
શ્રીલંકાના સમર્થનમાં આવી જેકલીન, કહ્યું - મારા દેશના નાગરિકોને કોઈના નિર્ણયની જરૂર નથી
મુંબઈ : હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ અટેક પાર્ટ 1 ને લઈને ચર્ચામાં આવેલી જેકલીન ફર્નાન્ડિઝે સોશિયલ મીડિયા પર લોકોને શ્રીલંકામાં ચાલી રહેલી આર્થિક કટોકટી અંગે શ્રીલંકાની મદદ કરવા અને તેની સાથે ઊભા રહેવાની અપીલ કરી છે.
જેકલીને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. જેકલીને જણાવ્યું હતું કે, શ્રીલંકાના નાગરિકો કોરોના મહામારીની અસર જોઈ રહ્યા છે, જેને ઈતિહાસની સૌથી ખરાબ આર્થિક કટોકટી કહેવામાં આવે છે. કારણ કે, કોરોના રોગચાળાની શરૂઆતથી જ ઇંધણ અને ખાદ્ય પુરવઠાની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.
જેકલીન હાલમાં જ જોન અબ્રાહમની એક્શન ફિલ્મ 'અટેક'માં જોવા મળી હતી. તેણે તાજેતરમાં તેની ઇન્સ્ટાગ્રામ એસની તસવીર શેર કરી, જેમાં લખ્યું છે, 'શ્રીલંકા ટુગેધર'. આ સાથે તેણે એક ચિઠ્ઠી પણ લખી કે, શ્રીલંકન હોવાને કારણે મારા દેશ અને તેમાં રહેતા લોકોની આવી હાલત જોઈને દિલ દુઃભાય છે. જ્યારથી આ કટોકટી શરૂ થઈ છે. મેં દુનિયાભરમાંથી ઘણી બધી વાતો સાંભળી છે. હું કહેવા માંગુ છું કે, કંઈપણ જોયા પછી, તરત જ નિર્ણય લેવાની ઉતાવળ ન કરો.
આ સિવાય જેકલીને લખ્યું છે કે, દુનિયા અને મારા દેશની જનતાને કોઈના જજમેન્ટની જરૂર નથી. તેઓને દયા અને સમર્થનની જરૂર છે. તેમની શક્તિ અને સુખાકારી માટે 2 મિનિટની મૌન પ્રાર્થના તમને તેમની નજીક લાવશે.'
શ્રીલંકા ઘણા દિવસોથી જાહેર વિરોધનો સામનો કરી રહ્યું છે, જેમાં સરકારને આર્થિક કટોકટી, રાઉન્ડ ધ ક્લોક પાવર કટ અને ઇંધણ અને અન્ય આવશ્યક પુરવઠાની અછતને ઉકેલવા માટે તાત્કાલિક પગલાં ભરવાની હાંકલ કરવામાં આવી છે.
નોંધનીય બાબત છે કે, આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલું શ્રીલંકા મદદ માટે ભારત તરફ આશાથી જોઈ રહ્યું છે. શ્રીલંકામાં વિપક્ષના નેતા સાજીથ પ્રેમદાસાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મદદની અપીલ કરી છે. તેમણે વડાપ્રધાન મોદીને આ સંકટના સમયમાં શ્રીલંકાને સમર્થન આપવા વિનંતી કરી છે.
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા હાલમાં સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. તેની પાસે સ્ટ્રીટ લાઇટ નાખવા માટે પૈસા બચ્યા નથી. દેશમાં મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં લોકો માટે પેટ ભરવું મુશ્કેલ બન્યું છે. લોકો સરકારથી નારાજ છે. તેને ધ્યાનમાં રાખીને રવિવારના રોજ કેબિનેટના 26 સભ્યોએ રાજીનામું આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, ભારત હંમેશા શ્રીલંકાની મદદ કરતું આવ્યું છે અને આ સંકટ સમયે પણ તેની મદદ કરી રહ્યું છે.