
અમેરિકી રિપોર્ટમાં ખુલાશો, ચીન પાસે 2030 સુધીમાં હજારથી વધુ પરમાણું બોમ્બ હશે!
વોશિંગ્ટન ડીસી : વિશ્વમાં એક નવી મહાસત્તા તરીકે ઉભરી રહેલું ચીન પણ પોતાના પરમાણુ હથિયારોનો સ્ટોક વધારી રહ્યું છે. તે પોતાના પરમાણુ બળને વધુ શક્તિશાળી બનાવવા માટે અબજો ડોલરનો ખર્ચ કરી રહ્યું છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોન રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન પરમાણુ હથિયારોનો સ્ટોક ઝડપથી વધારી રહ્યું છે. પેન્ટાગોનના રિપોર્ટ અનુસાર, ચીન તેના પરમાણુ ભંડારને એક વર્ષ પહેલા અમેરિકી અધિકારીઓના અંદાજ કરતા ઘણી ઝડપથી વધારી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 6 વર્ષની અંદર ચીનના પરમાણુ હથિયારોની સંખ્યા વધીને 700 થઈ શકે છે, જે 2030 સુધીમાં 1 હજારથી વધુ થઈ જશે.

ચીનના પરમાણુ હથિયારોની સંખ્યા વધી
જો કે ચીન પાસે હાલમાં કેટલા પરમાણુ હથિયારો છે તેના વિગતો પેન્ટાગોને આપી નથી. પેન્ટાગોન સિવાય દુનિયાની ઘણી એજન્સીઓ વિશ્વમાં પરમાણુ હથિયારોની સંખ્યા પર સંશોધન કરી રહી છે, જેમાં અમેરિકા-રશિયા અને ફ્રાન્સ પછી ચીન પાસે સૌથી વધુ હથિયાર હોવાનું કહેવાય છે. પેન્ટાગોનના તાજેતરના રિપોર્ટમાં એ જણાવવામાં આવ્યું નથી કે ચીન પાસે આજે કેટલા પરમાણુ હથિયારો છે. જો કે, લગભગ એક વર્ષ પહેલા પેન્ટાગોને કહ્યું હતું કે આ સંખ્યા 200 ની નજીક હોઈ શકે છે, જે આ દાયકાના અંત સુધીમાં બમણી થવાની સંભાવના છે. પેન્ટાગોનનો અહેવાલ ખુલ્લેઆમ ચીન સાથે અમેરિકાના મુકાબલાની શક્યતા વ્યક્ત કરતો નથી, પરંતુ તે ચીનની સૈન્ય અંગે અમેરિકાની ચિંતાઓને પ્રકાશિત કરે છે.

ચીન અમેરિકાની બરાબરી કરવા પ્રયાસ કરી રહ્યું છે
ચીન તમામ પ્રકારના ક્ષેત્રોમાં અમેરિકા સાથે સ્પર્ધામાં વ્યસ્ત છે. હવે ચીની સૈન્ય યુએસને યુદ્ધના તમામ ક્ષેત્રો (હવા, જમીન, સમુદ્ર, અવકાશ અને સાયબર સ્પેસ)માં પડકારવાની ઈચ્છા રાખે છે. ચીન પાસે હાલ સંખ્યાની દૃષ્ટિએ વિશ્વની સૌથી મોટી સેના છે. તેની પાસે 20 લાખથી વધુ સૈનિકો છે, જ્યારે અમેરિકા પાસે કુલ સૈનિકોની સંખ્યા લગભગ 1.4 મિલિયન છે. ભારતની વાત કરીએ તો આપણી સેનામાં 13 લાખ સૈનિકો છે. સાથે જ પેન્ટાગોનના રિપોર્ટ પર નજર કરીએ તો અમેરિકન અધિકારીઓએ પણ તાઈવાન પ્રત્યે ચીનના વલણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ચીન તાઈવાનને પોતાનો હિસ્સો હોવાનો દાવો કરે છે અને તેને પોતાની સાથે મર્જ કરવાની યોજના બનાવી રહ્યું છે.

હાઈપરસોનિક મિસાઈલનું પરીક્ષણ કર્યુ
16 ઓક્ટોબરે ચીનના હાઇપરસોનિક મિસાઇલ પરીક્ષણના સમાચાર મીડિયામાં આવ્યા હતા. બ્રિટિશ અખબાર ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ, ચીની સેના દ્વારા લોન્ચ કરાયેલ લોંગ માર્ચ રોકેટમાં હાઈપરસોનિક ગ્લાઈડ વાહન હતું, જે અવકાશની નીચી ભ્રમણકક્ષામાં પહોંચ્યા પછી પૃથ્વીની પરિક્રમા કરી અને ઝડપથી પોતાના લક્ષ્ય તરફ આગળ વધ્યું. તે ચીનની હાઇપરસોનિક મિસાઇલ હોવાની વાત છે, જેના પરીક્ષણને ચીને સંપૂર્ણપણે ગુપ્ત રાખ્યું હતું. ચીનના આ પ્રયાસથી અમેરિકન ગુપ્તચર એજન્સીઓ સ્તબ્ધ થઈ ગઈ હતી. પેન્ટાગોનના નવા અહેવાલમાં ચીનની DF-17 મધ્યમ-અંતરની બેલેસ્ટિક મિસાઈલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે હાઈપરસોનિક ગ્લાઈડ વાહનથી સજ્જ હતી.