• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો બાઇડન અને કમલા હેરિસની શપથવિધિમાં શું-શું થશે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ગણતરીના કલાકોમાં જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથગ્રહણ કરશે, જેને અમેરિકામાં 'ઇનૉગ્યુરેશન ડે' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પછી તેઓ સત્તાવાર રીતે વ્હાઇટ-હાઉસમાં પોતાનું કામકાજ સંભાળશે.

તારીખ 20મી જાન્યુઆરીએ યોજાનારા કાર્યક્રમમાં બાઇડન ઉપરાંત ઉપ-રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયેલાં કમલા હેરિસ પણ પદભારના શપથ લેશે.

કોવિડ-19ને કારણે શપથસમારંભમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. મહેમાનોની યાદી ટૂંકાવી દેવાઈ છે અને સુરક્ષાની ચાંપતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જાણો શપથવિધિ સમારંભ, સ્થળ તથા તેના વિશે બીજી રસપ્રદ માહિતી.

ઇનૉગ્યુરેશન શું છે ?

જો બાઇડન અને કમલા હેરિસ

'ઇનૉગ્યુરેશન'એ એક સત્તાવાર કાર્યક્રમ છે, જેની પૂર્ણાહુતિની સાથે રાષ્ટ્રપ્રમુખના કાર્યકાળની ઔપચારિક શરૂઆત થાય છે. આ કાર્યક્રમ વૉશિંગ્ટન ડી.સી. ખાતે યોજાય છે.

કાર્યક્રમના એકમાત્ર જરૂરિયાતના ભાગરૂપે રાષ્ટ્રપ્રમુખે હોદ્દા અને પદની શપથ લે છે.

શપથમાં નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ કહે છે, "હું પૂર્ણ નિષ્ઠા સાથે શપથ લઉં છું કે મારી પૂરી ઇમાનદારી સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખપદની જવાબદારી નિભાવીશ. હું પૂર્ણ ક્ષમતા સાથે અમેરિકાના બંધારણનાં સંરક્ષણ, સુરક્ષા અને બચાવ કરીશ."

બાઇડન આ શબ્દ ઉચારશે એ સાથે જ અમેરિકાના 46મા રાષ્ટ્રપ્રમુખ બનશે અને ઇનૉગ્યુરેશન પણ પૂર્ણ થઈ જશે. શપથવિધિની સાથે કમલા હેરિસ પણ ઉપ-રાષ્ટ્રપ્રમુખ બની જશે. સામાન્ય રીતે નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ કરતાં પહેલાં નવનિર્વાચિત ઉપ-રાષ્ટ્રપ્રમુખને શપથ અપાવવામાં આવે છે.

બાઇડનનું ઇનૉગ્યુરેશન ક્યારે?

https://www.youtube.com/watch?v=YPU8ET890Ek

અમેરિકાના બંધારણ મુજબ, તા. 20મી જાન્યુઆરીનો દિવસ ઇનૉગ્યુરેશન માટે નિર્ધારિત છે.

ભાષણની શરૂઆત મોટા ભાગે સ્થાનિક સમય મુજબ સવારે 11.30 કલાકે થાય છે. આથી જો બાઇડન તથા કમલા હેરિસની શપથવિધિ બપોરે બાર વાગ્યા આજુબાજુ યોજાશે.

આ કાર્યક્રમ પછી જો બાઇડન વ્હાઇટ-હાઉસ જશે અને આગામી ચાર વર્ષ સુધી ત્યાં નિવાસ કરશે.

અહીંની ઓવલ ઓફિસમાંથી તેઓ વહીવટ સંભાળશે. ફર્સ્ટ ફૅમિલી વ્હાઇટ-હાઉસમાં જરૂર મુજબ ફેરફાર કરાવશે, જ્યારે રાષ્ટ્રપ્રમુખ ઓવલ ઑફિસના રાચરચીલામાં ફેરફાર કરાવતા હોય છે.

ચાંપતો સુરક્ષા બંદોબસ્ત

રાષ્ટ્રપ્રમુખના પદ માટે યોજાતા ઇનૉગ્યુરેશન કાર્યક્રમ દરમિયાન સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. તા. છઠ્ઠી જાન્યુઆરીએ હુલ્લડખોરો કૅપિટલ હિલમાં પ્રવેશી ગયા હતા, જેના કારણે આ વખતે વધુ ચાંપતી સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવશે.

આ કાર્યક્રમ દરમિયાન નૅશનલ ગાર્ડના 10 હજાર સૈનિકને તહેનાત કરવામાં આવશે અને જરૂર પડ્યે વધુ પાંચ હજાર સૈનિકની તહેનાતી થઈ શકે તેવી ગોઠવણ કરવામાં આવી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ સમયે આઠ હજાર સૈનિક તહેનાત કરવામાં આવ્યા હતા.

વૉશિંગ્ટન ડીસીમાં ઇમરજન્સીની વચ્ચે જો બાઇડનની શપથવિધિ યોજાશે. તાજેતરમાં ફેલાયેલી અરાજકતા તથા હિંસાને કારણે મેયર મ્યુરિયલ બોઅરે ઇમરજન્સી લાદવાના આદેશ આપ્યા છે.

જો બાઇડને રિપોર્ટરોને જણાવ્યું હતું તેઓ પોતાની સુરક્ષા કે ઇનૉગ્યુરેશન અંગે ચિંતિત નથી. પરંતુ બાઇડનની ઇનૉગ્યુરેશન કમિટીનાં સભ્ય સૅનેટર એમી ક્લોબાશરના કહેવા પ્રમાણે, સુરક્ષાને કારણે વ્યાપક ફેરફાર કરવાની જરૂર ઊભી થઈ શકે છે.

તા. છઠ્ઠી જાન્યુઆરીએ જ્યારે ઉપદ્રવીઓ કૅપિટલ હિલમાં ઘૂસી ગયા હતા, ત્યારે એમી ત્યાં હાજર હતાં.

શપથવિધિને સમાંતર સમારંભ

નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખની શપથવિધિમાં વિદાય લેતાં રાષ્ટ્રપ્રમુખ ભાગ લે, એવી પરંપરા રહી છે. પદ છોડી રાષ્ટ્રપ્રમુખો માટે આ સ્થિતિ થોડી અસહજ કરી દેનારી હશે, પરંતુ આ વખતે અન્ય પ્રકારની અસહજતા ઊભી થશે. કારણ કે પદ છોડનારા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ શપથવિધિમાં ભાગ નથી લેવાના.

થોડા દિવસ પૂર્વે ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું, "જે લોકો પૂછી રહ્યા છે, તેમને જણાવી દઉં કે તા. 20મીના ઇનૉગ્યુરેશનમાં હું નહીં જાઉં."

આ પહેલાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ સુવ્યવસ્થિત રીતે નવા વહીવટીતંત્રને સત્તાનું હસ્તાંતરણ કરી દેશે. આમ જણાવીને તેમણે સાર્વજનિક રીતે પ્રથમ વખત સ્વીકાર્યું હતું કે રાષ્ટ્રપ્રમુખની રેસમાં તેઓ બાઇડનની સામે હારી ગયા છે.

સમર્થકોએ ટ્રમ્પ માટે 'વર્ચ્યુઅલ સેકન્ડ ઇનૉગ્યુરેશન'ની યોજના ઘડી છે. જે સમયે બાઇડન શપથ લેશે, એ સમયે જ ટ્રમ્પના સમર્થક પણ વર્ચ્યુઅલ શપથવિધિનું આયોજન કરશે.

લગભગ 68 હજાર કરતાં વધુ લોકોએ ફેસબુક ઉપર જણાવ્યું છે કે તેઓ ટ્રમ્પના સમર્થનમાં આયોજિત આ ઑનલાઇન ઇવેન્ટમાં ભાગ લેશે.

ચૂંટણીના પ્રચાર દરમિયાન ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટન વચ્ચે શાબ્દિક ચકમક ઝરી હતી, આમ છતાં માત્ર બે મહિના બાદ હિલેરી તેમના પતિ તથા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન સાથે ઇનૉગ્યુરેશનના કાર્યક્રમમાં સામેલ થયાં હતાં.

અમેરિકાના ઇતિહાસમાં માત્ર ત્રણ રાષ્ટ્રપ્રમુખ (જોન ઍડમ્સ, જૉન ક્વિસી અને ઍન્ડ્રુ જૉનસન) તેમના અનુગામીની શપથવિધિમાં સામેલ નહોતા થયા. ગત 100 વર્ષ દરમિયાન અમેરિકાના કોઈ રાષ્ટ્રપ્રમુખે આવું નથી કર્યું.

કોવિડની છાયામાં કાર્યક્રમ

જો સામાન્ય સંજોગ હોત, તો કદાચ લાખો લોકો ઇનૉગ્યુરેશનમાં ભાગ લેવા માટે વૉશિંગ્ટન ઊમટી પડ્યા હોત. આખું શહેર મુલાકાતીઓથી ભરાઈ ગયું હોત. સામાન્ય સંજોગોમાં ઇનૉગ્યુરેશનના કાર્યક્રમ દરમિયાન હોટલો પણ ભરાઈ ગઈ હોય છે.

વર્ષ 2009માં બરાક ઓબામા પ્રથમ વખત રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા ત્યારે 20 લાખ લોકો વૉશિંગ્ટન ઊમટી પડ્યા હતા. ખુદ બાઇડનની ટીમ કહી ચૂકી છે કે આ વખતનો કાર્યક્રમ મર્યાદિત હશે તથા બહુ મોટો જલસો નહીં હોય.

બાઇડનની ટીમે કોરોનાના ચેપને જોતાં લોકોને રાજધાનીમાં ન આવવા માટે લોકોને જણાવ્યું છે. કૅપિટલ હિલ ઉપર હુમલા બાદ વહીવટીતંત્રે પણ લોકોને ન આવવાની વારંવાર અપીલ કરી છે.

બાઇડન તથા હેરિસ યુ.એસ. કૅપિટલની સામે શપથ લેશે. 1981માં રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રેગને આ પરંપરા શરૂ કરી હતી. સમારંભસ્થળની સામે નૅશનલ મૉલ છે. શપથ ગ્રહણને નિહાળવા માટે પરેડ રુટની પાસે ઊભા કરવામાં આવેલાં સ્ટૅન્ડને હઠાવવામાં આવી રહ્યા છે.

અગાઉ સત્તાવાર કાર્યક્રમને નિહાળવા માટે બે લાખ જેટલી ટિકિટનું વિતરણ થતું હતું, પરંતુ આ વખતે અમેરિકામાં કોરોનાના સંક્રમણને જોતા માત્ર એક હજાર ટિકિટનું વિતરણ થશે.

https://www.youtube.com/watch?v=2pTuU5ID3Q8

ચાલુ વર્ષે પણ પાસ-ઇન રિવ્યૂ સમારંભ યોજાશે. જે સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરણની પરંપરાના ભાગરૂપે છે. આ ઔપચારિકતામાં નવા કમાન્ડર-ઇન-ચીફ સૈન્ય ટુકડીઓની પરેડનું નિરીક્ષણ કરે છે. આયોજકોનું કહેવું છે કે સામાન્ય રીતે પૅન્સિલવેનિયા ઍવેન્યુથી વ્હાઇટ હાઉસની વચ્ચે યોજાતી પરેડને બદલે સમગ્ર અમેરિકામાં વર્ચ્યુઅલ પરેડનું આયોજન કરાશે.

ત્યારે બાદ સૈન્ય અધિકારીઓ જો બાઇડન તથા કમલા હેરિસને વ્હાઇટ-હાઉસ સુધી દોરી જશે. તેમની સાથે બૅન્ડ તથા ડ્રમ વગાડનારી ટુકડી તેમની સાથે હશે.

કોને અને કેવી રીતે આમંત્રણ સ્ટેજની સામે બેસવા તથા ઊભા રહેવા માટે અને પરેડ-રૂટ પરના સ્થળોએથી કાર્યક્રમને નિહાળવા માટે ટિકિટની જરૂર રહે છે, જ્યારે નૅશનલ મૉલ સામાન્ય લોકો માટે ખુલ્લો હોય છે.

ઇનૉગ્યુરેશન સમારંભને નજીકથી જોવા માગતા લોકોએ સ્થાનિક પ્રતિનિધિ સાથે વાત કરવાની રહે છે.

ઇનૉગરલ બૉલ્સ તથા સમારંભ સંબંધિત અન્ય કાર્યક્રમોમાં સામેલ થવા માટે અલગથી ટિકિટ લેવી પડે છે. સેનેટ તથા કૉંગ્રેસના સભ્યો આ સમારંભનું આયોજન કરે છે.

દરેકને અમુક ફ્રી ટિકિટ મળે છે, જેની વહેંચણી તેઓ પોતાના વિવેકાનુસાર કરી શકે છે. આ વખતે કોરોનાના કારણે એક પ્રતિનિધિ સાથે એક જ મહેમાનને પ્રવેશ મળશે.

પાવર પૅક્ડ પર્ફૉર્મન્સ

ગાયિકા બેયૉન્સે બરાક ઓબામાના બંને શપથ સમારંભમાં પર્ફોર્મ કર્યું હતું. બાઇડનના શપથગ્રહણ સમારંભમાં પણ દિગ્ગજ કલાકારો પર્ફૉર્મ કરશે.

લેડી ગાગા રાષ્ટ્રગાન કરશે. તેઓ ચૂંટણીપ્રચાર દરમિયાનથી જ બાઇડન તથા હેરિસનાં સમર્થક રહ્યાં છે. આ સિવાય જેનિફર લૉપેઝ પણ પોતાની પ્રસ્તુતિ આપશે.

ઍક્ટર ટૉમ હૅન્કસ 90 મિનિટના કાર્યક્રમને હોસ્ટ કરશે, જેમાં ગાર્થ બ્રૂક્સ, જોન બોન જોવી, ડેમી લોવાટો સહિતના કલાકારો પર્ફૉર્મ કરશે. અમેરિકાના તમામ મોટા ટેલિવિઝન નેટવર્ક તથા ઑનલાઇન સ્ટ્રિમિંગ પ્લૅટફૉર્મ આ કાર્યક્રમને પ્રસારિત કરશે.

જોકે ફૉક્સ ન્યૂઝ નેટવર્ક તેમાં અપવાદ હશે. આ ચેનલે ચૂંટણીપ્રચાર અભિયાન દરમિયાન ટ્રમ્પને સાથ આપ્યો હતો.

વર્ષ 2009માં આર્થા ફ્રૅન્ક્લિને બરાક ઓબામાના ઇનૉગ્યુરેશન કાર્યક્રમ દરમિયાન My Country 'Tis of Thee ગાયું હતું. તેમની સાથે બેયૉન્સ પણ હતાં. તેમણે ઇનૉગ્યુરલ બૉલમાં પોતાનું વિખ્યાત ગીત 'ઍટલાસ્ટ' ગાયું હતું.

વર્ષ 2013માં બરાક ઓબામાએ કેલી ક્લાર્કસન તથા જેનિફર હડસનને આમંત્રિત કર્યાં હતાં અને બેયૉન્સે રાષ્ટ્રગીત ગાયું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના ઇનૉગ્યુરલ કાર્યક્રમમાં કલાકારોને બોલાવવામાં મુશ્કેલી પડી હતી. ઍલ્ટન જૉન, સેલિન ડિયોન તથા ગાર્થ બ્રુક્સે પર્ફૉર્મ કરવાનો ઇન્કાર કરી દીધો હોવાના અહેવાલ આવ્યા હતા. છેવટે રૉકેટ્સ, કંટ્રી આર્ટિસ્ટ લી ગ્રીનવુડ તથા બૅન્ડ-3 ડૉર્સ ઇનૉગ્યુરેશન કાર્યક્રમમાં સામેલ થયા હતા.

ઇનૉગ્યુરેશનની અવધિ

અમેરિકામાં બંધારણ લાગુ થયું, ત્યારથી જ જાન્યુઆરી મહિનામાં ઇનૉગ્યુરેશન કાર્યક્રમ યોજાય છે, એવું નથી. અગાઉ બંધારણીય જોગવાઈ મુજબ નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ તા. ચોથી માર્ચે પદભારના શપથ લેતા હતા.

નવેમ્બર મહિનામાં ચૂંટણીઓ યોજાય, તેના ચાર મહિના બાદ શપથગ્રહણનો કાર્યક્રમ યોજવાનું નક્કી કરાયું હતું.

તત્કાલીન સમય મુજબ આ નિર્ણય કદાચ યોગ્ય પણ હતો, કારણ કે રાજ્યોના ઔપચારિક પરિણામોને રાજધાની સુધી પહોંચવામાં ચાર મહિનાનો સમય લાગી જતો હતો, પરંતુ નવા રાષ્ટ્રપ્રમુખની શપથવિધિ તથા પરિણામો બાદ વર્તમાન રાષ્ટ્રપ્રમુખનો ચાર મહિના સુધી પદ ઉપર રહેવાનો ગાળો લાંબો બની રહેતો. તેને Lame Duck Period કહેવામાં આવતો.

આધુનિક સમયમાં નવી પ્રણાલિ તથા તકનીકોને કારણે મતગણતરી ઝડપી બની છે. પરિણામ વહેલા આવવા લાગ્યા છે. આથી વર્ષ 1933માં બંધારણનો 20મો સુધારો પસાર કરવામાં આવ્યો અને ચાર મહિનાના ગાળાને ઘટાડી દેવામાં આવ્યો.

નવી જોગવાઈમાં 20મી જાન્યુઆરીનો દિવસ નિર્ધારવામાં આવ્યો હતો.


https://www.youtube.com/watch?v=R7PClS-pIV4&t=1s

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
here is what will happen in joe Biden and Kamala Harris's sworn in ceremony
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X