ભારતની જનતાને અભિનંદન, પાકિસ્તાન શીખે સબક, આ પરિણામ શાંતિ અને પ્રગતિ લાવશેઃ ભારતના ચૂંટણી રિઝલ્ટ પર બોલ્યુ પાક
Pakistan on Indian Election Result: પાકિસ્તાનની સત્તારૂઢ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) પાર્ટીના એક પ્રાંતીય મંત્રીએ મંગળવારે ભારતમાં સામાન્ય ચૂંટણીના વિજેતાઓને અભિનંદન આપતાં કહ્યું કે પરિણામો આ ક્ષેત્રમાં પ્રગતિ અને સમૃદ્ધિ લાવશે.
પંજાબના માહિતી મંત્રી અઝમા બોખારી, જે વડા પ્રધાન શહેબાઝ શરીફની પાર્ટીના નેતા છે, તેમણે ચૂંટણી પરિણામો પર સમાચાર એજન્સી પીટીઆઈ સાથેની ટૂંકી વાતચીતમાં જણાવ્યું હતું કે, "પાકિસ્તાન ભારતના લોકોને અને ચૂંટણીના વિજેતાઓને અભિનંદન આપે છે અને આશા રાખે છે કે આ પરિણામો (નવી સરકાર) ઉપખંડમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ લાવશે."

બોખારીએ વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન ભારતના લોકોને તેની શુભકામનાઓ વ્યક્ત કરે છે અને એકવાર નવી સરકાર રચાયા બાદ વડા પ્રધાન શરીફ અને વિદેશ કાર્યાલય નીતિગત નિવેદન જાહેર કરશે.
આ દરમિયાન, પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનો અને નિષ્ણાતોએ ભારતના ચૂંટણી પરિણામો પર તેમના મંતવ્યો રજૂ કર્યા છે, કેટલાક નેતાઓએ પાકિસ્તાનને તેના પાડોશી ભારત પાસેથી પાઠ શીખવા વિનંતી કરી છે. પૂર્વ સંઘીય મંત્રી હમ્માદ અઝહરે એક લાંબી પોસ્ટમાં કહ્યું કે પાકિસ્તાને ભારત પાસેથી પાઠ શીખવો જોઈએ.
તેમણે કહ્યું, "ભારતીય ચૂંટણીઓએ પાકિસ્તાની સત્તા પ્રતિષ્ઠાન માટે ઘણા પાઠ આપ્યા છે. લોકતાંત્રિક પ્રક્રિયા એક સ્વ-સુધારક માધ્યમ છે, પરંતુ શરત એ છે કે તેને દખલગીરી વિના તેના માર્ગે ચલાવવાની મંજૂરી આપવામાં આવે. ભારતમાં કુલ એક અબજ મતદારો છે, છતાં ચૂંટણીઓ સરળતાથી અને સમયસર યોજાઈ, પરંતુ, ભારતની સરખામણીમાં ઘણા ઓછા મતદારો હોવા છતાં અમે ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) દ્વારા ચૂંટણી કરાવી શક્યા નથી. સામાન્ય જનતાની સમજદાગી 4 કે 5 લોકોની સમજદારી કરતાં વધુ હોય છે."
અઝહરે એમ પણ કહ્યું કે, ભારતમાં ફોર્મ 45 કે ફોર્મ 47ની છેતરપિંડીના કોઈ અહેવાલ નથી. તેમણે કહ્યું, "આજે ભારતના લોકો સશક્ત અનુભવે છે અને તેમની લોકતાંત્રિક પ્રક્રિયામાં તેમનો વિશ્વાસ વધ્યો છે. અમારા લોકો તેમના ચોરાયેલા જનાદેશને કારણે દગો અનુભવે છે."
જો કે, દેશના માહિતી અને પ્રસારણ મંત્રી રહી ચૂકેલા ઈમરાન ખાનની પાર્ટીના નેતા ફવાદ ચૌધરીએ ઝેર ઓકતા કહ્યું છે કે "ભારતીય મતદારોએ ઉગ્રવાદને નકારી કાઢ્યો છે." સોશિયલ મીડિયા પર એક સંદેશમાં, તેમણે કહ્યું, "મને હંમેશા ભારતીય મતદારોમાં વિશ્વાસ હતો કે તેઓ ઉગ્રવાદીઓ અને નફરત ફેલાવનારાઓને નકારી દેશે અને તે ખૂબ જ સ્પષ્ટ છે કે મોદી અને રાજનાથ પણ ખૂબ મુશ્કેલીથી લોકસભામાં પહોંચી શક્યા છે. રાહુલ ગાંધી બંને બેઠકો જીત્યા છે."
પત્રકાર અને માનવાધિકાર એડવોકેટ મારવી સિરમદે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતના લોકોએ મતદાન દ્વારા તેમની વાત સ્પષ્ટ કરી છે. તેમણે કહ્યું, "બેલેટ પેપર દ્વારા તેમના મંતવ્યો વ્યક્ત કરવા અને તેમની પસંદગીના પક્ષોને આગળ લાવવા માટે ભારતના લોકોને અભિનંદન. વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પ્રક્રિયા - ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન. તે લોકશાહીનું પ્રતીક છે. આ ઉજવણી કરવાનો દિવસ છે!"












Click it and Unblock the Notifications
