For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM નરેન્દ્ર મોદી 18 જૂને કરશે વડોદરાની મુલાકાત, જાણો વિવિધ કાર્યક્રમો

વડાપ્રધાન વડોદરાના કાર્યક્રમમાં કુંઢેલા નજીક 100 એકર જમીનમાં સ્થપાનારી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના નિર્માણ માટે શિલાન્યાસ કરશે.

|
Google Oneindia Gujarati News

વિદ્યાના વારાણસી સમા વડોદરામાં સરસ્વતી સાધનાની વધુ એક અનુપમ સુવિધા સાકાર થશે. વડાપ્રધાન વડોદરાના કાર્યક્રમમાં કુંઢેલા નજીક 100 એકર જમીનમાં સ્થપાનારી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના નિર્માણ માટે શિલાન્યાસ કરશે. ગુજરાત સરકારે કરોડોમાં મૂલ્ય અંકાય એવી બેશકીમતી જમીન અને ભારત સરકારે રૂપિયા 743 કરોડ આ આંતરરાષ્ટ્રીય કક્ષાની શિક્ષણ સુવિધાઓથી સજ્જ વિદ્યાધામના સર્જન માટે ફાળવ્યા છે.

pm modi

દીર્ઘદ્રષ્ટા સયાજીરાવ મહારાજે વડોદરાને બનાવ્યું વિદ્યાનું વારાણસી

લોક કલ્યાણ માટે સયાજીરાવના શાસન સૂત્રોમાં અડગ વિશ્વાસ ધરાવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વડોદરાની વિદ્યાના આંતરરાષ્ટ્રીય ધામ તરીકેની ખ્યાતિને વધુ વ્યાપક બનાવવા શિક્ષણના આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુસરીને જેનું નિર્માણ થવાનું છે, તેવી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત - ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય માટે વડોદરાની પસંદગી કરીને એક નવું વિદ્યા આયામ ઉમેરવાનું દૂરંદેશીભર્યું આયોજન કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂનના રોજ વડોદરાના લેપ્રસી મેદાન પર યોજાનારા ગુજરાત ગૌરવ અભિયાન પ્રસંગે ડભોઇ તાલુકાના કુંઢેલા નજીક આ નવીન વિશ્વવિદ્યાલયના સંકુલના નિર્માણ માટે શિલાન્યાસ કરશે. આ દિવસે તેઓ વડોદરામાં જ આકાર લેનારી, દેશની તેના પ્રકારની સર્વ પ્રથમ ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના નિર્માણનો પણ પ્રારંભ કરાવવાના છે. આમ એક જ દિવસમાં વિદ્યાના વારાણસી જેવા વડોદરાની શિક્ષણ સુવિધાઓમાં બે ઉચ્ચતમ શિક્ષણ સંસ્થાઓના ઉમેરાનો માર્ગ ખુલશે અને આ દિવસ વડોદરાના ઉજ્જવળ ઇતિહાસમાં અંકિત થઈ જશે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રધાનમંડળના સદસ્યોની ઉપસ્થિતિમાં આ શિલાન્યાસ થશે. શિક્ષણ સુવિધાને વ્યાપક બનાવવાના સંકલ્પ હેઠળ ગુજરાત સરકારે આ નવા વિદ્યાધામના નિર્માણ માટે કુંઢેલા નજીક કરોડોમાં કિંમત અંકાય એવી 100 એકર વિશાળ જમીન ફાળવી છે.

ભારત સરકારે આ નવીન વિશ્વવિદ્યાલય માટે સુવિધાસંપન્ન પરિસરના નિર્માણ માટે રૂપિયા 743 કરોડ મંજૂર કર્યા છે. અઢી હજાર વિદ્યાર્થીઓ વૈશ્વિક માપદંડો પ્રમાણેનું શિક્ષણ આ વિદ્યાધામમાં લઈ શકે, તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરામાં પ્રવેશતા જ ગુજરાતની અસ્મિતા અને વૈવિધ્યથી ભરેલી સંસ્કૃતિનો આપોઆપ પરિચય મળી જાય એવું ભવ્ય પ્રવેશદ્વાર બનવાનું છે. હરિયાળા પરિસરમાં અદ્યતન સુવિધાઓ હેઠળ નિવાસી શિક્ષણની વ્યવસ્થા એ વડોદરાની આગવી વિશેષતા બનશે.

આ વિશ્વવિદ્યાલયમાં સંખ્યાબંધ વિદ્યાશાખાઓનું ઉત્તમ શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની રૂપરેખા ઘડવામાં આવી છે. તેના પ્રમાણે રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, નેનો સાયન્સ, પર્યાવરણ અને સમપોષક વિકાસ, પ્રયુક્ત સામગ્રી (એપ્લાઇડ મટીરીયલ) વિજ્ઞાન, માનવિકી (હ્યુમેનીટી) અને સામાજિક વિજ્ઞાન, ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સંબંધો, પ્રવાસી અધ્યયન (ડાયાસ્પોરા સ્ટડીઝ) અને પુસ્તકાલય વિજ્ઞાન તેમજ શિક્ષણ શાસ્ત્ર વિદ્યાશાખાના બહુઆયામી શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.

આ વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટી) ના ભાગરૂપે પુસ્તકો, સામયિકો, ડિજિટલ અને ઈ-રિસોર્સિસથી સમૃદ્ધ પુસ્તકાલય અને વિશાળ વહીવટી ભવન અહી નિર્માણ પામશે.

તેની સાથે વિવિધ બહુહેતુક ભવનો (મલ્ટીપર્પઝ બિલ્ડિંગ્સ), અતિથિ ગૃહ, છોકરા અને છોકરીઓ માટે સુવિધાસભર છાત્રાઆવાસો (હોસ્ટેલ) અને અતિ અદ્યતન સંશોધનો શક્ય બનાવતી આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રયોગશાળાઓ, મલ્ટી મીડિયા ફેસિલિટીઝ સાથેના વ્યાખ્યાન ખંડોનો નિર્માણ આયોજનમાં સમાવેશ થાય છે.

ગુજરાતીમાં કહેવત છે કે, માંગ્યા વગર તો માં પણ ન પીરસે, પરંતુ વડોદરા જેમની કર્મભૂમિ રહી છે, તેવા વડોદરા પ્રેમી વડાપ્રધાન, તેમના વ્હાલા વડોદરાને માંગ્યા કરતાં પણ વધારે અને અદકેરી વિકાસ સુવિધાઓ આપી રહ્યાં છે. જેની પ્રતીતિ આ બે અનન્ય વિદ્યાધામો કરાવશે.

વડોદરા નજીક ગુજરાતની પહેલી સેન્ટ્રલ યુનિવર્સિટી બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારના રોજ વડોદરામાં જેના નિર્માણનો શિલાન્યાસ કરવાના છે એ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત - ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ગુજરાતની પહેલી સેન્ટ્રલ યુનિવર્સિટી બનશે. પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં દેશમાં કુલ 54 કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો (સેન્ટ્રલ યુનિવર્સિટી) શિક્ષણ પ્રદાન કરી રહ્યાં છે. દેશના 15 રાજ્યોમાં આ વિશ્વવિદ્યાલયો કાર્યરત કરવામાં આવ્યા છે. કુંઢેલા CUGનું ટ્રાન્જીટ હેડ ક્વાર્ટર પ્રથમ ગાંધીનગર રાખવામાં આવ્યું છે, જે પરિસર નિર્માણ પછી આ સ્થળે ખસેડવામાં આવશે.

દેશના તમામ રાજ્યોના વિદ્યાર્થીઓ હાલની સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવે છે. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓનું પ્રમાણ અંદાજે 20 ટકા જેટલું હોવાનું અનુમાન છે.

English summary
PM Narendra Modi will visit Vadodara on 18th June, know various programs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X