાનું ભગીરથ કાર્ય કર્યું હતું.
આ પ્રસંગે પ્રવાસન મંત્રી મૂળુ બેરાએ નારાયણ સરોવરને હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર ગણાવ્યુ અને કહ્યું કે, પવિત્ર ભૂમિ ચાણસદમાં આવેલા નારાયણ સરોવરના બ્યુટીફીકેશનથી લાખો પર્યટકોને લાભ મળશે. તેમણે ઉમેર્યું કે, સ્વામીજીએ વિશ્વશાંતિ માટે સેવાકાર્યોનો અનોખો ચીલો ચાલુ કર્યો હતો. સંસ્કારયુક્ત શિક્ષણ પર ભાર આપીને સ્વામીજીએ કરોડો યુવાનોની કારકિર્દીને ઉજ્જવળ બનાવી છે.












Click it and Unblock the Notifications
