વડોદરામાં ભારે વરસાદથી બિસ્માર રસ્તા રિપેર કરવા કામગીરી શરૂ કરી
વડોદરામાં ભારે વરસાદથી બિસ્માર રસ્તા રિપેર કરવા કામગીરી શરૂ કરી
વડોદરા શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓ પૂરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વચ્ચે આવતા પૂલમાં ખતરાના નિશાનથી ઉપર પાણી જવાના કારણે કુલ ૬ રાજ્ય ધોરી માર્ગોનો વાહન વ્યવહાર નજીકના સલામત રસ્તેથી ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. હવે તેમાંથી ત્રણ માર્ગો ઉપર પાણી ઓસરી જતાં આ માર્ગો ફરી ચાલી કરી દેવામાં આવ્યા છે. તેની સાથે તાલુકા દીઠ બે એમ ૧૬ ટીમો માર્ગોમાં પડેલા ખાડાઓ રિપેર કરવા માટે કામે લગાડવામાં આવી છે. કોઇ સ્થળે માર્ગની પેરાપીટ ધોવાઇ હોય તો તેનું પણ પૂરાણ કરવામાં આવી રહ્યું છે. વાહન વ્યવહારને કોઇ અડચણ ન પડે અને પુર્વવત્ ચાલુ કરી શકાય તે માટેની કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

પૂરની સ્થિતિ બાદ રોડ રસ્તાઓના સમારકામ બાબતે માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર નૈનેશ નાયકાવાલાએ જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોના કુલ ૨૧ રસ્તાઓ ઉપર ટ્રાફિક બાધિત થયો છે. વાહનચાલકોની સલામતી માટે આ માર્ગો બંધ કરવામાં આવ્યા હતા. હવે, પાણી ધીમેધીમે ઓછું થતાં માર્ગો ઉપર ફરી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવી રહ્યો છે. હાલની સ્થિતિએ કુલ ૧૫ માર્ગો બંધ છે. જે જલ્દી શરૂ થઈ જાય તેવું આયોજન છે. તેની સાથે ગ્રામીણ વિસ્તારોના માર્ગોમાં પડેલા ખાડાઓ પૂરવા માટે પેચવર્કની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
