કાબુલમાં હોટલ પર થયો આતંકી હુમલો, તાલિબાને લીધી જવાબદારી
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટલ પર આતંકી હુમલામાં અનેક લોકોનું મૃત્યુ થયું છે અને કેટલાક ઘાયલ થયા છે. અફઘાનિસ્તાન મીડિયા અનુસાર, આંતકીવાદીઓએ અનેક લોકોને હોટલમાં બંદી પણ બનાવી દીધા છે અને હોટલના કેટલાક વિસ્તારને આગ ચાંપી દીધી છે. આ આતંકી હુમલામાં અત્યાર સુધીમાં કેટલા લોકોનું મૃત્યુ થયું એ અંગે કોઇ અધિકૃત પુષ્ટિ કરવામાં નથી આવી. જો કે, અફઘાનિસ્તાન મીડિયા અનુસાર અત્યાર સુધીમાં 7 લોકોનું મૃત્યુ થયું છે અને લગભગ 7 લોકોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટલમાં આતંકીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ ચાલુ છે, અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. તાલિબાને આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે.
હોટલમાંથી બચીને ભાગી આવેલ એક વ્યક્તિએ કહ્યું કે, ઓછામાં ઓછા 15 લોકોને મારવામાં આવ્યા છે અને આતંકીઓ હોટલની અંદર ગોળીબાર કરી રહ્યાં છે. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા નજબી દાનિશ અનુસાર, પોલીસે આ વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે. આ હોટલની સુરક્ષાની જવાબદારી પ્રાઇવેટ એજન્સિને સોંપવામાં આવી હતી. કહેવાઇ રહ્યું છે કે, આતંકીઓએ હોટલના પ્રવેશદ્વાર પર જ સુરક્ષાકર્મીઓની હત્યા કરી હતી. હોટલના પહેલા અને બીજા મળે વધુ નુકસાન થયું છે. વર્ષ 2011માં પણ આતંકીઓએ આ જ હોટલને નિશાન બનાવી હતી અને એ સમયે 12 લોકોનું મૃત્યુ થયું હતું. 2011માં 9 હુમલાખોરોએ હોટલ પર હુમલો કર્યો હતો અને 5 કલાક સુધી લોકોને બંદી બનાવીને રાખ્યા હતા. આખરે તમામ હુમલાખોરો ઠાર મરાયા હતા.