વડોદરાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા સરોવરની સપાટી વધી, તંત્ર એલર્ટ મોડ પર
Ajwa Sarovar Vadodara: વડોદરા શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ઐતિહાસિક આજવા સરોવરના ઉપરવાસમાં ભારે વરસાદ થવાના કારણે સરોવરની સપાટીમાં વધારો શરૂ થયો છે. આજે બપોરે આજવા સરોવરની સપાટી 211.46 ફૂટ હતી.

Ajwa Sarovar: આજવા સરોવરમાં છેલ્લા 24 કલાકમાં 97 મીમી વરસાદ નોંધાયો છે. મોસમનો કુલ વરસાદ 966 મીમી થયો છે. જ્યારે ધનસરવાવમાં 49 મીમી વરસાદ થયો છે. મોસમનો કુલ વરસાદ 1188 મીમી નોંધાયો છે. આજવામાં પાણી ઠાલવતી આસોજ ફીડર 0.56 મીટરએ ચાલુ છે, એટલે હજી આજવામાં સપાટી વધશે. આજવા સરોવરની સપાટી 31 ઓગસ્ટ સુધી 212 ફૂટ સુધી જાળવી શકાશે. 1 સપ્ટેમ્બર પછી સપાટી 212.50 ફૂટ સુધી રાખવામાં આવશે. આમ તો આજવામાં 214 ફૂટ સુધી પાણી ભરી શકાય છે.
હાલોલમાં પણ 2 કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હાલોલનું પાણી પ્રતાપપુરા સરોવરમાં ડાયવર્ટ થઈને વિશ્વામિત્રી નદીમાં જાય છે. પ્રતાપપુરા સરોવરમાં આજે બપોરે લેવલ 226.80 ફૂટ હતું. પ્રતાપપુરામાંથી પાણીની આવક ચાલુ હોવાથી નદીની સપાટી હજી વધારે નોંધાશે. આજે બપોરે નદીની સપાટી 8.30 મીટર થઈ હતી.
આજવા સરોવરનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ પર
કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, ઉપરવાસમાં ભારે વરસાદનું મોનિટરિંગ કરવા માટે હાલોલ એડમિનિસ્ટ્રેશન સાથે સતત સંપર્કમાં રહીને સંકલન જાળવવામાં આવી રહ્યું છે. આજવા સરોવરમાં આવતું પાણી પ્રતાપપુરા સરોવર થઈને આવે છે. કમિશનરે કહ્યું કે ફ્લડ મેનેજમેન્ટની ગાઇડલાઇન મુજબ કામગીરી કરવામાં આવી રહી છે અને સરોવરનું વોટર લેવલ નિયમ પ્રમાણે જાળવી રાખવામાં આવી રહ્યું છે. તેમણે એ પણ ઉમેર્યું કે પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરમાં કાંસ અને નાળાની સફાઈ થઈ હોવાથી પાણી સરળતાથી ઉતરી જશે અને જળબંબાકાર જેવી સ્થિતિ નહીં સર્જાય.
કમિશનર અરુણ મહેશ બાબુએ કહ્યું હતું કે, અમે 'કેચ ધ રેઇન' અભિયાન અંતર્ગત કામગીરી કરી રહ્યા છીએ અને પાણીના યોગ્ય નિકાલ માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. આમ તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાં અને સાવચેતીને કારણે શહેરીજનોને હાલ કોઈ ગભરાટ રાખવાની જરૂર નથી.












Click it and Unblock the Notifications
