Ranjani Srinivasan News : કોણ છે ભારતીય વિદ્યાર્થીની રંજની શ્રીનિવાસન? જેના વિઝા અમેરિકાએ રદ કર્યા
Ranjani Srinivasan News : અમેરિકાની પ્રતિષ્ઠિત કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ભારતીય વિદ્યાર્થી રંજની શ્રીનિવાસનના વિઝા યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા રદ કરવામાં આવ્યા છે.
આ નિર્ણય 5 માર્ચ 2025ના રોજ લેવામાં આવ્યો હતો અને રંજનીએ 11 માર્ચે યુનાઈટેડ સ્ટેટ્સ છોડી દીધું. DHSના જણાવ્યા મુજબ, રંજની શ્રીનિવાસન પર હિંસા-આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે.

તંત્રએ જણાવ્યું કે, તે હમાસને ટેકો આપતી પ્રવૃત્તિઓમાં સંડોાયેલ હતી. હમાસને યુએસ દ્વારા સત્તાવાર રીતે એક આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરાયું છે અને માનવામાં આવે છે કે રંજનીના કાર્યો સંસ્થાને પ્રોત્સાહન આપવા જેવા હતા.
આ ઘટના યુએસમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પર કડક નીતિ લાગુ કરવામાં આવી રહી છે, ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે કે જે પેલેસ્ટાઈન તરફી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે.
યુએસ સેક્રેટરી ઓફ હોમલેન્ડ સિક્યુરિટી ક્રિસ્ટી નોઈમેએ નિવેદનમાં જણાવ્યું કે, વિઝા મેળવવો એ વિશેષાધિકાર છે. જો તમે હિંસા અને આતંકવાદને પ્રોત્સાહન આપો છો તો તમારે આ દેશમાં રહેવું જોઈએ નહીં.
રંજની શ્રીનિવાસન ભારતીય મૂળની પ્રતિભાશાળી વિદ્યાર્થી છે અને કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, પ્લાનિંગ એન્ડ પ્રિઝર્વેશન (GSAPP)માં શહેરી આયોજન (અર્બન પ્લાનિંગ)ના ક્ષેત્રમાં પીએચડી કરી રહી હતી. તેણી એક પ્રતિષ્ઠિત ફુલબ્રાઈટ સ્કોલર છે અને તેનું શૈક્ષણિક રેકોર્ડ ઉલ્લેખનીય છે.
તેણીનો શૈક્ષણિક પ્રવાસ CEPT યુનિવર્સિટીમાં બેચલર ઑફ ડિઝાઇન (B.Des.), હાર્વર્ડ યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ડિઝાઇનમાં માસ્ટર ઑફ ડિઝાઇન (M.Des.) અને કોલંબિયાથી એમ.ફિલ. સુધીનો છે.
રંજનીનું સંશોધન ભારતના પેરી-શહેરી વિસ્તારોમાં જમીન-મજૂર સંબંધો, રાજકીય અર્થતંત્ર અને પ્રાદેશિક રાજકારણ પર કેન્દ્રિત છે. તે વિકાસના રાજકીય અર્થતંત્ર, જમીનના અવકાશી રાજકારણ અને શ્રમના સમાજશાસ્ત્ર જેવા વિષયો પર તેણી ઊંડો અભ્યાસ કરી રહી છે.
રંજનીના વિઝા રદ કરાવાને કારણે શૈક્ષણિક અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ થઈ છે. કેટલાંક સમર્થકોનું માનવું છે કે આ પગલું શૈક્ષણિક સ્વતંત્રતાના વિરોધમાં છે, જ્યારે બીજી તરફ યુએસ તંત્ર તેમના નિર્ણયને રાષ્ટ્રની સુરક્ષા માટે અનિવાર્ય ગણાવે છે.
આ ઘટના વિદેશી વિદ્યાર્થીઓ માટે ચેતવણીરૂપ બની શકે છે, ખાસ કરીને તેઓ માટે જે યુએસમાં અભ્યાસ કરતા હોય અને સામાજિક-રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય હોય.












Click it and Unblock the Notifications
